કાવ્ય-આચમન શ્રેણી – હરિશ્ચન્દ્ર ભટ્ટ/તાંડવ

૨૭. તાંડવ

जगद्रक्षायै त्वं नटसि ननु वामैव विभुता ।
વજ્રીએ વજ્ર ફેંક્યું? ઉદધિ શું ઉમટ્યો? શંખ ફૂંક્યા સમીરે?
ફાટ્યો જ્વાલામુખી શું? રિપુદલ દમવા ચક્રવર્તી પધારે?
નાથેલો નાગ જાગ્યો? નહિ નહિ, ગરજે કેસરી પર્વતે? – ના,
શંભુએ અટ્ટહાસ્યે ત્રિભુવન-વિજયી નૃત્ય-પ્રારંભ કીધો.
વિશ્વનું થડક્યું હૈયું બ્રહ્માંડે ઘોષ ઝીલિયા,
શંભુએ નૃત્યુ આરંભ્યું, અક્ષરે નાદ ઉદ્ભવ્યા.
નક્ષત્રે માર્ગ આપ્યો, ને દેવગાંધર્વ ઊતર્યા,
ગણો સૌ હર્ષથી ઘેલા નાચી શંખ ધમી રહ્યાં.
પવનલહર ધીમી દેવદારુ હલાવે,
દિનકર તહીં થંભી તેજ ફેંકે દિગન્તે,
હિમશિખરમહીંથી રક્ત બિંબિત ધારા
રવિકરની લપેટે શંભુની સર્વ કાયા.
અંગે અંગે ગતિ વહી રહી સર્પ સૌ વીંટળાયે,
ચંદ્રજ્યોતિ ચમકતી ધીમું આગિયો જેમ ઊડે,
તાલે વાગી ડમરુ ડમક, અંગુલિ ઠેક આપે,
મૌંજી ખેંચી રુધિર ગળતું ચર્મ અંગે વીંટાળે.
લક્ષ્મીજનાર્દન કુતૂહલ દૃષ્ટિ ફેંકે,
નૃત્તે રસિક ગિરિજા શરમાઈ જાયે,
ત્યાં શારદા મધુર મંજુલ ગાન ગાયે,
ને વેદવાણી વદતા અમરો સ્તવે છે.
ડાર્યો દક્ષ, સ્વમાનરક્ષણ કર્યું, લીધો હવિ ભાગ, ને
પાયું અમૃત દેવને, વિષ પીધું, ને જાહ્નવી સ્વર્ગથી
ઝીલી માનવપાપ પૃથ્વી પરનાં ધોયાં, અને નૃત્યથી
સાધે મંગળ વિશ્વનું પ્રલયમાં બ્રહ્માંડને રોળતા.
મૃદંગ વાગે કરતાલ બાજે,
ત્રિલોકમાં ભૈરવનાદ ગાજે,
મૃત્યુંજયી સૂર દિગન્ત માંહે.
ફરી વળી શાશ્વત શાંતિ સ્થાપે.
પ્રલયેશ પ્રભુ થંભ્યા, થાક્યા એ વિજયી મદે,
હર્ષ ને સ્નેહથી જોઈ, અટ્ટહાસ્ય કરી રહે.

(‘સ્વપ્નપ્રયાણ’, પૃ. ૯૯-૧૦૦)