કાવ્ય-આચમન શ્રેણી - પ્રહ્લાદ પારેખ/૪૨. સાદ કરે છે
Jump to navigation
Jump to search
૪૨. સાદ કરે છે
પ્રહ્લાદ પારેખ
સાદ કરે છે, – દિલ હરે છે રે
મને એ સાદ કરે છે રે;
સાદ ના આવે કાન તમારે,
શોરબકોરે જગ ભરે છે એ. — મને એ૦
ગામને પાદર રોજ બપોરે
ઝાડવાં કેરી ડાળ,
સાદ કરે છે સાંજને ટાણે
દૂરની ડુંગરમાળ. – મને એ૦
ભણવા ટાણે સાદ કરે છે
નાનકું એક તળાવ,
કામની વેળા રોજ બોલાવે
એક એવો છે ઢાળ. – મને એ૦
નદિયું કેરી ભેખડ પેલી,
ખેતરો કેરી હાર,
સાદ કરે છે જંગલ-કેડી :
કેમ કરું હું વાર ? – મને એ૦
આભ અડે જ્યાં દૂર જમીને
કોણ છુપાયું ત્યાં ?
રોજ ઇશારે એ ય બોલાવે :
આવ, અલ્યા અહીંઆં ! – મને એ૦
(સરવાણી, પૃ. ૩૧)