કાશ્મીરનો પ્રવાસ/પત્રની શરૂઆત

From Ekatra Wiki
Jump to navigation Jump to search
પત્રની શરૂઆત

શ્રી જગન્ન્નાથપુરી, તા. ૨૨ જાન્યુઆરી ૧૮૯૨.

પ્રિય માસ્તર સાહેબ જોશીજી,

આપને કુદરતી લીલાનું અવલોકન કરવાનો શોખ છે, મને પણ કુદરતી કૃતિપર લક્ષ આપી, તેનું વર્ણન લખવામાં આનંદ આવે છે અને કાશ્મીર દેશ કુદરતી ખુબીનો જ સમુદાય છે તેથી તે વિષે આપને કાંઈએક લખવું એવી મારી ઈચ્છા છે.

૨. જે રસ્તે અમે શ્રીનગર ગયા હતા તેજ રસ્તેથી પાછા આવ્યા છીએ. તો એકજ દેખાવનું બે વખત વર્ણન આપવું એ નીરસ લાગે છે તેથી પહેલાં શ્રીનગરનું વર્ણન આપી પછી રાવલપિંડી અને શ્રીનગર વચ્ચેના રસ્તામાં જે જે સુંદર દેખાવો આવે છે તેનું વર્ણન આપું છું.

૩. અમે શ્રીનગર અક્ટોબરની એકત્રીશમી તારીખે સવારે અગિયાર વાગે પહોંચ્યા. અમારી પાસે વાહન, ગાડી અથવા ઘોડાં નહોતાં પણ અમે એક જાતની હોડીમાં બેઠા હતા. આ હોડીનું તળિયું દરિયામાંની હોડી જેવું હોતું નથી પણ ચપટ હોય છે, કારણકે આ હોડીને જેલમ નદીમાં ચાલવાનું છે હોય અને તેમાં કોઈ કોઈ ઠેકાણે પાણી છીછરું છે. હોડી પાણીમાં માત્ર એકાદ વેંત ડુબતી રહે છે અને ઉપર ઘાસનું છાપરૂં હોય છે, તેથી સખત પવનના ઝપાટાથી અથવા તોફાનથી ઉંધી વળી જવાની ઘણાને ધાસ્તી રહે છે. અમારે સ્હામે પૂર જવાનું હતું. તેથી અમે જ્યાંથી આ હોડીમાં બેઠા ત્યાંથી તેને ખેંચવી પડતી હતી. તેના અગાડીના ભાગમાં એક લાકડું ખોડી રાખે છે અને તેને એક દોરડું બાંધવામાં આવે છે; આ દોરડું ઝાલી હોડીને ખેંચવા માટે ચાર પાંચ માણસો કીનારે ચાલ્યા જાય છે અને હોડીને નદીની વચમાં રાખવાને એક માણસ તેના અગાડીના ભાગમાં લાંબો વાંસ લઈ ઉભેલો હોય છે, એ વાંસને તળિયામાં ખોસતો આવે છે અને હોડીને મરજી મુજબ વાળે છે. આ ખલાસીઓને કાશ્મીરમાં માંજી કહે છે અને હોડીને કિસ્તી કહે છે. અમારે આવી કિસ્તીમાં આશરે એંશી માઈલ મુસાફરી કરવાની હતી. એક્માં કુમારશ્રી ગીગાવાળા, હું અને અમારા પાસવાનો હતા, બીજીમાં પ્રાણજીવનભઈ અને એમનાં માણસો, ત્રીજીમાં રસોઈયા અને રસોડાનો સામાન અને ચોથામાં બાકીનો બધો સામાન અને બીજા માણસો હતા. અકેક કિસ્તીનું દર માસે પંદર રૂપીયા ભાડું ઠરાવેલું હતું.

