કાવ્ય-આચમન શ્રેણી – હરિશ્ચન્દ્ર ભટ્ટ/અનામીને
૭. અનામીને
આંસુ વર્ષ્યા પછી હૈયું પોચું ભીનું થતું જરી,
ચિરાડા ચાસના ઊંડા પડેલા ચિત્તમાં વળી;
ત્યારે તું એકલો આવી ઓરજે બીજ અંતરે.
એકલો મેદની વચ્ચે, એકાન્તે હોઉં એકલો,
નિદ્રામાં, જાગતો હોઉં, અંતસ્તલ ઉખેડીને,
પામવો પાક તારે જે, બીજ તેવાં તું ઓરજે.
ધરાની કૂખ, ને નારી ક્યારે ક્યારેક જાણતાં
તેમ આપણ બન્ને એ જાણશું; અન્ય કોઈ એ
જાણે ના તેમ તું આવી, અનામી! બીજ ઓરજે.
૨૪’૨૫-૭-૧૯૪૧ (‘સ્વપ્નપ્રયાણ’, પૃ. ૧૩-૧૪)