કિરીટ દૂધાતની વાર્તાઓ/૨. ડચૂરો

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૨. ડચૂરો

જીવરાજભાઈ મૂંઝાઈને ખુરશીમાં થોડું હલ્યા. શું વાત કરવી એનો ખ્યાલ ન આવતાં પૂછ્યું, તું તો સરકારી નોકરીમાં નૈં? જલસા છે તારે! મેં ‘હમ’ કર્યું. એ વિશે વાત કરવાની ઇચ્છા નહોતી. એ મારી સામું જોઈ ફરીથી મૂંગા થઈ ગયા. વળી પાછી એ જ મૂંઝવણ, શું વાત કરવી? એ કંટાળીને ઊભા થયા, હું સ્હેજ દીવાબત્તી કરતો આવું. બેસ તું તારે, હમણાં તારી ભાભી આવશે. મેં ધીમેથી ધડકી પર હથેળી ઘસી. બેસવા આવ્યો ત્યારે ગોદડું ન જડતાં જીવરાજભાઈએ પટારામાંથી જૂની ધડકી કાઢીને પાથરી હતી. આ ધડકી પ્રભાભાભી કરિયાવરમાં લાવેલાં. સાથે લાવેલાં એક સુગંધ. ત્યારે તો હજી છઠ્ઠા ધોરણમાં ભણતા છોકરાને ખ્યાલ પણ ક્યાંથી હોય એ સુગંધ પ્રભાભાભીના પંડ્યમાંથી ફોરે છે કે એમણે પહેરેલા ઘેરદાર ચણિયા કે ઝૂલતા પાલવમાંથી! મોટાંબા પણ જીવરાજભાઈનો ચાંદલો કરવા ગયેલાં એટલે મેં એમને જ પૂછેલું; તે હેં મોટાંબા! આ પ્રભાભાભી છે કેવાંક? મોટાંબાએ કીધેલું, છોડી છે હાડેતી, પાછી કામકાજે જીવરીય ખરી! પણ પ્રભાભાભીને મેં પહેલાંવહેલાં ધ્યાનથી ત્યારે જોયેલાં જ્યારે એ અમારે ઘેર પગેપયણું કરવા આવેલાં. ખિખિયાટા કરતી બાયું વચ્ચે એ મૂંગા બેઠાં રહેલાં. પેલી સુગંધની લાલચે હું એ બેઠાં હતાં એની બાજુના દાદરાના પગથિયે બેસી ગયેલો. મોટાંબા તો હાડેતી કહેતાં હતાં પણ શું એમનું રૂપ હતું! કુટુંબની બીજી વહુવારુઓ એના ખભે માંડ આવે. લાંબી ડોકમાં મોરહાર પહેરેલો. લાગઠ પંદરેક દી’ પીઠી ચોળી હશે તે દેહ આખો પીળો ધમરક થઈ ગયેલો. એ બેઠાં બેઠાં પગની આંગળીએ પહેરેલી માછલી રમાડ્યાં કરતાં હતાં. એમણે મોટી આંખો મારા પર માંડી ને હસ્યાં ત્યારે એમના ગાલ પર એવાં ખંજન પડ્યાં કે મને મોટાંબા ઉપર દાઝ ચડી, નકામાં હાડેતી હાડેતી કરીને ઠકરાણાં જેવી બાઈની વેલ્યૂ ડાઉન કરે છે. એમનું લંબગોળ મોં ઘણી વાર સુધી તાકી રહ્યા પછી મને મારી ઓળખાણ આપવાની ઇચ્છા થઈ આવેલી : જોજો, નાનો છું એટલે ક્યાંક તમારો ભત્રીજો નો ધારી લેતાં! તમારો દેર થાઉં છું દેર! આ તો આપણે ફક્ત તમારું માન રાખવા ‘તમે તમે’ કરીએ, બાકી કુટુંબની બધી ભાભી હાર્યે તો ‘તું’ વન્યા વાત જ નથી કરતા હોં. પછી તો ઘણું બનેલું. અને એ પછી ઘણું બનેલું. પછી એક દિવસ પ્રભાભાભી મરી ગયાં હતાં ત્યારે હું છઠ્ઠા કે આઠમામાં નહોતો ભણતો; શહેરમાં સરકારી નોકરી કરતો હતો. એક દિવસ નોકરી પરથી ઘેર આવ્યો ત્યારે મારી નાની બહેને કહેલું; ભાઈ, કાકાના જીવરાજભાઈના ઘરનાં નૈ? આપડાં પ્રભાભાભી, ઈ ઓફ્‌ફ થઈ ગ્યાં.