૪. જે જગ્યાએ અમો કિસ્તીમાં બેઠા હતાં ત્યાં અમારી બરદાસ માટે રાજ્ય તરફથી એક બ્રાહ્મણ મોકલવામાં આવ્યો હતો. આવા બ્રાહ્મણો કાશ્મીરમાં ઘણાં છે, અને તેઓ પંડિત કહેવાય છે. જે પંડિત અમારી બરદાસ માટે આવેલ હતો તેનું નામ વાસકાક હતું, પણ પાછળથી અમે એનું નામ કાગવાસ પાડેલું હતું. પંડિત અમારી સાથે ચાલ્યો. કિસ્તીવાળાએ કહ્યું કે: જો માંજી લોકો વધારે હશે તો અમે તમને શ્રીનગર એક દિવસ વહેલા પહોંચાડીશું. માંજી લાવવાનું કામ પંડિતને સોંપ્યું. પંડિત ત્રીસચાલીશ માણસોને પકડી લાવ્યો, પણ સવારે તો અમે એકે માંજી જોયો નહિ. બીજે દિવસે પણ એટલાંજ માણસોને પકડી લાવ્યો છતાં સવારે ચાર માણસો રહ્યાં. બીજા ક્યાં ગયાં ? અગાડીને દિવસે લાવેલ માણસમાંથી કામ કરવા એક્કે કેમ ન આવ્યું ? તે બાબત તપાસ કરતાં માલમ પડ્યું કે માંજીઓને આપવા પંડિતોને જે પૈસા આપીએ છીએ તે, તેઓ તેમને આપતાં નથી, પણ બધા પોતે જ રાખે છે એટલું જ નહીં પણ જે લોકોને તે પકડી લાવે છે તેઓમાંના દરેક પાસેથી તે પા પા અડધો અડધો રૂપિયો લઈ છોડી મૂકે છે. આ લોકો આવી રીતે પંડિતોના ગજવાં શામાટે ભરે છે? રાજ્યમાં કર્તા હર્તા પંડિતો જ છે. તેની સ્હામેની ફરિયાદ કોઈ સાંભળે નહિ. માંજી લોકો ગરીબ અને અણસમજુ છે, તેઓની સ્થિતિ ગુલામ કરતાં પણ વધારે ખરાબ છે. પંડિતો તેઓને વેઠે કામ કરાવે છે, કામ ન કરે તો માર મારે છે. અને આ પ્રમાણે તેઓ બીચારાને માથે છપ્પ્નના પાટા પડે છે. એક માંજી અમારી હોડી ખેંચતો હતો તેણે અમને આ બધી વાત કરી. એ સિવાય પણ આ વાત સાચી માનવાને અમને ઘણાં કારણો મળ્યાં હતાં. એક વખત તો અમે માંજી લોકોને ભાગી જતાં, આ પંડિતને તેની પાછળ પડતાં, અને માર મારતાં નજરે જોયો. ત્યાર પછી અમે પંડિતને કહી દીધું કે હવેથી કોઈ માંજીને લાવવો નહિં; અને અમારૂં કામ કરવા આણેલા બીચારા ગરીબ માંજીઓને ખુશી કરી ઘેર જવા દીધા.

૫. ઈટાલીમાં આવેલા વેનીસ શહેરની માફક શ્રીનગરના ધોરી રસ્તા, એ જેલમ નદી અને તેના ફાંટા છે. આથી ગાડી અને ઘોડાને બદલે રંગેલી કિસ્તીનો એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાને ઉપયોગ કરવામાં આવે છે. જો કે શ્રીનગરને કુદરતી બક્ષીસ ઘણી સારી મળેલી છે; તોપણ ત્યાંના રહેવાસી ગંદા, ગરીબ અને જંગલી જેવા હોવાને લીધે તેનો ઉપયોગ કેમ કરવો તે સમજતા નથી. શેહેર ઘણું જ ગંદું છે. સ્વચ્છતા એટલે શું, એ થોડાજ સમજે છે. ગરીબનાં ઝુંપડા, તવંગરના ઘર, તેમજ મહારાજાના મહેલપર નળીઆંને બદલે ઘાસથી છવાએલાં માટીનાં છાપરા હોય છે; તફાવત માત્ર એટલોજ છે કે શ્રીમંત લોકો ઘાસ કપાવી લીલા ગાલીચા જેવા છાપરાનો દેખાવ રાખે છે અને ગરીબ લોકો તેમ કરી શકતા નથી. મહારાજાની કિસ્તી પણ વગર રંગેલી અને ગંદી હોય છે. તો પછી ગરીબ માંજીની શી વાત કરવી ? ઘરને કોઈ પણ મરામત કરાવતું નથી, તેથી શહેર ખંડેર જેવું દેખાય છે.

