કાવ્ય-આચમન શ્રેણી – હરિકૃષ્ણ પાઠક/૧૩. પરાયું કૈં લાગે

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૧૩. પરાયું કૈં લાગે

(શિખરિણી)
ચિતાઓના સ્કંધે અસહ ખડક્યા બોજ, લમણે
ભરી કંકાલોની કણસ, કિલકારીની ડમરી,
હજી આંખે ઊઠે ભડભડ થતા ભૂત-ભડકા.
જરી ચાલ્યો’તો એ વિજન પથ હું પ્હેરી તડકા.

લૂખી સુક્કી લૂનો ફળફળ થતો ફાળ ભરતો
મને ઘેરી લેતો અરવ સુસવાટો સસડતો,
ઘડી શીળું લાગે, જરીક અમથું આંખ મળતાં;
ફરી ખોલું ત્યાં તો કણ કણ નરી આગ ઝરતા.

વળી ચાલું થોડું; પરણ પણ લીલાં નજરનાં
ખરી જાતાં એવાં ખરખર થતાં ને ખખડતાં.
અને રોમે રોમે બળબળ થતો દાહ ઝરતો –
શમા’વાને સારુ અવશ; ઉપચારો હું કરતો!

વળ્યો પાછો જોકે સ્વજન તણી શીળી હૂંફ મહીં,
પરાયું કૈં લાગે – અવ અહીં ઘડી કેટલી રહી?!

મે ૧૯૬૮
(જળમાં લખવાં નામ, પૃ. ૫૬)