આજે પરાણે ગામમાં આવવું પડ્યું. તરત નીકળી જવાની યોજના હતી પણ કાલ સવાર પહેલાં બસ મળવાની નહોતી. એટલે પરાણે રોકાઈ જવું પડ્યું. સમય પસાર કરવા બજારે આંટો મારવા નીકળ્યો. અચાનક જીવરાજભાઈને ઘેર જઈ ચડ્યો. એમ તો શહેરમાં રહેતો હતો તોય મને સમાચાર મળેલા કે એ બીજી વાર પરણ્યા છે. આમે અમસ્તો પણ હું એમને મળવા જતો નહીં. પણ પ્રભાભાભી આવ્યા પછી રોજ એમને ઘેર જવા મંડ્યો હતો. જોકે એ તો ત્યારે ખેતરે જ હોય. ડેલીનો આગળિયો જાતે જ ખોલીને અંદર ગયો. પહેલાં પણ આગળિયો જાતે ખોલતો, ડેલી ખખડાવતો નહીં. શરૂશરૂમાં પ્રભાભાભી ચમકી જતાં, ઓય મા, તમે છો! મને તો ધ્રાસકો પડ્યો, અટાણે હું એકલી છું ને કોણ આવ્યું? હું ઓશરીમાં રેડિયો લઈને ફરમાઈશી ગીતો સાંભળતો, ઓલઇન્ડિયા રેડિયો પર પકડાયેલા પાકિસ્તાની યુદ્ધકેદીઓના એમના ઘરનાં લોકોને પ્રસારિત થતા સંદેશા સાંભળતો. થોડી વાર થાય એટલે પ્રભાભાભી મારું બાવડું પકડીને અંદરના રૂમમાં ખેંચી જતાં, હવે અહીં બિરાજો, જોજો પાછા ઊભા નો થાતા. હું પાણિયારામાં નાવા બેસું છું. તાજા ઠારેલા ચૂલાનો ધુમાડો જાળિયામાંથી ત્રાંસા પડતા તડકામાં તરતો હોય. ગાર્ય કરેલી ભોંય પર માખીઓ કશા હલનચલન વગર બેસી ગઈ હોય. બહાર બજારમાં લોખંડના પાટાવાળું એકાદું ગાડું ધણેણાટી કરતું નીકળે અને ઘરમાં કાંધી ઉપર રાખેલાં બધાંય ઠામ ધ્રૂજવા મંડે. બહાર પાણિયારામાં એ નહાતી હોય. ક્યારેક પૂછવાનું મન થતું, વાંહો કરી દઉં? પછી મનમાં શરમાઈ જતો. થોડી વાર પછી એ નાહીને અંદર આવી જાય અને કહે, હવે બેહવું હોય તો બેહો ઓસરીમાં તમતમારે. એટલે હું, તમે સમજો છો એવો અબુધ નથી, એવી રીતે એમની સામે જોઈને હસતો હસતો ઘેર જવા નીકળું. એ દિવસોમાં અમે દુઝાણું કાઢી નાખેલું એટલે દૂધ લેવા જીવરાજભાઈને ત્યાં જતો. ઘણી વાર પ્રભાભાભી રોટલા ઘડતાં હોય ત્યારે ચૂલા અને ભીંત વચ્ચેની સાંકડી જગામાં દબાઈને બેઠોબેઠો હું અલકમલકની વાતો કરતો. એમનું ધ્યાન રોટલો એક બાજુ શેકાઈ જાય એટલે એને ઉથલાવી નાખવામાં હોય. હું ક્યારેક વાર્તા પણ કહેતો : પછી તો માંગડાવાળાએ કીધું કે આ પાંહળીમાં તલવારની અણી ભાંગી ગઈ છે ઈ તો સહન કરી લઉં છું હોં દરબાર, પણ આ પદ્માવતી હાર્યેનો ઠાલોઠાલો ઘરસંસાર નથી સહન થાતો. ઈ કાળા માથાનું માણહ અને હું ભૂત. રાત્યે કણસ્યા કરું તો બિચારી પૂછ્યા કરે કે ક્યાં દુઃખે છે? લાવો