કાવ્ય-આચમન શ્રેણી – હરિકૃષ્ણ પાઠક/૨૨. અડવાભગતની વાણી

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૨૨. અડવાભગતની વાણી


અડધા અક્ષર પાડિયા ને અડધા કાપ્યા પંથ,
કર્યાં ગણિત અડબંગ; એક અજંપો ઊગર્યો.

પડતી રાત્યું પાવઠે ને કૂવે કંપે જળ,
ઊભા સાવ અચળ; પ્હાડ કહો – પથરા કહો.

છાંદ્યો કાદવ કોઠીએ ને કોઠી ધોયેં કાદ –
એવા નેહ અગાધ; પાર ન પામું જીતવા.

છતરાયો છાપે ચડ્યો ને મોભે બાંધ્યાં વેર,
ભલો કરંતો કેર; નામ કમાણો ગામમાં.

ભણતો’તો ભૂખે મર્યો, ગણતે બાંધ્યાં ઘર;
લણતે લ્હેર અફરઃ જાદુ કળજગના જુઓ.

લેખાં-જોખાં સામટાં કર્યાં વણિકને દ્વાર,
આપે કોણ ઉધાર? વાળો પીળાં પાનીઆં.

તરતા કાંઠા તાણમાં ને વ્હેણ વમળમાં જાય,
કોણ કોણને ખાય! અડવાને અચરજ ઘણાં.

બાવાં બાઝ્યાં જાળિયે ને ઘરમાં પેઠાં ઘૂડ;
કાંઉં કરે ત્યાં કૂડ? શુકન ન ભાળે શામળો.

કાલ નહીં તો કો’ક દી, આજ નહીં તો કાલ,
થાશું અંતે ન્યાલ; તરગાળો ટાંપાં કરે.

શેક્યો પાપડ ભાંગતાં ભાંગી ગઢની રાંગ!
આખી વાત સુવાંગ વાસીદામાં વ્હૈ ગઈ!!
(જળમાં લખવાં નામ, પૃ. ૯૫)