કાવ્ય-આચમન શ્રેણી – સુન્દરમ્/૫૧. કણ રે આપો
Jump to navigation
Jump to search
૫૧. કણ રે આપો
સુન્દરમ્
એક કણ રે આપો,
આખો મણ નહિ માગું,
એક કણ રે આપો, મારા રાજ!
આખો રે ભંડાર મારો એ રહ્યો.
એક આંગણું આપો,
આખું આભ નહિ માગું,
એક આંગણું આપો, મારા રાજ!
આખાં રે બ્રહ્માંડ મારાં એ રહ્યાં.
એક પાંદડી આપો,
આખું ફૂલ નહિ માગું,
એક પાંદડી આપો, મારા રાજ!
આખી રે વસંત મારી એ રહી.
એક ઘૂંટડો આપો,
આખો ઘટ નહિ માગું,
એક ઘૂંટડો આપો, મારા રાજ!
આખાં રે સરોવર મારાં એ રહ્યાં.
એક મીટડી આપો,
આખી પ્રીત નહિ માગું,
એક મીટડી આપો, મારા રાજ!
આખાં રે અમૃત મારાં એ રહ્યાં.
૧૩-૯-૧૯૬૧
(ચૂંટેલી કવિતા: સુન્દરમ્, પૃ. ૧૭૩-૧૭૪)