કાવ્ય-આચમન શ્રેણી – હરિશ્ચન્દ્ર ભટ્ટ/પ્રણય ખાતર જ પ્રણય

૨૫. પ્રણય ખાતર જ પ્રણય

ઊગીને આકાશે પ્રતિપદ-શશી કો સરવરે
ધીરે ધીરે આંકી રજતરસરેખા પ્રતિદિને
ભરે પૂર્ણિમાએ નિજ રસથી સંપૂર્ણ સર એ.
સહુ સંબંધો આ જીવન મહીં મેં એમ ’નુભવ્યા,
હવે પૂર્ણેન્દુશી સહુ મુજ રતિ તું પર ઢળી.
ચઢેલું તારું જે ઋણ, જીવન પર્યંત વીસરું?
ભૂલું આ જન્મે તો નહિ જ કદિ. જન્માંતર તણી
વૃથા વાતે રાચું? ચહું છું ઋણ-મુક્તિ સતત હું;
અને પ્રાર્થું છું કે વિફળ મુજ આશા નહિ કરે –
યદિ એવું થાયે – નિઠુર કદી નારી થઈ શકે?
યદિ એવું થાયે અનુભવ અધૂરો તુજ ગણું.
બધા પ્રેમે મારા – જીવનસખી, મૈત્રી, જનનીના
’થવા બંધુપ્રેમે — શિશુઉર મહીં જે નવ પ્રીછ્યું
મને સ્હેજે લાધ્યું – નથી વીસરવું – મુગ્ધ પ્રણયે;
શુચિ સૌન્દર્યોની પરખ તુજ આંખો મહીં મળી
અરાગી–આસક્તિ, પ્રણયરતિની સિદ્ધિ ય મળી.
નવાણો ફૂટ્યાં આ મરુભૂમિ તણાં યે તુજ થકી
વહ્યાં કાવ્યોનાં એ જલ અધિક વ્હે એ જ વિનતિ.
અનન્યા આસક્તિ કવિ-ઉરની તારા જીવનમાં
કહું સાચું, પામે નહિ જ કદીયે અન્ય ઉરમાં;
યદિ માગે હૈયું હળવું તૃણશું તે ય દઉં હું,
ઉરોષ્મા પુષ્પોની સુરભિસમ માગે દઉં તને,
રુચે તોફાનો તો ધરતી પર નાચું કર ગ્રહી,
કરી લે નક્કી તું કઈ વિધ તું લેશે પ્રણય આ
કહે, બંધુત્વે વા સુહૃદ, પ્રણયીના સ્મરણનો?

૧૭-૧૨-૧૯૪૧(‘સ્વપ્નપ્રયાણ’, પૃ. ૮૮-૮૯)