કિરીટ દૂધાતની વાર્તાઓ/૯. એમ તો નો જ થાવા દેવાય!

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૯. એમ તો નો જ થાવા દેવાય!

રોંઢો થઈ ગયો હતો. કોઈ કારણ વગર ઝબકીને જાગી જવાયું. ઘડી વાર ખાટલામાં એમ જ આંખો ચોળતો બેઠો રહ્યો. બાપા હોફિસમાં ભીનું પનિયું ઓઢીને સૂતા હતા. મોટાબાએ પણ આંખો ઉપર સાડલાનો છેડો નાખીને લંબાવેલું. અવાજ ન થાય એની કાળજી કરી ઘરની બહાર ગળકી ગયો. ઊંઘરેટી ચાલે ચોરા ઉપર આવીને બેઠો અને ચોરાની થાંભલીને માથું ટેકવીને ઘેનમાં બેઠો રહ્યો. ગામના જે ઘરડા-બૂઢાઓ ને ઘરની વહુવારુઓ આખો દી’ હાડ્ય...હાડ્ય કરતી હતી એવા બધા ચોરાની ટાઢી લાદી ઉપર ભીનાં પનિયાં ઓઢીને ઘારોડતા હતા. ત્યાં બે જણ ચોરાના ઉપલા પગથિયે વાતો કરતા હતા. એક બાવકુભાઈ કાઠી અને બીજો પ્રભુદા’ મા’રાજ. બાવકુભાઈ બોલ્યા, શું વાત કરશ્યો ભામણ! હાચ્ચું? પ્રભુદા’ કોઈ એક કાલ્પનિક સગા ભાઈને ધારીને બોલ્યો, ભાઈના સમ બસ! સગી આંખ્યે આસોપાલવનું તોરણ લટકતું જોઈ આવ્યો. હાળો લુવાણો સખ નથી લેતો બોલો! બાવકુભાઈ હાથની મુઠ્ઠી વાળી, લાદી ઉપર પછાડી બોલ્યા, તો હાળાયે દુકાન ચાલુ કરી એમ ને? હવે ગામનો શેઠ શાવકાર થઈને ફરશે, ગામની છાતી ઉપર વેપાર-ધંધા કરશે! એમ તો નો જ થાવા દવ. ગામ સમસ્તથી એમ તો નો જ થાવા દેવાય. મારી આંખો ઊઘડી ગઈ. વાતનો મુદ્દો જાણીતો લાગ્યો. લાગ્યું કે બેય, રમલા લુવાણાની વાત કરે છે. ‘રમલો’ શબ્દ મનમાં આવતાં મેં આજુબાજુ જોયું કે એલા કોઈ સાંભળી તો નથી ગયુંને! કેમકે કાળુ કે દિલા જેવા છોકરાવથી ‘રમલો’ નો કેવાય પણ ‘રમેશમામા’ કેવાનું હોય! કેમ કે રમલો, એલા ભૂલ્યો, આ રમેશમામા લુહાણા આમ તો દિલાના મામા, હસુમામાની હેડીના. નઈ નઈ તોય બત્રીસેકની ઉંમરના તો ખરા જ. હસુમામા અને હસુમામી, પતિ-પત્ની બેય નિશાળમાં શિક્ષક એટલે ગામમાં એમનું પૂરું માન. હસુમામા ભૂલથીય કોઈના ખેતર બાજુથી નીકળ્યા હોય ખેડૂત હાકલો કરે, – માસ્તર આ દૂધી લેતા જાજ્યો જરાક. હસુમામા કે’ય કે, હાઉ કરો જજમાન, હમણાં તો ગોરાણી બપોર ને સાંજ, બપોર ને સાંજ દૂધીનું શાક જ ઝીંક્યા કરે છે, એમાં તમારી દૂધી ક્યાં નાખવી? તો ખેડૂત બોલે, હવે માસ્તરાણીને કેજ્યો કે દૂધીનાં ઢેબરાં બનાવી નાખે. બાકી એમ કોઈ પ્રેમથી ધૂળ આપે તોય ના