કાવ્ય-આચમન શ્રેણી – ઉશનસ્/૨. પ્રથમ શિશુ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૨. પ્રથમ શિશુ

ઉશનસ્

પ્રથમ શિશુના જન્મે ગેહે અનંત કુતૂહલઃ
સકલ ઘરના જેવું મારે ઘરે પણ પારણું!

અવર સઘળાં ડિમ્ભોશું આ શિશુય અણુઅણુ!
પગ ટચૂકડા, નાના નાના કરો પર અંગુલ!

ઝણકત છડા શેરીવાટે, કલધ્વનિ ઉદ્ભવે,
સ્વર નીકળતો તા...તા, તેનો વધુ રસ વેદથી!

અરવ અવકાશે આ જાણે ઊઠી પ્રથમશ્રુતિ!
વળગણી ઝૂલે વાઘા નાના ધજા સમ ઉત્સવે!

પ્રથમ શિશુના જન્મે જાણે નવેસર જીવન,
પ્રથમ સ્થિતિ ને આ બે વચ્ચે ન સામ્ય દીસે જરી,

ફળ ફૂલ પછી બીજી સ્થિતિ, નવાઈ છતાં નરીઃ
પરિણયવટે આવી ટેટી ફૂટે ભરચેતન!

પ્રથમ શિશુ સૌ ક્હાનો, માતા બધી જ યશોમતી
મૃદમલિન મોંમાં બ્રહ્માંડો અનંત વિલોકતી!

૨૪-૨-૫૪

(સમસ્ત કવિતા, પૃ. ૪)