કાવ્ય-આચમન શ્રેણી – સુન્દરમ્/ ૭. પગલાં

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૭. પગલાં

સુન્દરમ્

દરિયાને તીર એક રેતીની ઓટલી
ઊંચી અટૂલી અમે બાંધી જી રે,
પગલું તે એક એક પાડે મહેમાન એમ
રામજીની આણ અમે દીધી જી રે.

પહેલા મહેમાન તમે આવો, સૂરજદેવ,
પગલું સોનાનું એક પાડજો જી રે,
પગલામાં નવલખ તારાની ભાત ને
સંધ્યાના રંગ બે’ક માંડજો જી રે.

બીજા મહેમાન તમે આવો, પવનદેવ,
પગલું પંખીનું એક પાડજો જી રે,
પગલામાં વાત લખો પરીઓના દેશની
ફૂલડાંની ફોરમ પૂરજો જી રે.

ત્રીજા મહેમાન તમે આવો, સમદરદેવ,
પગલું મોતીનું એક પાડજો જી રે,
પગલામાં મહેલ ચણી સાતે પાતાળના,
માણેકના દીવા પ્રગટાવજો જી રે.

ધીરે મહેમાન જરા ધીરેથી આવજો,
પગલાં તે પાડજો જાળવી જી રે,
જોજો વિલાય ના એ પગલાંની પાંદડી,
બાળુડે ઓટલી બનાવી જી રે.
૩૧ જુલાઈ, ૧૯૩૧

(ચૂંટેલી કવિતા: સુન્દરમ્, પૃ. ૧૮)