કાવ્ય-આચમન શ્રેણી – હસમુખ પાઠક/૩૭. હીંચકા પર

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૩૭. હીંચકા પર

બેસ અહીં, ધીરેથી, ધીરજથી
પલાંઠી લગાવી જો, ઝાડ, પાન, ફૂલ હવા,
તડકો — કેટલાં શાંત, કેટલાં
એકમેકમાં પરોવાયેલાં કે —
માટી, પથ્થર, ફરસ, ઘર,
સૌ સજીવ — હું તારામાં, તું મારામાં.
હવે હળુ હળુ હૈયે ડોલ, એટલે
હવા ડોલે, ફૂલ ડોલે, પાન ડોલે,
ઝાડ ડોલે, અરે ફરસ આઘીપાછી થાય,
માટી ઊંચીનીચી થાય, પથ્થર હરખે કૂદે,
તડકો-છાંયો નાચે, બધું હિલોળે
એકમેકમાં — હું તારામાં, તું મારામાં.
આને તું શું કહે? પ્રેમ?
આને હું શું કહું? કરુણા?

૭-૨-૮૪
વસંતપંચમી

(જાગરણ — પાછલી ખટઘડી, પૃ. ૩૬)