કાવ્ય-આચમન શ્રેણી – હરિકૃષ્ણ પાઠક/૪. ભાંગેલું ગામ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૪. ભાંગેલું ગામ

ઉગમણા સૂરજની આથમણી ઝાંય
હવે પાણીમાં પાન પાન ઓગળે,
ભીડ્યા દરવાજામાં ભાંગેલું ગામ
ક્યાંક વળગી રહ્યું છે હવે ભોગળે.
કલરવની વાદળી તો ક્યાંથી કળાય
ક્યાંય ફરકે ના કલબલનું સોણું,
સૂનાં બજાર, હાટ, શેરી ને ચૉક
ક્યાંય ટોળે વળે ના લોક-જોણું.

ઠાલાં કૂવા-તળાવ, ઝાંઝવાંયે તબકે ના
વ્હેતો ભેંકાર હવે વોંકળે.
કોર્યાં કમાડ, માઢ, મેડી ને ગોખ;
બધે ઝાંખપ ગયું છે કોઈ રોળી,
બાવો મસાણિયોય પાછો ફરે છે
સાવ ખાલી લેઈને હવે ઝોળી.
થીજેલા કાળનેય કોણ હવે કહેશે –
કે રોઈ લે બાપ, મંન મોકળે!
ભીડ્યા દરવાજામાં ભાંગેલું ગામ
હવે વળગી રહ્યું છે ક્યાંક ભોગળે.

મે ’૭૧
(જળમાં લખવાં નામ, પૃ. ૧૦)