થોડી પડાય છે. તો રમલાનું, ના ના રમેશમામાનું માન કેવું? ગામમાં ગોડિયા રમવા આવ્યા હોય, ખુદ રમેશ મગનપ્રસાદ જોબનપુત્રા, સઈ દસ્તક પોતે, કપાળમાં થયેલા ઢીમચા જેવા, આખા ગામને દેખાય એ રીતે હનુમાનજીની દેરીએ, ઘોડે ચડીને બેઠા હોય એમ બિરાજ્યા હોય તોય, એ ગોડિયાના જુવાનિયા પશાબાપા, રામજીબાપા, શંભુબાપાને, પડકારો કરી, પગે લાગી, હાથ પકડી, ઢવડી, ખભે બેસાડી : એ મારો રામજીડાડો આયો છે, મારો પસોડાડો આયો છે, તારો ખેલ જોવા, રાજી રાજી કરી દે. ચાર વીઘાનું ખેતર તને સોનાના પતરે લખી ના આલે તો આ ધરમી ગામમાં ઊભી બજારે મૂછો મૂંડાવી નાખા, બાપ્પો બાપ્પો’ કરતા બધાને ચોકમાં ભેગા કરતા હોય. વળી કોઈ સોગિયા વડીલને આવા ખેલ પસંદ ના હોય અને ગડારવાડેથી ગળકીને પલોટ એરિયામાં જવા જાય તો એને પલોટમાંથી પકડે, ખભે બેસાડીને, બધાને ચોકમાં ઠાલવે અને પરાણે ખેલ બતાવે. પણ રમેશમામાને કોઈ ઠાલાંઠાલાંય નો વતાવે. આનું કારણ શું? શું કારણ? કારણ પહેલું તો એ કે સાલ્લો રમલો આખો દી’ લઘરવઘર ફર્યા કરે છે. (તે ભગવાનબાપા સરપંચનો ભવાન કે’ દી’ જાટલીમેન થઈને ફરતો ભાળ્યો? એના દરહણ તો રમલાનેય ટપે એવા છે, તોય ‘આવો ભવાનભાઈ, આવો ભવાનભાઈ’ એમ નથી થાતું? બોલો?) બીજા કારણમાં ઈ કે સાલ્લા રમલાને બોલવાનું ભાન નથી (તે ઝીલુભાઈ કાઠીના દીકરા આ બાવકુભાઈ બોલે તંઈ ગાળ્યુંની ત્રમઝાટી બોલાવે છે કે નઈ? તોય ઈ બઝારે નીકળે તો જુવાન વહુવારુઓ, ગવઢા-બૂઢાઓને જોઈને લાજ કાઢી, વાહો વળી, ભીંત બાજુ મોં ફેરવીને ઊભી રહી જાય એમ ગામના સારાસારા માણસો તરીને ઊભા રહી જાય છે કે નહિ? કારણ કે ગામ અડધાનાં ખેતર ઝીલુભાઈને ચોપડે ગીરવે પડ્યાં છે કે નૈ? બોલો? બોલો?) કારણ નંબર ત્રણ, સાલ્લો રમલો કોઈ જાતના ભણતર વગરનો છે. (તો પછી શામજીભાઈ વઘાશિયાનો રમણીક ક્યાં બે ચોપડીય ભણ્યો છે? તોય દુકાનના થડે બેસીને જે પડીકા તોલી આપે છે એ સતનારાયણની કથાનો પ્રસાદ ઝીલતા હોય એમ લઈને ચૂપચાપ ચાલતી પકડે છે કે નૈ? કેમ કે શામજીભાઈ વઘાશિયા જેવા શાહુકારને પૂછે એ ભગવાનને પૂછે. સાચું કે નહિ? બોલો? બોલો? બોલો?) અને હવે કારણ નંબર ચાર.. હવે જાવા દ્યોને મારા ભાઈ, આપણે સાચ્ચેસાચ્ચા કારણ નંબર એકથી જ શરૂ કરીએ તો કારણ એ કે રમલો ફતનદેવાળિયો છે. નસીબનો કાઠો