૬. શ્રીનગરમાં ૧,૦૦,૦૦૦ માણાસની વસ્તી છે, તેમાં બે ભાગ મુસલમાનના છે, અને એક પંડિતનો છે. સ્ત્રી પુરુષો ઘણાં ખૂબસુરત, દેખાવડાં અને કદાવર છે પણ શરીર અને કપડાં હમેંશા ગંદા જ હોય છે. મુસલમાન વર્ગ વેપાર અને બીજા કામ કરી રોજગાર ચલાવે છે. મુસલમાનનો થોડો જ ભાગ રાજ્યકારભારમાં નોકરી પર છે, કારણ કે સત્તા પંડિતોના બાપની જ છે. ઈશ્વરકૃપાથી હવે તે સત્તામાં દિનપ્રતિદિન ઘટાડો થતો જાય છે. કાશ્મીરના મહારાજા પ્રતાપસિંહજીને કામકાજમાં અભિપ્રાય પુછવામાં આવે છે, અને એમનાજ હુકમથી રાજ્યનો બધો કારભાર ચાલે છે એવો દેખાવ મહારાજાના ન્હાનાભાઈ અમરસિંહજીએ રાખ્યો છે. પણ કર્તાહર્તા એક કાઉન્સીલ છે. કાઉન્સીલના પ્રેસિડન્ટ અમરસિંહજી છે. ખુદ મહારાજા રાજ્યમાં ઘણું થોડું ધ્યાન આપે છે. અહીં ગવરમેંટ તરફથી એક રેસીડેન્ટ રહે છે, એમની પણ રાજ્યમાં સારી સત્તા છે. મહારાજાના બીજા ભાઈ રામસિંહજી જે અમરસિંહ કરતાં મોહોટા છે તે સેનાધિપતિ છે. પોતાના લશ્કરી કામ સિવાય બીજા કોઈ કામમાં વચ્ચે પડતા નથી.

૭. કાશ્મીરમાં દરેક માણસ પારસીના ગોર (દસ્તુર) જેવી સફેદ પાઘડી બાંધે છે. વિવાહ પ્રસંગમાં પણ આ રંગ બદલાતો નથી. વરલાડો પણ તેજ રંગની અને તેવીજ પાઘડી બાંધે છે. સાધારણ માણસો સુરવાલ પહેરે છે. શરીરપર બદન અને તેના પર એક લાંબો, પગની ઘુંટી સુધી નીચે લટકતો જભ્ભો પહેરે છે. આ જભ્ભાની બાંય ઘણી લાંબી અને ઘણી મોકળી હોય છે, તેથી હાથ બીલકુલ બહાર દેખાતા નથી. કામ કરવું હોય ત્યારે બાંયને ઉંચી ચડાવી બેવડી કરી લે છે. કેટલાએક પંડિતો સુરવાલ પહેરે છે અને ઘણાંમાત્ર લંગોટી જ રાખે છે, કેમકે જભ્ભો ઘણોજ લાંબો હોય છે. હવે કેટલીક જગ્યાએ કોટ પાટલૂન પણ નજરે પડે છે. સ્ત્રીઓ પુરુષો જેવાંજ કપડાં પહેરે છે, પણ માથે એક સફેદ વ્હોરાના જેવી ટોપી ઘાલે છે. આ અતિશય બેડોળ લાગે છે. ઘરેણાં બહુજ થોડાં પહેરે છે.