દાબી દઉં, પણ હું તો હવાનો ગોટો, ઈ અડવા જાય ને હું ધૂંવાડો. બિચારીના હાથ ઝાવાં માર્યા કરે. અરરર, આ માણહ ને ભૂત વચ્ચેનો સંસાર નથી સહન થાતો. – ભૂત અને બાઈમાણહ વરવોવ? પ્રભાભાભી બેધ્યાનપણે પૂછે. હું જવાબ આપવા જઉં કે આ તો એવી વાત છે ને કે – એ પહેલા એ બોલી ઊઠે, હાય – હાય – આજ પાછો મારો રોટલો દઝાવ્યો તમે તો. તમારા ભૂત અને માણસના સંસારમાં મારું તો રોટલામાં ધ્યાન જ નો ર્યું. પછી ફરીથી લોટ કસણવા મંડે. એક હાથથી કથરોટ પકડી બીજા હાથે જોરથી લોટ કસણે ત્યારે એમની કાચની બંગડીઓ એકબીજી સાથે ખનકારા કરતી હોય. ચૂલામાં ડુંભાણા ઉડતા હોય અને એના પીળા પ્રકાશમાં એનું ઝગારા દેતું મોં જોતો ત્યારે રોટલાના ભીના લોટની અને રોટલો શેકાવાની વાસ વચ્ચે પેલી સુગંધ ફોરી ઊઠતી. મોટા ભાગે એના બધાય રોટલા ઘડાઈ જાય ત્યાં સુધી મારી વાતો ખૂટી ન હોય. આમ ને આમ મોડું થઈ જાય એટલે દાદા મને ગોતવા નીકળે. મોડોમોડો દૂધ લઈને માંડ ઘરભેગો થાઉં. આમેય હું પૂરો આળસુ. ઘરમાંથી પરાણે ખેતર તગડે ત્યારે ત્યાંય એકાદ મોટો પથ્થર શોધી કાઢું. એના ઉપર માથું ટેકવી લીમડા નીચે સૂતો સૂતો ચોપડી વાંચું. બાજુના ખેતરમાં ઘરધણી અને દાડિયાં ઝપાટાભેર કામ કરતાં હોય. કામ કરતાં થાકે એટલે પ્રભાભાભી એક નાના છોકરાને દોડાવીને મને બોલાવી લે. પછી ‘વારતા ક્યો’ એવો હુકમ છોડે. એટલે માંગડાવાળાની કે દેવરો – આણલની કે શેણીવિજાણંદની આપણે જ લખી હોય એવા દમામથી ‘વારતા’ સંભળાવીએ. દરમિયાન એ એક પછી એક ઊથલ લીધા કરે. સીધી લીટીની એની ઊથલ પદ્માવતી, શેણી કે આણલના દુઃખની વાતોથી સહેજ પણ વાંકાચૂંકી ન થાય. આ પ્રભાભાભી ગુજરી ગયાં ત્યારે જીવરાજભાઈ રહ્યા હશે. ગામમાં કોઈની વહુ મરે ત્યારે ધણીને રડતો જોયો નહોતો. પણ આ તો પ્રભાભાભી. જીવરાજભાઈ ચોક્કસ રડ્યા હશે કે ન પણ રડ્યા હોય. પરંતુ જીવરાજભાઈએ એક વાર પ્રભાભાભીને બરાબરનાં રોવરાવ્યાં હતાં એ યાદ છે. કંઈક વડછડ થઈ હશે ને જીવરાજભાઈનો હાથ ઊપડી ગયેલો. હું અને મોટાંબા બરાબર ટાણે અથાણાંનું આખું મીઠું ઉછીનું લેવાં ગયેલાં. જીવરાજભાઈ તો મારીને બજારે જતા રહેલા. પ્રભાભાભી ઓસરીમાં બેસીને એકલાં હીબકાં ભરતાં હતાં. પવનની ઝાપટથી મોલ સાવ જમીન સરસો થઈ જાય એમ ડૂસકું ભરતી વખતે પ્રભાભાભી કમ્મરમાંથી વળી જતાં હતાં. હું તો સજ્જડ થઈ ગયેલો. મોટાંબાએ એમને છાનાં રાખવાં અછોવાનાં કર્યાં ત્યારે ‘ઓય – માડી રે.’ કહીને મોટાંબાને કેવા બથ ભરી ગયેલાં! બેય હાથ ધોવાઈને સાવ ચોખ્ખા થઈ જાય એટલાં આંસુ એમણે પાડેલાં. મને થયું આજે દાદાને કહી જીવરાજભાઈને માર નો ખવરાવું તો થઈ રહ્યું. દાદાએ આ વાત હળવાશથી ઉડાડી દીધી એટલે હું ડઘાઈ ગયેલો, ખરા છે આ બધાય – એકાદ વરસ પછી હું શહેરમાં જતો રહેલો. ક્યારેક વિચાર આવતો હજી પ્રભાભાભી રોટલા ઘડતી વખતે બેધ્યાન થઈ જાતી હશે? હવે ખેતરમાં કામ કરીને કંટાળે તો એને ‘વારતા’ કોણ સંભળાવતું હશે? હજીય જીવરાજભાઈ એના ઉપર હાથ ઉપાડી લેતા હશે? હજીય –

હાળી, હજી નો આવી, ક્યાંક પાટકવા ચડી ગઈ હશે, જીવરાજભાઈ આવીને પલંગની પાંગતે બેઠા. પછી મારી સામે જોઈને બોલ્યા; લે કેમ નિમાણો થઈ ગ્યો? મારી આંખોમાંથી આંસુ ખરી પડ્યાં. અરે! રો છો! એવું ઉમેરી મને નવાઈથી જોઈ રહ્યા. – પ્રભાભાભી યાદ આવ્યા. ૫-૨-ભા એ કંઈક મહામહેનતે યાદ કરતા હોય તેમ બોલ્યા. પછી એકદમ અટકી ગયા. મને લાગ્યું કે એમની પણ આંખો ભીની થઈ જશે. પણ એમણે વ્યવહારિક જ્ઞાનથી પતાવ્યું, ઈ તો બધુંય ઈશ્વરના હાથમાં છે, રોયે શું દાડો વળે! એ ભેગું જ મારથી ડૂસકું નીકળી ગયું. એ તરત ઊભા થઈને પાણિયારેથી પાણીનો કળશ્યો ભરી લાવ્યા. હાંડામાં કળશ્યાનો ડખોળાટ પાણીની ડોલમાં કળશ્યો ખખડ્યો હોય એવો લાગ્યો. એ બોલ્યા, લે પીય જા. પાણી પીધા પછી પણ મારાં ડૂસકાં છાનાં ન થયાં એટલે જીવરાજભાઈ અકળાઈને મારી સામું જોઈ રહ્યા. ગુસ્સો પરાણે દબાવતા હોય એમ કહે; જો, પરભા મરી ગઈ એને આ હોળીએ બે વરહ થાહે. તરત તો મનેય બહુ યાદ આવતી હતી. પણ પણ હવે ઈ ભૂલી જાઈ ઈ જ બે’તર. આજે જાણે જાત ઉ૫૨થી મારો કાબૂ જતો રહ્યો હોય એમ ડૂસકાં સાથે અવાજ પણ મોટો થઈ ગયો. ચોરાની ઝાલરનો અવાજ ધણેણાટી ન બોલાવતો હોત તો આજુબાજુનાં બે-ચાર ઘરનાં માણસો પણ ભેગાં થઈ ગયાં હોત. હવે જીવરાજભાઈથી મારું રડવાનું સહન થતું નહોતું. એમણે મને જોરથી લાફો ચોડી દીધો. છાનો ૨ઈ જા કઉં છું, કયું નો શું સખીની જેમ પલપલિયાં પાડ્યે રાખે છે! વળી પાછા શે’રમાં સરકારી નોકરો કૂટે છે, આવા હોતા હશે! જા હાલતો થઈ જા... જીવરાજભાઈની ધોલના થડકાથી મારી છાતીમાં જામેલો ડચૂરો પરાણે હેઠો બેસી ગયો હોય એવું લાગ્યું. થોડી વારમાં આંસુ પણ થંભી ગયાં. પછી હું ખોંખારો ખાઈને, જીવરાજભાઈને ‘રામ રામ’ કર્યા વગર ઘેર જવા ઊભો થયો.