કાવ્ય-આચમન શ્રેણી – સુરેશ દલાલ/આ આંખ મળી તો
Jump to navigation
Jump to search
૨૫. આ આંખ મળી તો
આ આંખ મળી તો મળ્યું આભ ને ચરણ મળ્યાં તો ધરતી;
આ લીધો હાથમાં હાથ : ઊછળી આવે સુગંધ-ભરતી!
લીલા ઘાસમાં કુમળો તડકો
પોચા પગલે દોડે,
કોઈ હૃદયની વાત ટહુકતી
ફૂલ થઈ અંબોડે;
મસ્ત પવનની સાથે ફોરમ પાગલ થઈને ફરતી :
આ આંખ મળી તો મળ્યું આભ ને ચરણ મળ્યાં તો ધરતી!
કદી મૌનની ટેકરીઓ પર
એકલવાયું ઝાડ,
અંધકારને પીએ, પાંદડે
ઝંખી રહે ઉઘાડ;
નહીં આંખમાં નીંદ : રાત કઈ તરસ લઈ ટળવળતી?
મળ્યું આભ ને મળી આંખ નહીં : ચરણ મળ્યાં : નહીં ધરતી!
૧૯૬૯(કાવ્યસૃષ્ટિ, પૃ. ૧૧૪-૧૧૫)