૮. શ્રીનગરની હવા વીલાયતના જેવી છે. કેટલાકનું મત એવું છે કે મદિરાપાન કાશ્મીરમાં ન કરે તો માણસને હરકત થાય, અને માણસ હંમેશા નાહી શકે નહિ. આમ કહેનારા દારૂના શોખી, આળસુ કે અજાણ્યાજ હોવા જોઇએ. વીલાયતમાં તેમજ કાશ્મીરમાં એવાં માણસો ઘણાં છે કે જે મદિરાનો સ્પર્શ પણ કદી કરતા નથી. અમે હમેંશા નિયમસર કાશ્મીરમાં વગર હરકતે નાહી શકતા, મદિરા પીવાની કોઈ પણ વખતે કોઈને જરૂર પડતી નહોતી અને આનંદથી બહાર હરીફરી શકતા હતા.

૯. કાશ્મીરમાં મુસાફરી કરનારા માણસને કઈ કઈ બાબતની જરૂર પડે છે તે અમે પૂરૂં જાણી શક્યા નથી, કારણ કે અમે કાશ્મીરનો ઘણો જ થોડો ભાગ જોઈ શક્યા હતા : તોપણ અમને નીચેની વસ્તુઓની ઘણી જરૂર પડી હતી :-

૧-ગરમ કપડાં, ઓઢવાને શાલો અથવા બન્નુસ.
૨-સંકેલાય તેવા પલંગો અને નહાનાં પાતળાં ગાદલાં
૩-જે માણસ હૉટલ અથવા ડોક બંગલામાં ન ખાઇ શક્તો હોય તેણે એક બીજો રસોડાનો તંબુ પણ રાખવો જોઈએ. એક બે દિવસનુંસીધું પણ સાથે રાખવાની જરૂર છે. દરેક મુકામે મજાના ડૉક બંગલા છે. તેમાં હોટલની માફક જ જમવાની અને રહેવાની સારી સોઇ છે. જ્યાંથી જેલમ નદી પર કિસ્તીમાં મુસાફરી કરવી પડે છે ત્યાંથી સીધું સાથે રાખવાની ઘણી જ જરૂર છે. માંજી લોકો ઘણાજ સારા માણસો છે. નોકર કરતાં પણ વિશેષ આજ્ઞાંકિત છે. વળી ભલા અને હાથના ચોખ્ખા છે. આ લોકો મુસલમાન છે, અને રાંધી પણ આપે છે. જેને મુસલમાનના હાથે રાંધેલું ન ખપતું હોય તેણે રસોઇઆ સાથે રાખવા જોઈએ.
૪-કાશ્મીરમાં અમે ભેંશો ક્યાંઇ જોઇ નહિ. દૂધ ગાયોનું મળે છે. ઘી અને માખણ આળા ચામડામાં ભરી રાખે છે તેથી ઘણાં જ ખરાબ, કડવાં અને દુર્ગંધી હોય છે. અમને ઘી અને માખણ વિના ઘણી અડચણ પડી હતી. કાશ્મીરમાં દરેક મુસાફરે આ બે ચીજો હમેશાં સાથે રાખવી.

૧૦. રાવળપીંડીથી બારામુલ્લાં સુધી ટાંગા ભાડે મળી શકે છે. આ ઉત્તમ વાહન છે, તે અમને મળી શક્યું નહિ, કારણ કે વાયસરૉયને માટે બધા ટાંગા રાખેલાં હતા. અમે ફિટન ગાડીમાં બારમુલ્લાં સુધી ગયા. સામાન અને માણસોને માટે એક્કા ભાડે કર્યા હતા, આ એક્કાનાં ટટ્ટુ ઘણાંજ ખરાબ હોય છે ; એક્કા ન્હાના અને ખળભળી ગયેલ હોય છે, અને હાંકનાર બેદરકાર હોય છે. જો સામાન પંદર અથવા સોળ દિવસ અગાડીથી ચલાવી શકાય તેમ હોય તો કરાંચીઓ (ગાડીઓ) પણ મળે છે. આ કરાંચીના બળદોને રાશ હોતી નથી, પણ હાંકનાર લાકડીથી બળદને ડાબી જમણી તરફ વાળે છે. પર્વત પરના આડા અવળા અને સાંકડા રસ્તામાં આ ભયંકર છે.

