કાવ્ય-આચમન શ્રેણી – સુન્દરમ્/૪૬. પ્રભુ, દેજો

From Ekatra Foundation
Jump to navigation Jump to search
૪૬. પ્રભુ, દેજો

સુન્દરમ્

પ્રભુ, મારી અંધારી રાત્યુંને દેજો તારલા જી,
મારી અંજવાળી રાતડીને ચાંદ,
કે ઊજળા દિનોને દેજો ભાણ જી. — પ્રભુ મારીo

પ્રભુ, મારી ફોરમને દેજો એનાં ફૂલડાં જી,
મારા વગડાને દેજો એનાં ઝાડ,
કે ધરતીને દેજો એનાં આભ જી. — પ્રભુ મારીo

પ્રભુ, મારી ચણને દેજો રે ચણનાર જી,
મારાં પાણીડાંને દેજો એના તીર,
કે સમદરને દેજો એના લોઢ જી. — પ્રભુ મારીo

પ્રભુ, મારા આંગણાંને દેજો એનાં બાળુડાં જી,
મારા ગોંદરાને દેજો રે તળાવ,
કે ગાવડીને દેજો એનાં દૂધ જી. — પ્રભુ મારીo

પ્રભુ, મારા મનડાને દેજો એનાં માનવી જી.
મારા દિલડાને દેજો એનું દિલ,
કે આતમાને દેજો એના રામ જી. — પ્રભુ મારીo

૨૮ જાન્યુઆરી, ૧૯૫૬

(મુદિતા, ૧૯૯૧, પૃ. ૨૨)