કાવ્ય-આચમન શ્રેણી – હરિકૃષ્ણ પાઠક/૧૮. કોણ જાણે

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૧૮. કોણ જાણે

(વનવેલી)
એ જ હવા હજી અહીં વ્હેતી હશેઃ
લાવ થોડા શ્વાસ હવે ભરી લઉં…
શૈશવની ધૂળ મારી શેરીઓમાં આમતેમ પડી હશે;
લાવ જરી નજર ચુકાવી એક ચપટી તો ભરી લઉં…
સૂકીભઠ નદી અહીં સાવ સૂનકાર પડી;
ખાબોચિયું જળ ક્યાંક મળી જાય –
પાય તો ઝબોળી લઉં…
ગામની ભાગોળે
મારાં ખેતર ને વાડીઓ જ્યાં ઝૂલતાં’તાં –
ઈંટ અને પથ્થરના પથરાટ વધ્યે જાય;
એકાદીયે થોરિયાંની બચી ગઈ વાડ –
ક્યાંક – લીલી નહીં સૂકી ભલે; નજરે જો ચડી જાય –
આવતું-જતુંયે કો’ક રૂપ આંખે ચડી જાય –
લાવ એના કાંટાનુંયે વ્હાલ સ્હેજ વેડી લઉં…
એની એ જ ગામની બજાર;
પણ અવર-જવર જાણે ફરી ગઈ!
ખાલી પડ્યો એકાદોય ઓટલો જો જડી જાય –
લાવ ઘડી બેસું; બે’ક કશ લઉં;
લાવ મન ભરી લઉં; ઘડીભર તરી જઉં…
ભાવ પૂછવાને બ્હાને હાટે હાટે ફરી જોઉંઃ
એકાદીયે ઓળખીતી આંખ ક્યાંક મળી જાય,
કોક ભેરુ કળી જાય…
કોણ જાણે ફરી પાછું ક્યારે અહીં –
ત્યારે અહીં… કોણ જાણે!
એપ્રિલ ’૭૦
(જળમાં લખવાં નામ, પૃ. ૭૩)