છે, જાતનો લુવાણો છે પણ લુવાણાનાં એકેય લખણ જ નો મળેને! એથીય વધારે મહત્ત્વનું કારણ તો ઈ કે પાછો ગરીબ છે. હવે સમજ્યા તમે? એમ તો રમલાની વાત શરૂ કરવી હોય તો એના બાપા મગનઅદાથી શરૂ કરવી પડે. જુવાનીમાં એ આફ્રિકે કમાવા ગયેલા. ગયા ત્યારે આખું ગામ રંગેચંગે વળાવવા ગયેલું, અરે મારા, ખુદ આ કાળુના બાપા, ગાડું જોડીને રેલવે ટેશને વળાવવા ગયેલાને! પછી ત્યાં ફાવટ આવતાં રમલાને, એની નાની બહેન ચંચળને અને રમલાની બા શાંતામાને પણ આફ્રિકે તેડાવી લીધેલાં. ગામમાં વાતો થાતી કે મગનઅદાને દોમદોમ સાહ્યબી હતી. મગનઅદાને ત્યાં હસબીઓ હારે વેપાર પૂરો ફાવી ગયેલો, મૂળ શું કે ત્યાંના હસબીઓ અબુધ, અરધા નાગા, મગનઅદાની કરિયાણાની દુકાને આવે. મગનઅદા જાણતા નથી એમ માનીને કાચની બરણીમાંથી મૂઠો ભરીને પીપરમિન્ટ કે ઇજમેટના ટીકડા લઈ લે. આ જોયું ન જોયું કરે. એટલા માટે કે એ બધા દુકાને આવતા થાય. એ બધા પાસે ક્યારેક કાચા હીરા પણ હોય. એની કિંમત એવાવને થોડી ખબર હોય! ક્યારેક પીપરમિન્ટની ટીકડી કે કરિયાણાની નાની આઈટમ સામે આવા રફ હીરા આપીને ચાલતા થાય. એમાં મગનઅદાને બખ્ખા થઈ પડ્યા. પણ એ દિવસોય ફર્યા. ત્યાં આફ્રિકે મગનઅદાને કોક ઝેરી તાવ આવ્યો, એમાં પંદરદી’ની બીમારીમાં ઊકલી ગયા. એવા પારકા પરદેશમાં શાંતામા, એવા વેપાર-ધંધા તો નો જ સંભાળી શકે. અને રમેશમામા તો ઘણા નાના. ત્યાંના ખોજા અને લવાણાઓએ ઘણી હિંમત બંધાવી કે – બહેન, રમલાને સીધો દુકાનનો થડો સોંપી દ્યો, અમે બધા રેતારેતા અને ધંધો શીખવાડી દેશું. ટાઇમ જાતાં શું વાર? કાલ્ય પાંચ હાથ પૂરો ભાયડો થઈ જાહે. પણ શાંતામાને ફડક ધરી ગયેલી, આ પારકા પરદેશમાં ધણી તો ખોયો છે, ક્યાંક દીકરોય જાશે. એટલે જેટલા આવ્યા એટલા પૈસા લઈ દુકાન વેચી, નવ-દસ વરસના રમલાને અને એનાથી નાની ચંચળને આંગળીએ વળગાડી, પડતાં આખડતાં પોતાના ગામડેગામ પાછા આવી ગયેલાં. પછી એક વાર વીરપુર જઈને જલારામબાપાની માનતા પણ ઉતારી આવેલાં. માથે સાડલાનો છેડો પૂરો ઓઢી, ખોળામાં રમલાને બેસાડી, માથું ભોંયે ઘસીને અરજ કરેલી, – જલાપીર, તમે તો હાજરાહજૂર છો, એના બાપાને ન્યા આફ્રિકા જેવા અંધારિયા મુલકમાં જેમ ધંધો શીખવાડ્યો એમ આયાં મારા રમલાના બળ, બુદ્ધિ અને ધન વધે એવું કરજો. જોકે જલારામબાપા આવી