કાશ્મીરનો પ્રવાસ/તા. ૬-૧૧-૯૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search
તા. ૬-૧૧-૯૧

તા. ૬-૧૧-૯૧ ચકવાકની લાંબી ચીસો કાગાનીંદરમાં કોઇ કોઇ વખતે કાને પડવા લાગી. માંજી લોકોનાં બગાસાં, ટુંકાં ગાયનો અને અવાજ સંભળાવા લાગ્યા. દીપજ્યોતિ જરા નિસ્તેજ થવા લાગી. પડખું ફેરવતી વખતે ટાઢથી બિછાનું જરા ભીનું અને ઠંડું લાગવા માંડ્યું. બહાર ઉજ્જવલ ભાસ નજરે પડવા લાગ્યો. પાણીના ખળભળાટથી કિસ્તીની આવજા શરૂ થઇ ગઇ છે, એમ લાગ્યું. કાગડા, ચકલાં, કાબર અને બીજાં પક્ષીઓ બોલવા લાગ્યાં. ચોકીએ બેઠેલો સિપાઈ એક પછી એક રસોયાને ઉઠાડવા લાગ્યો. તેઓ ઉઠ્યા કે તુરત જ આળસ મરડી કોઈ " હરિ, હરિ, હરિ ", કોઇ " હે ! રામ તું " કોઇ " હે ! ભગવાન " એમ બોલતા પથારીઓ સંકેલી કામે લાગ્યા; પરભાતીઆં ગાવા લાગ્યા અને ચુલા પાસે તાપવા બેસી ગયા. ધીમે ધીમે, અજવાળું ઓરડામાં આવ્યું એટલે અમે પણ ઉઠ્યા, બે ત્રણ માંજીઓને બોલાવી " ડાક ઘરકું જાકે સબ કાગઝ જલદી લાઓ ઔર તાર હોવેતો વ્હોબી લાના ", બીજાને, " બહાર જાકે જલદી ચિરાક તૈયાર કરો ", ત્રીજાને " શિકારી તૈયાર રખો દુપેરકું બહાર ફિરને જાનાંહે ", આ પ્રમાણે જુદાં જુદાં કામ બતાવી દીધાં. કમાડ ઉઘાડ્યાં. તેઓ ગયા. અમે બહાર ઓસરીમાં ખુરશીઓ નખાવી, ગરમ કપડાં પહેરી સગડી આસપાસ દાતણ કરવા બેસી ગયા. પૂર્વ દિશાની લાલાશ, પર્વતો પરનો ગુલાબી દીસતો બરફ, નાના પ્રકારના અવાજ કરતાં આમતેમ ઉડતાં પક્ષીઓ, ઝાકળથી ટપકતાં વૃક્ષો, જરા જરા ઉપડેલાં જળકણથી છવાયેલ પુષ્પ, ડાળીઓ પર પથરાઇ ગયેલી પાણીનાં મોતીયાથી ચળકતી કરોળિયાની જાળ, લીલું ઘાસ અને તે પર પડેલાં પાણીનાં ટીપાં, ધીમે ધીમે વિખરાતો ધુમ્મસ, ડુંગર પર ફરતાં હસ્તિદલ જેવાં દેખાતાં વાદળાં, નિર્મળ થતું આકાશ, શુક્ર અને બીજા વિરલ વિરલ રહેલા ઝાંખા તારા, પાણી પર ઉડતાં કલકલિયા, ખોરડામાંથી નીકળતા ધુમાડાના થોડાં રહેલા ધુમ્મ્સ સાથે મળી જતા ગોટા, અને પ્રભાત કાળના એવા અનેક સુખકર રમણીય કુદરતી દેખાવો જોઇ આનંદમાં દાતણ પાણી કરી લીધાં. એટલી વારમાં બે ઉંચા ડુંગરો વચ્ચે ખીણમાં ચળકાટ મારતાં, ચોતરફ ફેલાતાં, માણસોના અવાજ સાથે વધતાં જતાં સૂર્યના સોનેરી કીરણો નજરે પડ્યાં, અને આમ્રરસથી છકેલ કોકિલાની કીકી જેવાં લાલ વસ્ત્ર ધારણ કરી ભગવાન સૂર્ય દેવતાએ દર્શન દીધાં. સુવર્ણની રેતી જેવો, શરદીમાં વહાલો લાગતો, કમલ વનને વિકસિત કરતો, નદીના પાણીને રંગી નાખતો, બરફના લાલ રંગને ભુસી દેતો તડકો, પૃથ્વી, પહાડ, ઝાડ, અને સર્વ વસ્તુ પર પથરાઈ ગયો. સૂર્યનો રથ ઊંચો ચડ્યો. પર્વતો નીચે આવી ગયા, જલની તરંગ પરંપરા ચળકવા લાગી અને ટાઢ જરા ઓછી થઈ તેથી અમે ન્હાવા લાગ્યા. કોઈએ કહ્યું કે " કાગળ લઈ માંજી