કાવ્ય-આચમન શ્રેણી - પ્રહ્લાદ પારેખ/૪૦. વહાણું

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૪૦. વહાણું

પ્રહ્લાદ પારેખ

હે જી એક ભાંગતી રાતે,
તારા-તેજ ઝંખવાતે,
દૂરેથી આવતું સુણ્યું કોઈનું ગાણું રે;
સુખે મારું મન ભરાણું.

આકાશે તારલા ઝાંખા,
આવે સૂર ગીતના પાંખા,
સમાતી આવતી તેમાં ફૂલ-સુગન્ધે રે;
છાયે મારું દિલ ઉમંગે.

જાગી કોઈ ઝાડની ડાળે,
પંખીડું બોલતું માળે
વધાવે તેજને એના મીઠડા બોલે રે;
સુણી મારું દિલડું ડોલે.

અંધારું ઑસરી જાતું,
હૈયું યે આછરી જાતું;
હોય જાણે કાળ તણું આ કાવ્યટાણું રે;
એવું મને લાગતું વહાણું.
(સરવાણી, પૃ. ૨૭