કાવ્ય-આચમન શ્રેણી – હસમુખ પાઠક/૪૦. ભળભાંખળું
Jump to navigation
Jump to search
જાગી જાઉં, ઊંઘ પૂરી થઈ ગઈ.
આકાશ હવે થોડા તારા, બાકી સ્વચ્છ સાફ.
વૃક્ષમાં એકાદ જાગી ગયેલા પંખીનો ફફડાટ.
અગાસીમાંથી નીચે આવું, હીંચકા પર,
પારિજાત હજીય ઝરે.
જે સુવાસ સાથે સુઈ ગયો હતો તે હજી
વાતાવરણમાં.
તું યાદ આવે. ભળભાંખળું શરૂ થાય.
જે કંઈ સમય છે તે હવે તારો.
કશુંય ખૂટ્યું નથી, એ જ
ઠાકુરઘર, એ જ આસન, એ જ વહાલ.
હીંચકતો હીંચકો તારું ગીત ગાઉં.
૨૧-૯-૮૪
(જાગરણ — પાછલી ખટઘડી, પૃ. ૫૦)