કાવ્ય-આચમન શ્રેણી – હરીન્દ્ર દવે/૩૩. જાણી બૂજીને
Jump to navigation
Jump to search
૩૩. જાણીબૂજીને
જાણીબૂજીને અમે અળગાં ચાલ્યાં
ને છતાં પાલવ અડક્યાનો મને વ્હેમ છે,
સાવ રે સફાળા તમે ચોંકી ઊઠ્યા
ને પછી ઠીક થઈ પૂછ્યું કે કેમ છે!
આટલા અબોલા પછી આવો સવાલ
કહો કેમ કરી ઊતરવું પાનું,
મૂંગા રહીએ તો તમે કારણ માનો, ને
હોઠ ખોલીએ તો બોલવાનું બ્હાનું,
હું તો બોલીશ, છતાં માનશો તમે, કે
હજી દુનિયા આ મારી હેમખેમ છે!
વાયરાથી નળિયાને ફૂટી છે પાંખ
થઈ ચાલતી દીવાલ થકી ઈંટો,
ભર રે ચોમાસે હવે છાપરાં વિનાનો
કેમ કોરો રહે સ્મરણોનો વીંટો,
દુનિયાની વાત મૂકો, માનશો તમે, કે
હજી આપણી વચાળે જરા પ્રેમ છે!
૧૪–૬–’૭૧
(ચાલ, વરસાદની મોસમ છે, પૃ. ૨૪૦)