કાવ્ય-આચમન શ્રેણી – હસમુખ પાઠક/૪૯. વહાલ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૪૯. વહાલ

કેટકેટલું વહાણ ધરું
પ્રભુ ઓરા આવો!
ચંદ્ર-સૂર્યનું તેજ-ભરેલું,
ગ્રહ-તારાનું શાંત-ઠરેલું,
આતમનું મન-પાર-વરેલું વહાલ ધરું,
પ્રભુ ઓરા આવો!
દેવકીમાનું દૂધ-ચીતર્યું,
જસોદામાનું માખણ-નીતર્યું,
ગોપ-ગોપીનું ઘૃત ભીંજવેલું વહાલ ધરું,
પ્રભુ ઓરા આવો!
સૌનું થોડું થોડું ચાખ્યું,
રાધાનું જે બાકી રાખ્યું,
કિંકર હસમુખ પાસે માગ્યું વહાલ ધરું,
પ્રભુ ઓરા આવો!

૨૨ સપ્ટેમ્બર ૨૦૦૨
(એકાન્તિકી, પૃ. ૪૪)