કાવ્ય-આચમન શ્રેણી – હસમુખ પાઠક/૧૭. પ્રાર્થે હવે કાલિદાસ
હે નીલકંઠ, નવજન્મ દે મને;
આ મોક્ષમાંથી મુક્ત કર.
પૃથ્વીના સાદની વ્યાકુળતા હું હવે નહિ સહું;
આસુરી ધૂમ્રમાં ગૂંચવાયલાં,
નગરો, મહાનગરો કકળી રહ્યાં;
રજસ્કર્મમાં તવાયલાં તમસ્કર્મમાં રગદોળાયલાં,
મનુષ્યો અસ્વસ્થ સ્થિતિમાં ઢળી રહ્યાં;
યક્ષકિન્નરોનાં આત્યંતિક લયતાલનૃત્ય
જીવવા, વધુ જીવવા લથડી રહ્યાં;
નિરાશામાં ફેલાયલા અબોલ નિઃશ્વાસ
અનેક વાચારૂપ પકડવા સળવળી રહ્યા.
હે સંહાર દેવતા, આ સૃષ્ટિને સંહારમાં સંકેલતાં—
(ત્રીજા નેત્રની પાંપણ ઉપર મારી નજર સ્થિર, ક્યારની)
પહેલાં એક વાર, ફક્ત એક જ વાર, મને
ક્યાંક ક્યાંક હજી હરિયાળી દેખાતી ધરતી પર
ફરી શ્વાસ લેવા દે.
હે સદાશિવ, હસ નહિ આ વિકૃતિને;
કદાચ જન્મ ધરી કશુંય હું ના કરી શકું —
કશું ય ના કરી શકું?
આ પૃથ્વી પર અવતરવું સ્હેલ છે, એમને?
અવતારકૃત્ય પતાવવું ઠીક ઠીક મુશ્કેલ છે, કેમકે?
આ પૃથ્વીને આનંદમય કરી, જોવી, પામવી,
એ જ કામના, એ જ ઘેલછા,
ફરી ફરીને વસંતે છે, માટે
તું હસે છે, દેવતા આ યાચના પર?
હસ, તું હસ, તું ખુશીથી હસ.
કેમ કરી આનંદમય થાય આ પૃથ્વી?
હું શું જાણું?
મારે પૃથ્વી સ્વર્ગ નથી કરવી;
નથી જોવી મારે એને મરુભૂમિ;
પ્રલયની કલ્પના પ્રમાણી શકું છું, હોં દેવ!
માટે જ પ્રાર્થું છુંઃ
કે માત્ર પૃથ્વી પૃથ્વી રહે
ને મારે ફરી ફરીને મનુષ્ય થવું ઘટે,
હે કાળમૂર્તિ!
જે નાદથી, કાળના કર્ણને
જે તેજથી, દિશાઓની ઉઘાડબંધ થતી આંખને
જે ગંધથી, આંતરબાહ્ય પ્રસરતા અણુપરમાણુને
જે સ્પર્શથી, સમગ્ર ચૈતન્યથી સ્પંદનાવલિને
પકડી, ઓળખી, સ્વીકારી, ચાહી શકું,
તે જ તત્ત્વપૌરુષ માગું છું,
હે મંગળમૂર્તિ!
ન ખપે મને હવે મોક્ષ,
નવજન્મ દે, હે નીલકંઠ!
૨૦ નવેમ્બર ’૧૩
દિલ્હી
(સાયુજ્ય, પૃ. ૩૦-૩૧)