બાબતમાં રાજી નો હોય એવું તો નો બને, પણ તૈયા૨ નો થયા તે ખુદના ગામના જ લોકો. એમાંય ખાસ કરીને કુટુંબીઓ. ગામમાં પહેલાંથી જ એક લુવાણા અને એક પટેલની કરિયાણાની દુકાનો ધમધોકાર ચાલતી હતી, એમાંથી કોઈ એક દુકાને રમલાને ધંધો શીખવા મૂકીશું તો ગાડી પાટે ચડી જશે એમ શાંતામાને લાગતું હતું. લુવાણા કુટુંબી ભાઈઓ હતા અને શામજીભાઈ વઘાશિયા તો મગનઅદાના બાળપણના ભાઈબંધ. ધંધો ચપટી વગાડતાંક ને આવડી ગ્યો સમજો. અને પછી તો કુળની જ કોઈ છોકરી કેમ નો મળે? આવા વિચારોમાં એ વહુવારુની પગચંપીથી શાંતામાંના કળતા પગ સપનામાં પણ ફોરાં થવા મંડ્યા. ગામમાં વે’લામોડા રમલો ત્રીજી દુકાન કરશે તો પોતાના જામી ગયેલા ધંધાનું શું એમ માનીને હોય કે ગમે એ કારણ હોય, રમલામાં કોઈએ ઝાઝો રસ નો લીધો. પહેલાં એને જાતભાઈની દુકાને મૂક્યો તો ત્યાં એને આખો દિવસ નાનાં મોટાં પડીકાં વળાવ્યા કરે! રોજ મોડો આવીને રમલો શાંતામાને ફરિયાદ કરે, – મા, કાકા તો મને થડે ચડવાય દેતા નથી. હરામ બરાબર જો મને દેખતા ગલ્લો ઉઘાડે. શાંતામાએ કંટાળીને એને શામજીભાઈ વઘાશિયાને ત્યાં મૂક્યો એમ કઈને કે રમલાના બાપા તો તમારા બાળપણના ભેરુ હતા. શામજીભાઈએ પણ ઠાવકાઈથી કીધું, ઈ વાત થોડી ભુલાય છે? હું ને મગન સંતાઈને ગામઆખાની અડધી નાની દીધેલી બીડીયું સીકે સાથે પીતાં શીખેલા. જોકે એમણે રમલાને ગોડાઉનમાં જ પૂરી રાખ્યો. ગાડાખેડું માલ લઈને આવે એટલે ગાડામાંથી માલ ઊતરાવી બોરીયુંની થપ્પી કરાવી દેવાની, જેમજેમ ઓર્ડર આવે તેમતેમ ગોડાઉનમાંથી માલ છૂટકછૂટક રવાના કરવાનો. એમ વેપાર થોડો આવડે? એણે તો દુકાનનો ઉંબરોય નો જોયો. એટલે થાકીહારીને રમલો ઘેરે બેઠો. આફ્રિકેથી લાવેલી મૂડી ખરચાતી જતી હતી. થોડો ટાઇમ એને નિશાળે ભણવા બેસાડ્યો, પણ પરગડઅદા માસ્તરે એને ત્રીજા ધોરણથી ઉપરના ધોરણમાં બેસાડવાની ના પાડી. બધાં છોકરાં-છોકરીઓથી એ બે-ત્રણ વરસ મોટો લાગે, એટલે છોકરાં એને ‘ઢાંઢો... ઢાંઢો’ કહીને ખિજાવ્યા કરે. એમાંય એને છોકરીઓની બહુ શરમ લાગતી, એટલે ભણવામાંથી એ જાતે જ ફારેગ થઈ ગયો. એક વિચાર એવો કરી જોયો કે એને ખેતરમાં દાડીએ મોકલવો. પણ એને દાડિયા તરીકે કોઈ લેવા તૈયાર ન થાય, – તમારામાં કળજગ ધર્યો હશે પણ અમારાથી એમ વાણિયા, લુવાણાના છોકરાને થોડી