કાવ્ય-આચમન શ્રેણી – હરિકૃષ્ણ પાઠક/૩૨. એક બારી ઊઘડે

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૩૨. એક બારી ઊઘડે


આમ ભોગળ ઊઘડે છે, આમ કંઈ ભિડાય છે,
આમ કોરુંકટ બધું ને આમ ભીંજી જાય છે.

બે’ક પળનું બેસવું ત્રીજી પળે ઉભડક બધું,
હાલ જે રૂઠ્યા હતા – હમણાં જ રીઝી જાય છે.

આમ ખળખળ એકધારી, આમ ઊંડું મૌન છે;
ઓગળે કંઈ બહાર, ભીતર કંઈક થીજી જાય છે.

આમ સન્નાટો બધે ને આમ સઘળું સ્તબ્ધવત્;
આમ પાછું કોક હળવી પાંખ વીંઝી જાય છે.

શું થશે રે શું થશે આખર આ અણઘડ ગામનું?
એક બારી ઊઘડે ને બંધ બીજી થાય છે.
(જળમાં લખવાં નામ, પૃ. ૧૬૧)