કાવ્ય-આચમન શ્રેણી – હરિકૃષ્ણ પાઠક/૬. એવડો નાતો

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૬. એવડો નાતો


આભની સાથે એવડો નાતો
શ્વાસમાં જેમ સમીર સમાતો.
કો’ક સવારે અદકો ઊગું
રંગ લઈને ફૂલમાં પૂગું.
ફોરમ કેરી ફાંટ ભરીને મન ફાવે ત્યાં વેરતો જાતો,
આભની સાથે એવડો નાતો.

કો’ક બપોરે તેજના શીળા
દરિયા જેવા ઊજળા નીલા
આભમાં પ્હોળી પાંખ પસારી હળવે રહી ફરકી જાતો,
આભની સાથે એવડો નાતો.

કો’ક દી વળી સાંજને સમે
ગોરજ જ્યારે ઘૂઘરે રમે
વાદળ વાદળ તેજની શેડ્યું છોડતો ડૂબું સૂરજ રાતો,
આભની સાથે એવડો નાતો.

કો’ક દી મૂંગી રાતની વેળા
તારલિયાને કરતો ભેળા,
મટમટાવું આંખ ને કરું ફૂલપરીની મીઠડી વાતો,
આભની સાથે એવડો નાતો.

૨૯-૮-૬૬
(જળમાં લખવાં નામ, પૃ. ૧૯)