મજૂરી કરાવાય છે! વળી તમારા રમલાની હથેળીયું ફૂલ જેવી કોમળ, કપાસની સાંઠી ખેંચવા જાય તો હથેળીની ચામડીય ભેગી ખેંચાઈ જાય. શાંતામા વાત કરતાં કરતાં ઢીલાં થઈ જાય, – રોયું, આ લુવાણાની તે કોઈ જાત્ય છે! વાણિયા-ભામણ અમારો પગ અને ન્યા છબવા નો દેય, પટેલો ને કાંટિયા વરણ ‘ઊંચા છો ઊંચા છો’ કરીને પાંખમાં નો લ્યે, તે મારો રમલો જાય ક્યાં? કોણ છે એની હેડીનું? એમાં રમલાના ભણવાના અને વેપારધંધો શીખવાનાં છ-સાત વરસ ઠાલાં ને ઠાલાં જતાં રહ્યાં. ગામની બાયું હથેળીનાં નેજવાં કરીને એકબીજાને કહેવા મંડી, – રોયા આ મગનઅદાએ કાંક પાપ કર્યા હશે, તે ઈ તો પારકે દેશ તાવમાં ફાટી પડ્યા અને એક છોકરો છે તે ઈ હરાયા ઢોરની જેમ જ્યાં ત્યાં આથડ્યા કરે છે. મારી બાઈ, મને તો ચંત્યા થાય, એને છોડી કોણ આપશે કે સાવ વાંઢો ને વાંઢો મરી જાશે! કેટલીક પાકટ વિધવાઓને રમલાનું હોવું એ ગામની કુંવારી છોકરીઓ માટે જોખમરૂપ લાગવા માંડ્યું. એવામાં લાભુમા જેવાં ગોરાણીએ તો એવરત-જીવરતના વ્રતની કથા કહીને, જેવા એને ફળ્યાં એવાં સૌને ફળજો’ કે’તાકને બધી બાયુંને સાબદી કરી, – મારી બાયું, તમે ઘેર્યે હોવ તઈં તો છાણવાહીદામાંથી ઊંચી નથી આવતી. ખેતર જાવ તઈં ધાવણા છોકરાવને બાળાગોળીયું પીવરાવીને જાવ છો, તે ઈ તો ઘેનમાં પડ્યા રે છે, પણ આ તમારી નમારમુંડા જેવી છોકારીયુંનું કોઈને ધ્યાન છે ખરું? ગ્યા વરસે ઓલી સવલીને કોઈ હરામના હમેલ રાખી ગયેલું એ ભૂલી ગ્યું! ઈ રાન્ડીરાન્ડની છોડી, આખા ગામમાં હરાયા ઢોર જેવી ફરતી’તી તે કોઈ હડધા જેવો એને પુગી ગ્યો. સાંભળીને બાયુંએ હાયકારો કર્યો પણ લાભુમાનું બોલવાનું હજી પૂરું નહોતું થયું. એમણે સમાપન કરતાં કહ્યું, – ગામમાં રમલા જેવા મરદ કાંઈ ઓછા નથી. બપોર થાતાંમાં સ્ત્રી-વર્ગમાં ‘રમલો... રમલો’ થઈ પડ્યું. બે-ત્રણ દિવસમાં આ વાત પોતાની ઘરવાળીઓ થકી પુરુષોને પણ પહોંચી. પરિણામે કોઈ છોકરી ઊંઘમાં હસી તો એને માર પડ્યા. રમલો મોટા પાદરને અવેડેથી લોટો ભરીને રાણાબાપાના ખેતર બાજુ બાવળની કાંટ્યમાં દિશાએ જાય તોય અમારા જેવા હોશિયાર છોકરાવ ભાગે એની હિલચાલનું ધ્યાન રાખવાની ફરજ આવી પડી. – એલા ભાણા, ધોડજે તો, હમડા જ રમલો કળશ્યો લઈને નીહર્યો છે. બાવળમાં કોઈ હાર્યે અંધારું તો નથી કરતોને?

