કાવ્ય-આચમન શ્રેણી – સુરેશ દલાલ/‘દિયા રે અગમ પર ડેરા’

૪૬. ‘દિયા રે અગમ પર ડેરા’

‘દિયા રે અગમ પર ડેરા.’
એક હવાને ઝોકે ટળતા લખચોરાસી ફેરા.

અમને વ્હાલું શિખર અમારું,
અમને વ્હાલી ગુફા;
આતમ ને પરમાતમનાં અહીં,
વહેતાં ઝરણાં છૂપાં.

અનહદના અહીં નાદ સ્વરૂપના મહેકે મબલખ ચહેરા,
દિયા રે અગમ પર ડેરા.

સૂરજ ચંદર તારા અહીંયાં,
ટોળે વળતા આવે;
અજવાળાનો દેશ :
આગિયા અભાગિયા નહીં ફાવે;

ભાગ્યવાનને ભગવાન મળે : નહીં મેરા નહીં તેરા,
દિયા રે અગમ પર ડેરા.

૧૩-૧૦-૧૯૯૦(પદધ્વનિ, ૧૯૯૧, પૃ. ૬૨)