કાવ્ય-આચમન શ્રેણી – હરીન્દ્ર દવે/૧૭. નજરું લાગી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૧૭. નજરું લાગી

સોળ સજી શણગાર
         ગયાં જ્યાં જરીક ઘરની બ્હાર,
                           અમોને નજરું લાગી!
બે પાંપણની વચ્ચેથી
         એક સરકી આવી સાપણ,
                           ડંખી ગઈ વરણાગી.
કાંસા કેરે વાટકડે નજરુંનો ટુચકો કીધો,
હવે ન ઊખડ્યો જાય, થાળીને વળગી બેઠો સીધો,
         આવા ન્હોય ઉતાર
                  નજરના આમ ન તૂટે તાર,
                           અમોને નજરું લાગી!
તેલ તણી લઈ વાટ અમે દીવાલ ઉપર જઈ ફેંકી,
ખીલી સમ ખોડાઈ ગઈ ત્યાં નવ વાંકી નવ ચૂકી,
         જડનેયે આ સૂઝ
                  તો ર્‌હેવું કેમ કરી અણબૂજ
                           અમોને નજરું લાગી!
સાત વખત સૂકાં મરચાંનો શિરથી કર્યો ઉતાર,
આગ મહીં હોમ્યાં ત્યાં તો કૈં વધતો ચાલ્યો ભાર,
         જલતાં તોય ન વાસ,
                  અમોને કેમ ન લાગે પાસ?
                                    અમોને નજરું લાગી!
ભૂવો કહે ના કામ અમારું, નજર આકરી કોક,
ટુચકા તરહ તરહ અજમાવી થાક્યાં સઘળાં લોક,
         ચિત્ત ન ચોંટે ક્યાંય
                  હવે તો રહ્યુંસહ્યું ના જાય,
                                    અમોને નજરું લાગી!
‘લ્યો, નજરું વાળી લઉં પાછી,’ એમ કહી કો આવ્યું,
નજરું પાછી નહીં મળે આ દરદ હવે મનભાવ્યું,
         હવે નજરનો ભાર
                  જીવનનો થઈ બેઠો આધાર,
                                    અમોને નજરું લાગી!

૧૯૫૬

(ચાલ, વરસાદની મોસમ છે, પૃ. ૮૮-૮૯)