એક દિવસ હું અને દિલો એના હસુમામાના ફળિયામાં ક્રિકેટ રમતા હતા. ત્યાં રમલો આવ્યો. એને જોઈને દિલાએ, હસુમામાને બૂમ મારી, – મામા, તમારો ભાઈબંધ રમલો આવ્યો. રમલો થોડો ઓઝપાયો, – ભાણા, તારાથી મને રમલો નો કેવાય, રમેશમામા કેવું પડે, જોને, હું તારા હસુમામાનો ખાસમખાસ ભાઈબંધ છું. હું અને દિલો શરમાઈને થોડું હસ્યા. ત્યાં હસુમામા આવ્યા. રમલો એમનો હાથ પકડીને આઘે ફળિયામાં ખડકી બાજુ લઈ ગયો. બંને એકબીજાનો હાથ પકડીને કંઈક વાતો કરવા મંડ્યા. ગામના કે કુટુંબના કોઈ પણ દુઃખના પ્રસંગે રમલાને ઠરવા ઠેકાણું હસુમામા હતા. એમની વાતોમાં અમને ‘દુકાન... દુકાન’ એવું કઈક સંભળાયું. દિલો મને ધીમેકથી કહેવા લાગ્યો, કાળુ, એક મરેલી માછલી હોયને? મેં કહ્યું, માછલી મરેલી પણ હોય તે એનું શું છે? – એક મરેલી માછલી આખા તળાવને ગંદુ કરી મુકે. હું ગૂંચવાયો, દિલા, આપણા ગામના તળાવમાં પાણી જ ક્યાં છે તે માછલી મરેલી થાય અને કંઈ ગંદું થાય. દિલો બગડ્યો, સાવ ડોબો છો, ચાલ બોલિંગ કર. એણે બેટ થપથપાવ્યું. પણ મેં કહ્યું, ના પણ તમે તો ભામણ, તમારે માછલીનું નામેય નો લેવાય, ખોટી વાતો નો કર્ય. – અરે આ રમલો, દિલો મોટેથી બોલી ગયો, એ સાંભળી વાતો કરતા હસુમામા અને રમલો બેય ચમક્યા. થોડી વાર અમારી તરફ જોઈ રહીને ફરીથી વાતે વળગ્યા. પછી વાત પતાવીને રમલો રવાના થયો. જતાં જતાં કહેતો ગ્યો, – જોજે હોં હસુમારા’જ, આ જીવન-મરણનો પ્રશ્ન છે. હસુમામા બોલ્યા, બસ્સો-પાનસોની બાબત હોય તો ઠીક, આ તો આઠ-દસ હજારની વાત છે, મારે તારી ભાભીનેય પૂછવું પડે. – ઓહો! એવું હોય તો માસ્તરાણીને હુંય હાથ જોડું. આમેય તું રોજ રાત્યે હાથ જોડે જ છેને, આજે મારા વતી એક વાર વધારે હાથ જોડજે, કહીને રમલાએ આંખ મારી. હસુમામા હસી પડ્યા, – જા હવે જા, કાંક્ય જુક્તિ કરીશું. તારી ભાભી સાવ તો નામક્કર નહિ જાય, આ તો શું કે તને પરણાવવા ખાતર આટલા ખરચવા પડે તો ઈ અબઘડી રાજી થઈને દેય, પણ આ તો દુકાનનો મામલો. બંને હસતા હસતા છૂટા પડ્યા. રમલો ખુશીમાં ને ખુશીમાં અમારા તરફ નજર નાખ્યા વગર ગીત ગણગણતો ખડકી ખોલીને બહાર નીકળી ગયો. થોડી વાર પછી હસુમામાએ બૂમ પાડી, એલા દિલા, કાળુ આમ આવો તો. હું અને દિલો ગયા એટલે હસુમામાએ પૂછ્યું, – તમે બેય શું વાતો કરતા હતા? મેં કહ્યું, આ દિલો, મચ્છીની વાત કરતો હતો, મેં એને સમજાવ્યો કે આપણા ગામના તળાવમાં તો પાણી જ નથી, એટલે મચ્છીનો સવાલ જ નથી. હસુમામાએ કડક અવાજે પૂછ્યું, બોલ દિલા, હવે સાચું બોલ, શું હતું? દિલાએ રડી ગયેલા મોઢે કીધું કે ગામમાં વાતું થાય છે, એક રમલાને લીધે ગામનું વાતાવરણ બગડે છે, ગામમાં ઉચાટ ઉચાટ થઈ ગ્યો છે. – સાવ એલફેલ બકે છે બધાંય... હસુમામા તાડૂક્યા : એક માણસની ખેધે પડી ગયા છે તે સખથી જીવવા નથી દેતા. તમે ડીટિયા જેવા