કાવ્ય-આચમન શ્રેણી – હરીન્દ્ર દવે/૪૯. અક્ષર હળવાફૂલ
૪૯. અક્ષર હળવાફૂલ
હરિ, અક્ષર હળવાફૂલ,
અમે સૌ ભારી રે,
ત્રાજવડે બેસીને સૌને
તોળે છે અવતારી રે.
સુખનું પલ્લું સ્હેજ નમે
ત્યાં દુ:ખની આવે ભરતી રે,
સ્થિર રહે છે ઘટિકા
કિંતુ રેત સમયની સરતી રે,
સુખદુ:ખ પાર બતાવે છે એ
આનંદરસ અલગારી રે!
નાનું સરવર આશાનું,
ઘનઘોર હતાશા સાગર રે,
સંગ કરાવે અવિનાશીનો
સંત પ્રગટ સચરાચર રે,
ઝળહળ ઝળહળ સકલ, પલક
જ્યાં પરસી ગૈ ચિનગારી રે!
૧૯૯૧