આવ્યો " તેથી જલદી કપડાં પહેરી રસોયાને " થાળીને જરા વાર છે " એમ કહી લખવાની ઓરડીમાં દોડી જઈ જલદી જલદી પ્રિય સ્નેહીઓના પ્રિય કુશલ પત્રો વાંચ્યા, અને પછી જમી લીધું. મિત્રોને કાગળના જવાબ જલદી જલદી લખી નાખી, કિસ્તીમાં બેસી માંજી લોકોને કહી દીધું કે : તખ્તે સુલેમાન તરફ શીકારી ચલાવો. તેઓ શીકારી ચલાવ્યા પહેલાં ’ઓ પીર, દસ્તગીર, શહેનશાહ, બાદશાહ’ એવા એવા શબ્દો હલેસાંને એક સરખાં નિયમિત કરવા બોલી કિસ્તી સપાટાબંધ ચલાવવા લાગ્યા. રેસિડન્સિનું મકાન જે અમારા ઉતારાથી બહુ દૂર નહોતું ત્યાં આવી પહોંચ્યા. કિસ્તી ઉભી રાખી એક માંજીએ કહ્યું કે, " સાબ, ઇધરસે ચલનાં પડેગા ", એક માંજીને રસ્તો બતાવવા સાથે લઈ તેની પાછળ પાછળ વૃક્ષ ઘટામાં ખાડા ખડીયા કૂદતાં કૂદતાં, એક નાની કેડીપર એક પછી એક આડા અવળા ચાલવા લાગ્યા. થોડા વખતમાં ટેકરીની નજદીક આવી ગયા. શ્રીનગર દરિયાની સપાટીથી ૫૦૦૦ ફીટ ઉંચું છે અને શંકરાચાર્યનું મંદિર ૬૦૦૦ ફીટ ઉંચું છે, તેથી અમારે ૧૦૦૦ ફીટ ઉંચું ચડવાનું હતું. ભાંગી ગયેલાં પગથીયાં પર સંભાળી સંભાળી પણ ઝડપમાં પગ મૂકતા ઉંચા ચડવા લાગ્યા. વાઇસરોયના માન ખાતર આ ટેકરીપર રાતે રોશની થવાની હતી તેથી મજુરો કપાસિયાના કોડીઆંની હારો કરતા હતા અને નાની નાની લાકડીઓ આમ તેમ ખોડતા હતા. આ એક જાતના કાશ્મીરી ઝાડની સોટીઓ દિવાની માફક બળે છે અને તેથી તેને પણ રોશની કરતી વખતે વાપરવામાં આવે છે. ઘડીક ઉભા રહી આ રોશનીની તૈયારી અને નીચેની જમીન પર જરા નજર કરી પાછા ધીમે ધીમે ચાલવાનું શરૂ કર્યું. પગથિયાં છોડી દઇ એક નાની કેડી પર ચાલવા લાગ્યા. જમણી બાજુએ પથરા, ઝાડ, ડુંગર અને કામ કરતાં દાડિયાં હતાં, અને ડાબી બાજુએ વધારે વધારે ઉંડી થતી જતી ખાઇ હતી. લાંબી કાશ્મીરી લાકડીઓ હાથમાં રાખી લીધી હતી અને ખાઇ તરફ વારંવાર નજર કરતા, થાકી જવાથી ઘડીએ ઘડીએ પથરા પર બેસી વિસામો લેતા લેતા શ્રી શંકરાચાર્યના શિવાલય પર પહોંચી ગયા, અને "શંભો હર" કરી નીચે બેઠા. શ્રમથી પસીનો વળી ગયો હતો, અને મંદ શીતળ પવનની લહેરી આવતી હતી તેથી જરા વાર વિશ્રાંતિ લઈ મહાદેવના દર્શન કરવા ગયા. મંદિરમાં એક મોટું શિવલિંગ અને બે પર્શિયન લેખ છે. અહિં એક બાવો હતો તેણે કહ્યું કે, "આ જગ્યાએ આર્ય ઉધ્ધારક શ્રી શંકરાચાર્ય અને મંડનમિશ્રનાં પત્નીનો સંવાદ થયો હતો." વળી તેણે કહ્યું કે, "અહીંથી થોડે દૂર ઉગ્ર અંબરનાથ મહાદેવ છે. તેનો એવો મહિમા છે કે કોઈ ભાગ્યશાળી અને પુણ્યવાન જ તેનાં દર્શન કરી શકે છે. ત્યાં હજારો માણસો જાય છે પણ કેટલાક શિવાલયમાં ગયા પછી આંધળાભીંત થઈ જાય છે, અને શંકરનાં દર્શન કરી શકતા નથી. હાલ તો ત્યાં બરફ જામી ગએલો છે. આ અંબરનાથનું મંદિર અશોકના દીકરાએ ચણાવેલું છે."