છોકરાવ શું લઈ હાલ્યા છો? ફરીથી આવી વાત કરી છે તો તમારા સ્ટમ્પલા લઈને નળિયા ઉપર ઘા કરી દઈશ્ય, જાવ બારા જઈને રમો. હું ને દિલો નીચી મૂંડીએ ખડકી બારા નીકળ્યા. હવે દિલો તાડૂક્યો, – તને કોણે ચાડી ખાવાનું કીધેલું? આપણી વાત કોઈ મોટાને લીક નહિ કરવાની, સમજ્યો? – તું મોટેથી બોલ્યો, રમલો, બાકી મેં ક્યાં એનું નામ લીધેલું? – હું ક્યાં એકલો કઉ છું? ગામ આખું એની વાતું કરે છે. – સાવ એવું નથી હોં. ઘણી વાર મારા બાપા નો હોય તઈ રોન્ઢે રમલાની બા શાંતામા મારાં મોટાબા પાસે બેસવા આવે છે. શાંતામા ગામની ફરિયાદ કરે ત્યારે મોટાબા કે’છે કે ગામમાં ઘણા સમજે છે આ ખોટું થાય છે, પણ કોઈકે બોલવું જોયેને? ત્યાં ગામની નવરી બજાર જેવા બે-ત્રણ ગવઢિયા આવતા દેખાયા, એટલે દિલે કીધું : મૂક હવે આ વાત, નઈ તો આ બધા ખોળામાં બેહાડી કાન મવડીને, ભાણા ભાણા કરીને જ્યાં ત્યાં હાથ ફેરવશે.

આ વાતના એક અઠવાડિયા પછી ગામમાં વાતો વહેતી થઈ, રમલાએ દુકાન ખોલી, કરિયાણાની દુકાન ખોલી. – પણ રમલા પાસે પૈસા આવ્યા ક્યાંથી? – અરે થોડા ઘણા તો એની પાસે હોય જને? બાકી હસુમા’રાજ જેવા બે ત્રણ ભાઈબંધોએ આપ્યા. – ઈ દુકાન ખોલીને ક્યાં જાવાનો? બાપાની જાહોજલાલી તો ગઈ. પોતે ફતનદેવાળીઓ થાહે પણ ભાઈબંધુનાય પૈસા ડુબાડશે. એ રોન્ઢે ગામના ચોરા ઉપર બાવકુભાઈ હાથની મુઠ્ઠી વાળી, લાદી ઉપર પછાડી બોલ્યા, – તો હાળાયે દુકાન ચાલુ કરી એમને? હવે ગામનો શેઠ-શાવકાર થઈને ફરશે, ગામની છાતી ઉપર વેપાર-ધંધા કરશે! એમ તો નો જ થવા દવ. ગામ સમસ્તથી એમ તો નો જ થાવા દેવાય. પ્રભુદા’ હસ્યો, ખમ્મા ખમ્મા, તે બાપુ હવે ક્યાં તમારાં રાજ અને કાજ’ર્યાં છે તે આમ દામણા તોડવો છો? બિચારાને સુખેથી કમાઈ ખાવા દ્યોને. બાવકુભાઈએ ફરીથી ચોરાની લાદી ઉપર મુઠ્ઠી પછાડી.

હું ધીમેથી હાથના પંજાઓની આંગળીઓ પહોળી કરી, પગના પંજાની આંગળીઓ અને અંગૂઠા પર ચાલતો, કોઈ જોઈ નથી જતુંને એની સરત રાખતો, રમલાની દુકાન બાજુથી નીકળ્યો. બીજા કોઈનું ધ્યાન ન ગયું પણ રમલાની નજર પડી ગઈ. – એ આવ્ય ભાણા, આવ્ય, લે ગોળ-ધાણા ખા, આપડે આ નવી કરિયાણાની દુકાન કરી છે, તારા મોટાબાને કેજ્યે, હવે કરિયાણું આપડી દુકાનેથી મંગાવતાં જાય. એમ કહીને એણે એમની દુકાનના ભાવ બીજાની દુકાનો કરતાં કેટલા ઓછા છે તે ગણાવ્યું, એને બોલતો સાંભળી શાંતામા અંદરથી હડફડ હડફડ થતાં આવ્યાં, – આવ્યું? કોઈ ઘરાગ આવ્યું? – અરે આ તો ભાણો છે, કાળુ. શાંતામાં કાંઈ બોલ્યા વગર દુકાનના પાછલા ભાગમાં થઈને ઘરમાં જતાં રહ્યાં. હું ‘હજી લેશન બાકી છે.’ કહીને છટક્યો. સાંજે ફરીથી ચાઈને એ બાજુથી નીકળ્યો તો ગોળ-ધાણાની થાળી આખી ભરેલી પડી હતી અને રમલો થોડી થોડી વારે લાકડાના ગોળ દંડીકા સાથે બાંધેલા નવા કપડાના ઝાપટિયાથી માખો ઉડાડતો, ઝોલાં ખાતો બેઠો હતો.

