કાવ્ય-આચમન શ્રેણી – હરીન્દ્ર દવે/૬. આશ્લેષમાં

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૬. આશ્લેષમાં

આ ગૌર ગાત્ર, નયને કશી શ્યામ બંકિમ
શોભે લકીર, લટ બે સરતી કપોલે;
આ કંપતા અધરની હળુ લ્હેર કેરું
સર્જાય મંગલ પ્રયાગ પ્રસન્નતાભર્યું.
આ રેશમી પલવટે તવ ઢાંક્યું હૈયું
માતૃત્વથી સભર કંચનવર્ણ કુંભ,
એનું ન સ્પંદન મને અણજાણ, હે પ્રિય!
પૂર્ણત્વ એનું વિલસે દૃગમાં ચિરંતન.
ચૈતન્ય આ પ્રગટ, ના અપિધાન કોઈ
આ રોમરોમ મહીં ગુંજતી મંદ્ર રાગિણી,
સંચાર લેશ નવ ક્યાંય લહાય, તે છતાં
ક્યાંયે કશું સ્થગિત ના, ગતિમાન સર્વ.
મારા પ્રલંબિત કરે નવ માત્ર કાયા:
આશ્લેષમાં સકળ સૃષ્ટિની લીધ માયા.

૧૯૫૮

(ચાલ, વરસાદની મોસમ છે, પૃ. ૫૭)