કાવ્ય-આચમન શ્રેણી - પ્રહ્લાદ પારેખ/૪૪. દિલડાંની વાત

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૪૪. દિલડાંની વાત

પ્રહ્લાદ પારેખ

અમને ન આવડે કંઈ દિલડાંની વાત,
કે’તાં દિલડાંની વાત.          – અમને૦
દિલડાંની વાતુ એવી,
વાદળ માંયલી વીજળી જેવી:
હે જી એને કેમ રે બંધાય,
એને કેમ રે ઝલાય,
એથી અમે સાવરે અગન્યાન.          – અમને૦

ફૂલડાં સમી જો હોયે,
માળા ગૂંથી તો તો લઈયે:
હે જી આ તો ફૂલડાં નહિ ને
કેવળ ભમતો પરાગ:
એને કેમ રે ગૂંથાય,
એને કેમ રે ઝલાય,
એથી અમે સાવ રે અગન્યાન.          – અમને૦

માછલાં સમી જો હોયે,
શબદજાળે બાંધી લઈયે:
હે જી આ તો કલકલ જળરવ,
એને કેમ રે બંધાય,
એને કેમ રે ઝલાય,
એથી અમે સાવરે અગન્યાન.          – અમને૦

દિલડું હશે જો વાતો
દિલની ઝલાશે એ તો:
ભલે હોય વીજળી, પરાગ,
કે કલકલ એ અવાજ :
એ તો સૌ દિલડે બંધાય,
એ તો સૌ દિલડે ઝલાય,
એ તો સૌ દિલડે ગૂંથાય.          – અમને૦
(સરવાણી, પૃ. ૩૬)