કાવ્ય-આચમન શ્રેણી – હરિશ્ચન્દ્ર ભટ્ટ/પવનને

૫. પવનને

સૂચવતા અહિ-ફેન સહસ્રથી,
અનિલ, તું વિષનું શીત લાવતો,
અગર તું વડવાનલ અગ્નિ શો,
જગત, ખાંડવ શું, બધું બાળતો —
પૃથ્વીને બાંધતો શું યમરૂપ થઈને પાશ ફેલાવી તારો?
ક્ષિતિજમાં દૂર ધ્રૂજતી વીજળી,
પૃથિવીને ઉર કંપ થતો જરી,
અનિલ, વિદ્યુતવાહક તું થઈ,
જગવ કંપન પ્રાણ મહીં હવે —
આવી વિદ્યુત સખા તું, સજીવન કરજે પ્રાણસંચારથી તું.
ઉદધિમાં તરતી તરણી, સઢો,
મરુત, તું ભરજે, દૂર લૈ જજે,
ધરતીએ ધન-ધાન્ય લણે જનો,
ઊતરજે કર-અંગુલિમાં તહીં.
અગ્નિના આવ, સાથી, તૃણ-જન-જગ સૌ મોદથી તું ભરી જા.
ગગનથી સરજે ખગ પાંખથી,
ઊતરવા અહીં યંત્ર-ગતિમહીં,
ઊતરજે અહીં અશ્વજવે, ’થવા,
શરતમાં જીતનાર તણા ડગે —
આવેગે આવજે તું, શિશુસ્મિતસમ વા આવજે વાયુ મંદ.
પવન આવ, ઉઠાવ, ઉપાડ તું,
કર અભાન રૂંધી અવ પ્રાણ આ,
ગગનમાં ચગવી ઘુમરાવીને,
પૃથિવી ઉપર તું જ પછાડજે —
ડંખીને મૃત્યુશીતે, સજીવન કરજે, પ્રાર્થના એ જ મારી.

૧/૨-૭-૧૯૪૧ (‘સ્વપ્નપ્રયાણ’, પૃ. ૭-૮)