કાવ્ય-આચમન શ્રેણી - પ્રહ્લાદ પારેખ/૪.વીજળી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૪.વીજળી

પ્રહ્લાદ પારેખ

સમુદ્ર નિજ છાલકે નભ તણા દીવા હોલવે,
અને સકલ અભ્રજૂથ ઉર આભનું આવરે;
સવેગ ધસતો બધે પવન ઝાડવાં ધ્રૂજવે;
જયી તિમિર થાય શું ? પ્રલય આજ શું ઘૂઘવે ?

સચિંત ઘરમાં સહુ જન લપાઈને બેસિયાં,
ભયે અચલ થૈ પડ્યાં સકલ પંખીડાં ઝાડવે;
‘પ્રકાશ કહીં ?’ – ઊઠતી તિમિરની મૂંગી મશ્કરી;
પ્રગાઢ નિજ બાથમાં જગતને લિયે આવરી.

અનુત્તર કરી દઈ, તિમિર, સર્વને, ઘૂમતું;
અને નયનથી બધાં, નજર-તેજને ચૂસતું.
વિરાટ રૂપ ત્યાં ઊભું તિમિરનું; અને માનવી
ઊભો બિનસહાય, – આશ નવ, – તેજહીણો થઈ.

પ્રચંડ તહીં ઊઠતો તિમિર – ભીતરે નાદ કો;
ચિરાય નભ નાદથી, ધરણી-અંગ ધ્રૂજી ઊઠે :
સહુ જનપદે, વને, જલતરંગની ઉપરે,
પ્રકાશ નિજ, વીજળી, નિજ જવાબ શો પાથરે !
(બારી બહાર, પૃ. ૫૫)