કિરીટ દૂધાતની વાર્તાઓ/૪. બાયું

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૪. બાયું

‘બધી વેવસ્થા થઈ ગઈ છે ને જાદુ?’ સવજીઆતાએ પૂછ્યું. જાદવમામાએ જવાબ આપ્યો, ‘હા આતા.’ ‘રહોડામાં કેમ છે?’ ‘ન્યાં વાંધો છે ઈ તો બાયુંનો જ છે ને, હજી ય મારી બા અને કાકી કે’ છે કે મંજુને નથી મોકલવી.’ સવજીઆતા ગુસ્સે થયા, ‘હાળાં ડોબાંનાં ડોબાં જ ર્યાં, કીધું કે હવે ખોટી લપ મેલો તોય માનતાં નથી, નૈં હમજે તો ક્યાંક ઘઘલાવવાં પડશે,’ કહીને સવજીઆતા ઑફિસમાંથી નીકળી રસોડા તરફ ઊપડ્યા. ‘બાયુંએ ભારે કરી,’ કહીને જાદવમામાએ ઑફિસની લાદી પર વતરણાથી ત્રણ કૂકરી દોરવા માંડી. પછી મને જોઈને કહ્યું, ‘ભાણા, તારાં મોટાંબાને કહી દેજે કે તને સવારના પોરમાં તૈયાર કરી દૈય, કાં’ક તાર્યે લીધે મોડું નો થાય.’ ત્યાં જાદવમામાના બાપુજી રામજીઆતા બહારથી આવ્યા. એણે પૂછ્યું, ‘ક્યાં ગ્યા ભાઈ? પછી હું થ્યું આખી વાતનું?’ ‘જોવોને મારી બા ને કાકી હજી નથી માનતાં, આતા ન્યાં રહોડા બાજુ જ ગ્યા છે.’ ‘એનો અરથ ઇ કે કાલ્યનું અમરેલી જવાનું માંડી વાળવાનું એમ? અરે આજ જ બટકો મેડીએ ગ્યો એની ભેગું મેં કે’વરાવી દીધું છે કે કાલ્યની વાતનું નક્કી છે.’ ‘મારી બા કે’ય છે કે પૂળો મૂકો આ હગપણમાં, આપડને તો વિરાણી સિવાય બીજાં ઘણાં ય ખોવડાં મળી રેવાનાં, એની ઉપર જ ક્યાં ભૂંગળું ભાંગ્યું છે?’ ‘તારી મા તો લિરઝિની છે, આ કોઈ કોળીવાઘરીનું ઘર છે કે નખ જેવી વાતમાં હગપણ તોડી નખાય? કાંઈ મંજુ આપડને વાલી નથી એમ? અટાણે હું મગના દરજીને કઈને જ હાલ્યો આવું છું કે ગુરુવારથી ઈ આપડી હોપિસમાં સંચો માંડી દેય. વિરાણીની એક આખી ઓયડી આપડી મંજુના કરિયાવરથી ભરાઈ રે’વી જોઈ, આપડા ચાર ભાયું વચ્ચે એકની એક જ છોડી છે ને બચ્ચાડી!’ ત્યાં સવજીઆતા હાંફતાહાંફતા ઑફિસમાં આવ્યા અને માથાના ફાળિયાનો ખાટલામાં ઘા કરી બોલ્યા, ‘આ વે’વાર – આ વે’વાર અટલે થઈ ર્યું હોં – ‘હું થ્યું ભાય?’ રામજીબાપાએ પૂછ્યું. ‘બાને રોવરાવવાં પડ્યાં, બીજું શું? મેં તો પછી ચોખ્ખું કઈ જ દીધું કે બા, તમે અને આ ચારેય બાયું આંયાંથી વે’તાં જ થઈ જાવ, કોઈની જરૂર નથી અમારે. પછી બા રોયાં ને કીધું કે એવું હોય તો કરો તમારા અભરખા પૂરા ને નાખી દ્યો દીકરીને કૂવામાં, કાલ્ય પ્રાગડવાહ્યે મંજુને તૈયાર કરી દેશું. જાદુ, આ વેવાર એટલે થઈ ર્યું હોં.’ ત્યાં વાઘજીઆતા ને મથુરમામા ટ્રેક્ટર લઈને આવ્યા. વાધજીઆતા મંજુના સગા બાપુજી, પણ એને બહુ રસ નહીં કે આ એમની સગી દીકરીની જ વાત ચાલે છે. એમનો એક જ સિદ્ધાંત હતો કે વહેવારનું કામ સવજીભાઈનું છે તે કૂટી લેશે. આપણે ખેતી સંભાળવાની, પણ સવજીબાપાના દીકરા મથુરમામા ભાર્યે રોનકી, એણે ટ્રેલરમાંથી ઠેકડો મારતાં મારતાં પૂછ્યું, ‘કાં ભાણા, શું કે’ છે કામરુદેશના સેનાનીઓ?’ જાદવમામાએ કહ્યું, ‘માંડ માંડ મેળે લાવ્યા છંઈ, હવે કાલ્યની વાત પતી જાય તો નિરાંત.’ વાઘજીઆતા આવીને ઑફિસમાં બેઠા, ચૂપચાપ. વાઘજીઆતા જેવું જ ભગતનું હતું, એ તો આખો દિવસ રામનામનું જ સમરણ કરતા હોય. ભગત પહેલાં તો ત્રણેય ભાઈ જેવા સંસારી હતા, પણ હવે ભગતના નામથી જ ઓળખાતા. પહેલા સંસારમાં રસ લેતા પણ પછી એક દિવસ એમના ઘરનાં ચંચળમાને બોલાવીને કહી દીધું કે કાલ્યથી હું ભલો ને મારા ભગવાન ભલા. સંસારની રીતે તમે મારાં પત્ની થાવ ઈ બરાબર્ય, પણ કાલથી મારો નવો જનમ છે. કાલ્યથી સંસારનાં બધાંય કામ બંધ. બસ, એ ભગત થઈ ગયેલા. ગામના લોકો વાતો કરતા કે ભગતને તો તાળી લાગી ગઈ છે. પણ આ અંગે એક જુદો મત હતો : ભગત, ભગત થયા પહેલાં ગામનાં દાડિયાંઓની, વહવાયાંઓની બીડીઓ માગીને પીતા એટલે દાડિયાંઓનું કહેવું હતું કે ભગતના મગજમાં મફતની બીડીનો ધુમાડો ચડી ગયો છે, ભક્તિનું તો સાવ તૂત છે. ભગત ભગવાનથી નીચેની કક્ષાના કોઈ સાથે વાત કરતા નહીં, હા, ક્યારેક મને બાળક ગણી વાતો કરવા બોલાવતા. હું ફળિયામાં રમતો હોઉં ત્યારે એ ટહુકો કરતા, ‘આવો ભાણાભાઈ!’ હું જતો એટલે એ કહેતા આજે તો મીરાંબાઈનું એક ભજન રચ્યું છે. ભગત ઘણી વાર મીરાંબાઈ કે નરસિંહ મહેતાનાં ભજનો રચતા. મને પૂછે, સંભળાવું? હું ડોકું હલાવું એટલે પટારાના કાટ ખાઈ ગયેલ પતરા પર દોકડ વગાડીને ભજન ગાઈ સંભળાવતા, પછી પૂછતા, ‘કાંઈ હમજાણું?’ હું માથું ધુણાવીને ના પાડતો, એટલે ભગત રાજી થઈને દાંત કાઢતા કે ક્યાંથી હમજાય, આ તો ભગ્તિ છે ભગ્તિ, શું? એટલે હું કહેતો કે, ‘ભગ્તિ.’ મૂળ વાત એમ હતી કે પોતાનું ભજન સંભળાવ્યા પછી ભગત મને દસ પૈસા વાપરવા આપતા, એટલે જ્યાં સુધી એ પૈસા વાપરતા મળતા રહે ત્યાં સુધી આપણને આ આખી વાત ભક્તિ હોય કે ગાંડપણ, એમાં કોઈ જાતનો વાંધો નહોતો. ‘માને રોવરાવ્યા ઈ બરાબર નૈં,’ મથુરમામા બોલ્યા. વાત સાચી હતી. જકલમા આખા ગામમાં પૂછવા ઠેકાણું ગણાતા. એમની આમન્યા આખું ગામ પાળતું. ઘરમાં ય જકલમા આજુબાજુ હોય ત્યારે બાયું છોકરાંને ઢીબતી વખતે ગાળો ન બોલતી. સવજીઆતા પણ વહેવારમાં મૂંઝાય ત્યારે જકલમાની જ સલાહ લેતા. પણ આ તો વાત જ નોખી હતી. મંજુનું સગપણ નાનપણથી મેડીના સરપંચ રતિભાઈ વિરાણીના છોકરા દિનેશ વેરે કરેલું. દિનેશ એના બાપાને એકનો એક હતો. તેની મા એને નાનો મેલીને ગુજરી ગયેલી. આટલા વરસ બરાબર ચાલ્યું અને લગ્નને હવે બે-ત્રણ મહિના બાકી હતા ત્યારે તેને કોઈએ ઠસાવેલું કે મંજુને સાથળ પર કોઢ છે. પંથકમાં પહેલાં એક-બે છોકરીઓને આવા ડાઘ પહેલી રાતે પકડાઈ ગયેલા ત્યારે એમના ધણીઓએ એમને કાઢી મૂકેલી, એટલે દિનેશ ભવિષ્યમાં ભવાડો ન થાય એમ અગાઉથી ચકાસણી કરી લેવા માગતો હતો. એણે કહેવરાવેલું કે, તમે કહેતા હો તો આવીને ખાતરી કરી જાઉં, નહીંતર મંજુલાને અહીંયાં મોકલો. ઉનાળાની બપોરે હું લેસન કરીને સવજીઆતાને ઘેર રમવા જતો. એક અંધારિયા ભેજવાળા ઓરડામાં બપોરનું કામકાજ કરી, નાહીધોઈને એ માથું ઓળતી હોય કે દિનેશને ‘લેટર’ લખતી હોય ત્યાં હું જઈ ચડતો અને પૂછતો, ‘મંજુ શું કરશ્યો?’ મંજુ સહેજ સંકોચ પામીને કહેતી, ‘જોને, દિનેશને લેટર લખું છું.’ ‘એમાં મારું નામ લખ્યું કે નૈં?’ આવતી જતી ટપાલોમાં મારું નામ હોય એવો મારો આગ્રહ રહેતો. મંજુ લટકો મારીને કહેતી, ‘તારી ઘરવાળી તને લેટર લખશે એમાં તારું નામ લખશે.’ પણ હું વહેવારુ મુશ્કેલી રજૂ કરતો કે મારે તો વહુ છે જ નહીં. મંજુ કહેતી, ‘તે તારે ય એક દી’ વોવ ઘેર આવશે. ઉતાવળ હોય તો જા ઘેરે જઈને ગોળામાં પાણકો નાખ્ય.’ હું ઘેર આવીને બાપાને પૂછતો, ‘બાપા, મારે વોવ ક્યારે આવશે?’ બાપા રાજી થઈને કહેતા, ‘તું કહેતો હો તો કાલ્ય લાવી દઈએ, બોલ્ય, એક ચોટલાવાળી લાવવી છે કે બે ચોટલાવાળી?’ હું મૂંઝાઈને મોટાંબાને પૂછતો કે એમાં શું ફેર પડે? પછી મોટાંબા સમજાવતાં કે એક ચોટલાવાળી વોવ કામ ઘણું ય કરે, બે ચોટલાવાળી શણગાર સજવામાંથી ઊંચી આવે ત્યારે ઘરનું કામ કરે ને! એટલે હું થોડી વાર ગંભીરતાથી વિચારીને કહેતો, આપડે તો એક ચોટલાવાળી જ વોવ જોઈં, કામ નો કરે એવી ઘરવાળી શું કામની? મંજુ બે ચોટલા લેતી અને ઘરનું કામકાજ ખાસ કરતી નહીં. મંજુની બા તો ઘણું કહેતાં, ‘નભ્ભાઈ, આયાં બાપના ઘેર્યે કાંક્ય કામકાજ શીખ્ય, નૈતર તારા સાસરે તું તો ગાળ્યું ખાહ્ય પણ ભેગી અમને ય ખવરાવવાની!’ પણ ભગતનાં પત્ની ચંચળમા કહેતાં, ‘મંજુ તો આપડા ઘરની લક્ષ્મી છે, એના જલમ પછી જ આપડા ઘરનું દેવું સાવ ગ્યું, એની પાસે કાંય કામ કરાવાય?’ આ વાતનો ઘરમાં કોઈ ખાસ વિરોધ ન કરતું. એનું એક કારણ એ ય હતું કે ચંચળમા એની બીજી દેરાણી-જેઠાણી જેટલાં સંસ્કારી ન ગણાતાં. સવજીઆતા ઘણી વાર કહેતા, ‘ઈ તો દાડિયાની દીકરી છે. એને બીજી શું ખબરે ય હોય, દિવસમાં ચાર-પાંચ વાર પેટ બળી જાય એવી ફળફળતી ચા ઢીંચે અને આખો દી’ જનાવરની જેમ કામ કર્યા કરે. આ તો અમારા બાપા અને એના દાદા નાનપણના ભેરુ એટલે અમારા બાપાએ એના ભાઈબંધનું વેણ પાછું નો ઠેલ્યું.’ એટલે ચંચળમા થોડાં અસંસ્કારી ખરાં પણ બોલવામાં કોઈની સાડીબાર ન રાખે. હા, જકલમાની મર્યાદા જાળવે. વળી ક્યારેક જૂના અસંસ્કાર જોર કરી જાય તો મોઢામાંથી ભૂંડી ગાળ પણ નીકળી જાય. પછી જકલમા સમજાવે, ચંચળવોવ, આ સારું નો કહેવાય હોં. એટલે માની વાત માથે ચડાવતાં હોય એમ ચંચળમા બબ્બે કટકા ગાળો બોલેલા અને દિનેશનો અને એના બાપાનો નઢિયો દબાવી દેવાની ઇચ્છા વ્યક્ત કરેલી ને સંભળાવેલું, ‘મંજુ મારી દીકરી છે, આવે તો ખરો કોઈ એનું પારખું કરવા. ડાચું જ રંગી નાખું ને!’ આ બાબતમાં ઘરની બધી બાયું એક થઈ ગયેલી. જકલમા જેવી કોઠાડાહી સ્ત્રી પણ ધ્રૂજી ગયેલી,. બધી બાંયુએ કહ્યું કે આ સંબંધ તૂટી જાય પણ આપણે મંજુના પારખાં નથી કરાવવાં. સવજીબાપા તરત જ મેડીએ જઈ આવેલા. એણે રતિભાઈને કહ્યું કે ભલા માણસ, આપણા આટલા વરહના સંબંધમાં હું તમને ફટકિયું મોતી પરખાવતો હોઈશ? પણ રતિભાઈનો એક જ જવાબ હતો, ‘દિનેશ આવડો અમથો હતો ત્યારથી એની બા પાછી થયેલી. એ અમારે રાજાની જેમ ઊછર્યો છે. એ કે’ય કે દિવસ તો અમારે દિવસ અને કે’ય કે રાત તો અમારે રાત.’ આ જવાબ લઈને આવ્યા પછી ઘરના બધા પુરુષો ભેગા મળ્યા અને વિચારવા બેઠા કે શું કરવું? રામજીબાપાએ કહ્યું, આનો હવે એક જ ઇલાજ, દિનેશની વાત માનવાની. સવજીઆતાએ કહ્યું, ‘જાદુ, માને કહી આવ્ય કે કાલ સવારે મંજુને તૈયાર કરે. એને કાલ્ય અમરેલી ડૉ. ખોખરના દવાખાને મોકલવાની છે. કોઈ પૂછે તો કહેવાનું મંજુના મામી બીમાર છે અને ડૉ. ખોખરના દવાખાને દાખલ કર્યાં છે એટલે ખબર પૂછવા જાય છે અને દિનેશને જે ખાતરી કરવી હોય – જાવ, આ આખી વાત પતાવી દો.’ જાદવમામા ગયા એથી બમણી ઝડપે પાછા આવ્યા, ‘બાયું તો કયે છે કે આ સંબંધ તોડી નાખો.’ આટલી નવાઈ તો સવજીબાપાને દિનેશની વાતથી પણ નહોતી લાગી. ‘લ્યો બોલ્યાં, સંબંધ તોડી નાખો! અને બીજ્યે સંબંધ જોડવા જાઈં તંઈ ઓલ્યા પેલો પ્રશ્ન ઈ જ પૂછવાના ને કે અગાઉનો સંબંધ કેમ તૂટી ગયો?’ વાઘજીઆતાના ચહેરા પર મર્યાદાપુરુષોત્તમ શ્રી રામચંદ્રજીનું તેજ છવાઈ ગયું. એ બોલ્યા, ‘જાદુ, જોડ્ય ગાડું અને તારી કાકીને મૂકી આવ્ય એના બાપાને ઘેર્યે.’ વાઘજીબાપાએ કહ્યું, ‘ભાઈ આપડે કાલ્યથી વે’વાર મૂકીને રાંધવા બેહી જાઇ.’ જાદવમામાએ કહ્યું, ‘ભાણા, બાયુંની અક્કલનો એક જગ્યાએ એન્ડ આવી જાય છે. એનાથી વધારે વાત કરીએ તો આપણે જ મૂરખા કેવાઈ. મોટો થા તંઈ આટલું ધ્યાન રાખજે, શું?’ સવજીઆતાએ કીધું, ‘ઘાઘરા પલટણ કીધી અટલે થઈ ર્યું.’ પછી બધાય ઊંડો શ્વાસ લઈને જોરથી હસ્યા. આટલો આનંદ તો ભવાયા જોવા જઈએ ને, ડાગલો ગળામાં ઢોલ ભરાવીને સવજીઆતા જેવા આબરૂદાર માણસોને, પૈસા આપજ્યો મા-બાપ, અમે તમારા ભંગિયા ને બદલે ચતુરાઈથી, પૈસા આપજ્યો માબાપ તમારા ભંગિયા એવી ગાળ દે ત્યારે ય નહોતો આવતો. એ તો હું બાજુમાં બેઠેલો એટલે નહીંતર કોઈ બહારથી આવીને જુએ તો એને એમ જ લાગે કે બધાય ભેગા થઈને જકલમાનો ખરખરો કરે છે. બીજે દિવસે મંજુને અમરેલી મોકલવાનું નક્કી થયું. જાદવમામા ગાડું લઈને જાય અને બધું પતી જાય એટલે સાંજે પાછા આવતા રહેવાનું. મેં કહ્યું કે અમરેલીમાં ‘જેસલ-તોરલ’ ચાલે છે એ મારે જોવું છે. એટલે મનેય સાથે લઈ જવાનું નક્કી કર્યું. સવારે મંજુ રડતી હતી અને એક ઓરડામાં પલાંઠી વાળીને બેસી ગયેલી તે ઊઠવાનું નામ જ નો’તી લેતી. એટલે સવજીબાપા ગુસ્સે થયા : ‘બા, હવે કેટલું મોડું?’ જલદી પતાવોને આખી વાત. પછી જકલમાની આંખમાં આંસુ આવી ગયાં, એમણે મંજુને બાવડેથી પકડી ઉઠાડીને કહ્યું, ‘જા હવે નભ્ભાઈ, ના પાડ્યે શું વળવાનું છે?’ મંજુનાં ડૂસકાં અને બળદના નિશ્વાસ સિવાય બધું શાંત હતું. ફક્ત ભગત જાણે ભગવાન મોભારે ચડીને બેઠા હોય એમ ઊંચે જોઈને બોલ્યા, ‘બેન, મંજુ તો અણસમજુ છે એટલે રડે. બાકી સૌ સૌનાં કરમ સૌને ભોગવવાનાં છે, કાં ભગવાન?’ કહીને ભગત રાજી થ્યા, એટલે લાગ્યું કે ભગવાને ‘હા’ પાડી હોવી જોઈએ! મંજુએ રડતાં રડતાં જાદવમામાને કહ્યું, ‘ભાઈ, હજી ગાડું પાછું વાળી લે ને.’ એક વાર તો જાદવમામાને, મારી ભાભીના સમ ભાઈ, ગાડું પાછું વાળી લે ને, એમ કહ્યું, એટલે જાદવમામાએ કંટાળીને કહ્યું, તારી ભાભી મરી જાય તો બીજી કરું, પણ આ ગાડું તો પાછું ના જ વળે. પછી આખે રસ્તે મંજુએ જાદવમામાને વતાવ્યા નહીં. ડૉ. ખોખરના દવાખાને સહુ પહોંચ્યા ત્યારે ત્યાં દિનેશની મોટરસાયકલ પડી હતી. જાદવમામાએ મને કહ્યું, હું તમાકુ લેતો આવું ભાણા, તું આંયાં જ રેજ્યે. ત્યાં જ એક રૂમમાંથી દિનેશ બહાર આવ્યો અને મંજુને એક ઓરડો બતાવીને કહ્યું, આંયાં આવી જા. મંજુએ મને બેય હાથથી સખત પકડી રાખ્યો, તું મારી સાથે જ રહેજે. દિનેશે કહ્યું, એનું કાંઈ કામ નથી. પછી મને કહ્યું, તું આંયાં જ રહેજે. એ મંજુને ઓરડામાં દોરી ગયો અને એકાદ મિનિટ પછી સીટી વગાડતો બહાર આવ્યો અને એનું બુલેટ સ્ટાર્ટ કરીને જતો રહ્યો. પાછળથી મંજુ બહાર આવી. મેં પૂછ્યું, શું થયું મંજુ? એટલે એ બોલી કે આના કરતાં તો મરી જવું બે’તર. મેં આગળ પૂછ્યું, પણ એણે જવાબ ન આપ્યો, રડ્યા જ કરી. થોડી વારમાં જાદવમામા આવ્યા. એમણે મને પૂછ્યું, શું થયું ભાણા? મેં કહ્યું કે દિનેશ તો જતો રહ્યો અને મંજુ તો રોયા જ કરે છે. ‘ઠીક, કાંઈ વાંધો નહીં, ચાલો જલદી, નહીંતર ફિલમનું મોડું થાહે.’ પાછા ફરતા આખે રસ્તે મંજુ રડતી રહી. ઘેર પહોંચ્યા ત્યારે બધાં પૂછવા મંડ્યાં, શું થયું? શું થયું? જાદવમામાએ કહ્યું, દિનેશકુમાર તો હું આવું ઈ પે’લાં જ નીકળી ગ્યા અને મંજુ તો જોવો ની રોયા જ કરે છે. બીજા દિવસે સવારમાં દસ વાગે જાદવમામા શ્રીફળ અને પેંડાનું પડીકું લઈ બજારેથી ઘેર આવ્યા ને સમાચાર આપ્યા કે રતિભાયે લગન મોકલવાનું કેવરાવ્યું છે. પછી નાળિયેર લઈને મંજુ રસોડામાં નીચું ઘાલીને બેઠેલી ત્યાં ગયા ને કહ્યું, લાવો આ નાળિયેર મંજુના માથામાં ફોડીએ. આમ તો બધીય બાયુંના માથામાં ફોડવું જોઈં, માળાં ભેગાં થઈને રીડિયારમણ કરતાં હતાં. પછી તો વાઘજીબાપા અને રામજીઆતા બધાય વારાફરતી રસોડામાં આવીને બાયુંને ઠપકો આપી ગયા, કાંઈ અક્કલ જ નૈં, જોવો તમારા પગલે હાલ્યા હોત તો ફજેતો જ થાત ને આખા સમાજમાં? છેલ્લે સવજીઆતા આવીને ઠપકો આપી ગયા, કાંક્ય પ્રશ્ન ઊભો થાય એટલે અક્કલથી કામ લેવાય, કાંય પાની સામું જોઈને ગાળ્યું બોલવા નો મંડાય, સમજ્યાં કે નૈં? પણ તમારી આગળ ડા’પણની વાતું કરીએ તો ય શું અને નો કરીએ તો ય શું? સાવ પથ્થર ઉપર પાણી જ છે, માળાં હાળાં બૈરાં. જકલમા ખૂણામાં બેસીને ચૂપચાપ માળા ફેરવતાં હતાં. એ કંઈ ન બોલ્યાં પણ સવજીઆતાએ પીઠ ફેરવીને ઑફિસમાં જવા જેવા પગ ઉપાડ્યા, હજી અરધે જ માંડ પૂગ્યા હશે ત્યાં ચંચળમા રોટલા ઘડતાં હતાં તે ચૂલામાંથી એક ઇંધણું લઈને ઊભાં થઈ ગયાં અને રાડ્ય નાખી, તમારી માઉંના ધણી, હવે આવ્યા છો ડાયા થાવા, તમારા બેય કૂલે ડામ દેવા જોઈ, મારી રતન જેવી દીકરી – કહીને ચંચળમાએ જોરથી ઇંધણું ગાર્ય કર્યા વગરની કાળી પોપડીવાળી દીવાલ પર પછાડ્યું. ચારે બાજુ તેના કોલસા ઊડ્યા, પછી નીચે બેસીને ચંચળમા છૂટા સાદે રોઈ પડ્યાં. એક ધ્રુસકું પૂરું કરીને બીજા ધ્રુસકા માટે એમણે શ્વાસ અંદર લીધો ત્યારે તાવડીનો રોટલો બળીને કોલસો થઈ ગયો હતો!