કાવ્ય-આચમન શ્રેણી – હરિકૃષ્ણ પાઠક/૩૭. ક્યાંક તિખારો જળે
Jump to navigation
Jump to search
૩૭. ક્યાંક તિખારો જળે
મળવા ખાતર મળે કોઈ
ને છળવા ખાતર છળે;
સુક્કાં ઠૂંઠાં શણગારેલાં,
લીલાં વૃક્ષો બળે.
સાચ રઝળતું ઊભે રસ્તે
જૂઠ બધે ઝળહળે;
કાંઠા તો કોરાકટ ઊભા
રેત બધે ખળભળે.
રાવ હવે ક્યાં જઈને કરવી?
વાડ ચીભડાં ગળે;
પોલાદી જાણ્યા’તા એ સૌ
વખત જોઈને વળે.
ડાબું-જમણું કોને કહીએ?
એકમેકમાં ભળે;
જતન કરીને મોલ ઉછેર્યો
ઢોર હરાયાં હળે.
જાણ નથી કે કોણે કીધા
ઘાવ, કારમા કળે;
ઘોરખોદિયાં ચડ્યાં સિંહાસન
કેમે ટાળ્યાં ટળે?
પાંચ-પચાસ ધરાઈ બેઠા
બાકી સહુ ટળવળે;
માંડ છાપરું ચાળ્યું ત્યાં તો
ઘરની ભીંતો ગળે.
અમરત ફળની આશે સીંચ્યા
વખના વેલા ફળે;
ખંડણીએ ખરપાતા રહેવું
લાગો આવ્યો ખળે.
ઘંટીનાં પડ જાય ઘસાતાં
દળદર ઠાલાં દળે;
ઘડીકમાં ભડકો થૈ જાશે
ક્યાંક તિખારો જળે.
(જળમાં લખવાં નામ, પૃ. ૧૮૫-૧૮૬)