૧૧. કાશ્મીરમાં જવાનો ખરો વખત વસંત જ છે. એ ઋતુમાં હિમાલયમાંથી ઉતરતી, પછડાતી, ઉછળતી નદીઓ ઘણા જ જોસથી વહે છે. પર્વતો ઝરણથી છલકાતા દેખાય છે. ડુંગરો અને ખીણોપર વનસ્પતિના ગાલિચા પથરાઈ ગયેલા હોય છે. વળી ટાઢ પણ ઓછી હોય છે. જે ઋતુમાં અમે કાશ્મીરમાં ગયા તેમાં ફળ ફુલાદિ ઉલી ગયાં હતાં, અને ઠંડી પણ સખત હતી. વાઈસરૉય તેજ વખતે કાશ્મીર હતા તેથી અમારા ધારવા પ્રમાણે અમે જઈ શક્યા નહિ. રાવળપીંડીમાં અમારે લગભગ બાર દિવસ પડ્યું રહેવું પડ્યું. અમારે આખો હિન્દુસ્તાન છ માસમાં જોવાનો હતો અને કાશ્મીરમાં ઘણી ટાઢ હોવાને લીધે અમને વધારે રોકાવું અને વધારે જોવું પરવડ્યું નહિ. આમ થવાથી અમે નાગાપર્વત, માનસબલ, માર્તંડ, આવંતિપુરનાં મંદિરો, અનંગનાથ, ઈસ્લામાબાદ અને પૃથ્વીના સ્વર્ગ જેવા કાશ્મીર દેશના એવાજ બીજા અતિ રમણીય પ્રદેશો જોઈ શક્યા નહિ.

૧૨. કાશ્મીરની ખૂબસુરતી અને મુસીબતો વિષે અમે જેવું વાંચ્યું હતું અને તેથી અમારા મનમાં જેવી કલ્પના હતી તેવું અમે અનુભવ્યું નહિ, તોપણ એ દેશ સ્વર્ગનું પ્રતિબિંબ છે અને ત્યાં જવું કઠિન અને જરા જોખમ ભરેલું છે તેમાં તો કાંઈ શકજ નથી. અલબત મુસીબત વિના સ્વર્ગનાં દર્શન ક્યાંથી થાય ? ખુબસુરતી ઓછી લાગી તેનું કારણ એટલું જ હશે કે અમે ગયા તે સારી ઋતુ નહોતી. અમે બહુ જ થોડું જોયું અને જે કાંઈ જોયું તે પણ ઉતાવળથી. મુસીબત ઓછી પડી તેનું કારણ એજ કે વાઈસરૉયને લીધે રસ્તા ઘણી સારી સ્થિતિમાં હતા. વળી જે સડક પર અમે ચાલ્યા હતા તે નવી બાંધેલી હતી. તો પણ કેટલીક વખત મુસીબતો પણ એટલી ભોગવવી પડી કે જેથી બે-ત્રણ જીવની હાનિ થાત. ગમે તેમ હોય તો પણ મને તો એમજ લાગ્યું કે કોઈ પણ સારી અથવા ખરાબ બાબતનો, ભોક્તા થયા પહેલાં જે વિચાર હોયછે તેમાં ભોક્તા થયા પછી ઘણી જ ન્યૂનતા થાય છે. અહીંની ભાષા જુદીજ છે. હિંદુસ્તાની ભાષા ઘણા માણસો સમજી શકે છે. રાજ્યનું દફતર ફારસી ભાષામાં રાખવામાં આવે છે.