કાવ્ય-આચમન શ્રેણી – સુરેશ દલાલ/હું તો લખતી ને

૨૧. હું તો લખતી ને

હું તો લખતી ને કોરો રહે કાગળ
કે પંથ મારો આગળ જતો ને રહું પાછળ!
અહીંના આકાશમહીં ત્યાંનાં કોઈ વાદળાં

રે, આવી આવીને જાય વરસી;
હરિયાળી આમ ભલે ખીલી ને તોય મને
લાગે કે આજ ધરા તરસી.

એકેએક ઘૂંટે ઘૂંટાયો દાવાનળ;
કે પંથ મારો આગળ જતો ને રહું પાછળ!

પંથ મારો ચાલે ને તોય મને લાગે
કે અહીંયાં કોઈ પંથ નથી ક્યાંય;
અહીંનો સૂનકાર બધો આવે સમેટવા
એવો ક્યાં ટ્હૌકો રેલાય?

મૌનમાં ગળતો રહે છે હિમાચળ
કે પંથ મારો આગળ જતો ને રહું પાછળ!

૧૯૬૯(કાવ્યસૃષ્ટિ, પૃ. ૧૦૧)