૨. આ ઊંચા સ્થાનથી આખું શ્રીનગર અને ઘણે દૂર સુધીના સુંદર પ્રદેશો નજરે પડે છે. જો કે શહેરનાં દુર્દશામાં આવી પડેલાં જેવાં ઘર જોવાથી થોડોજ આનંદ મળે છે. પણ ઇશ્વરી કુદરત, ઈંદ્રજાળની માફક આંખને ખેંચી લે છે અને જાગતાં છતાં સ્વપ્નાવસ્થાનું ભાન કરાવે છે. એક બાજુએ નાનાં નાનાં દેખાતાં સફેદાનાં વૃક્ષોની આડી અવળી હારો, ચિનારના ઝાડની ઠેકાણે ઠેકાણે ઘટા, અહીં તહીં પથરાયેલાં લીલાં અને ભુરાં, ચોરસ, ત્રિકોણી, ગોળ અને એવા અનેક આકારનાં મેદનો, અને ભાજી પાલાથી ભરપૂર ખેતરો, તેમાં ફરતાં વેંતિયાં માણસ જેવા દીસતા ખેડુતો, ડાલ સરોવર, તેમાં તરતી નાની મોટી વનસ્પતિ, કીનારપરના બગીચા, વાદળાંથી વધારે કાળો દેખાતો પરિ મહેલ, શહેરમાંની આડી અવળી આસમાની પાણીની સડકો, ઘર બહાર નીકળતા ધુમાડાના ચાલ્યા જતા, ઊંચે ચડતા, વિખરાઇ જતાં થાંભલા, ઘાસથી છવાએલાં છાપરાં, અને બીજી બાજુએ ખીણમાં ધીમે ધીમે સર્પાકારે ચાલી આવતી જેલમ નદી, મુસાફરી બંગલા, વાદળાં અને બરફથી ઢંકાયેલી, દૃષ્ટિ મર્યાદા સુધી લાંબી લાંબી ચાલી જતી, ઊંચી નીચી ધાર અને અણીવાળી લીલી અને કાળી ટેકરીઓ વાળી પર્વત પરંપરા, અને તેની ઝાડીમાં જુદા જુદા અવાજ કરી ઉડતાં ચંડુલાદી પક્ષિઓ, દૃષ્ટિએ પડે છે. આ તે પૃથ્વિ ! સ્વર્ગ ! કે કૈલાસ છે ! તેનો સંકલ્પ વિકલ્પ કરાવે છે. ચારે દિશામાં આવાજ અદ્‍ભૂત, દૃષ્ટિને આલ્હાદન આપતા, સૌંદર્યના વિશાળ ભંડાર આવી રહેલા છે. તેથી ક્યાંથી આંખ ફેરવી ક્યાં જોવું તે સુજતું નથી. આ ઋતુમાં પણ આ દેખાવ આટલું આશ્ચર્ય ઉત્પન્ન કરે છે તો ખેતરોને કેસર અને ઘીચ વનસ્પતિથી, દરેક વૃક્ષને ચળકતાં નવપલ્લવ અને ફળોથી, દરેક ઝરણને નિર્મળ, શીત, ખળખળતા જળથી, દરેક મેદાનને લીલા ઘાસથી અને દરેક પર્વતને પુષ્પ, પાન, અને ફળના નવરંગી ગાલીચાથી ભરી દેતી વસંતમાં આ પ્રદેશો હૃદય પર શું અસર નહિ કરતા હોય ! સર્વદા ધન્ય છે, આવી અનુપમ લીલાને સૃજનાર લીલાને, આવા અકળ અમાનુષી, અતીગહન, ઇશ્વરી ચમત્કારના રમણીય ભંડારનું પ્રેમ, આનંદ અને આશ્ચર્ય સહિત અવલોકન કરી, મહાદેવનાં ફરીથી દર્શન કરી, ચિત્તવૃત્તિને ત્યાંજ છોડી પાછા વળ્યા. આ વખતે નીચે ઉતરવું હતું તેથી મહેનત ઓછી હતી પણ સંભાળ ઘણીજ રાખવી પડતી હતી, કેમકે પગ લપસ્યો કે, ’રામરામ’, ખાઇ પડખે ઘણીજ ઊંડી; તેમાં પડ્યા તો પાવળું પાણી પણ માગવાનો વખત મળે નહિ. ઢાળ ઘણો છે તેની સંભાળ રાખ્યા છતાં પગ લપસી પડતો હતો અને પાછા ઉભા થતાં પણ જરા મુશ્કેલી પડતી હતી. કેટલાક ખાઈ સામે નજર કરવાને પણ હિમ્મત ધરી શકતા નહોતા. ધીમે ધીમે બધા સાજા સમા ઇશ્વર કૃપાથી નીચે ઉતર્યા અને ’હાશ’ કરી કિસ્તીમાં બેસી ગયા. ઉતારે પહોંચ્યા તેટલી વારમાં રાત્રી આવી આવી પહોંચી તેથી વાળુ કરી થાક્યાપાક્યા જલદી બીછાનામાં પડ્યા અને ઘસઘસાટ ઊંઘ આવી ગઈ.