એટલે કે એ દુકાન બહુ ચાલી નહિ. એમ ને એમ છ મહિના નીકળી ગયા. ક્યારેક કોઈ મહેતરની બાઈ મોઢીયે દોરી બાંધેલો શીશો લઈને પળી બે પળી તેલ કે ઘાસતેલ લેવા આવતી કે પછી નાનાં છોકરાં પીપરમીન્ટ કે ઇજમેટના ટીકડા લેવા આવે. પણ આવી ઘરાગીમાં એનું દાળદર થોડું ફીટે! આંતરેદાડે રમલો, હસુમામા પાસે આવીને, ‘દુકાન ચાલતી નથી’ અને ‘દુકાન ધમધોકાર ચલાવવી હોય તો શું શું કરવું?’ એની યોજના ઘડતા. હું અને દિલો ક્રિકેટ રમતા અને સરવા કાને સાંભળતા. પણ કોઈ કારી ફાવી નહિ. એક દિવસ એની દુકાન બંધ દેખાઈ. ઘણા દિવસ સુધી એના એ જ હાલ રહ્યા. એકાદ મહિના પછી દુકાન ફરીથી ખૂલી! ખૂલતાં વેંત ગામમાં ‘હો..હા’ થઈ પડી. દુકાને નવાં રૂપરંગ ધારણ કર્યાં હતાં. એમાંથી કરિયાણું ગુમ હતું. એને પાનબીડીની દુકાન તરીકે નવેસરથી સજાવવામાં આવી હતી. ત્યાં સુધી તો બધું બરાબર હતું પણ હવે દુકાનની ગાદીએ રમલાની બેન ચંચળ બેઠી હતી. આજ સુધી કોઈ સ્ત્રી સીમમાંથી ગાડું જોડીને એકલી ઊભી બજારે નીકળી નહોતી કે પુરુષના સથવારા વગર કોલોનીથી બસમાં બેસીને ચલાળાય ગઈ નહોતી. આ તો ભર બજારે, પાનની દુકાને બેસીને, પાનપટ્ટી કાપી, ચૂનો-કાથી લગાડી, લવલી ભભરાવી, ધાણા-વરિયાળી નાખી, તમાકુમાં : નેવું કે એકસો વીસ પૂછતી, ચંચળ હાજરાહજૂર બેઠી હતી! એમાં તમે નસીબદાર હો તો હાથમાં પાન પકડાવતી વખતે એની ટચલી આંગળી તમારા હાથને અડીય જાય! ભલું પૂછવું!

હનુમાનજીની દેરીએ બપોરે પ્રભુદા’ અને ગંગારામ ‘ખી...ખી...’ કરતા હતા. ગંગારામ બોલ્યો, – ભામણ, પાન ખાયાવ્યો કે નૈ? પ્રભુદા’ બોલ્યો, અરે સવારથી અટાણ સુધીમાં ચાર ટટકાર્યાં, સાલી નવી નવી પાન બનાવતાં શીખી છે તે ચૂનો બહુ ઝીંકે છે. મારાં તો ગલોફાં તતડી ગ્યાં. તોય બપોરે ભાયડા એક પાન ખાવા જાવાના, અને એક રાત્યે. – રાત્યે, હો...હો...હો રાત્યે, ઠીક ઠીક, પણ એને અડ્યો? અડ્યો એને? – હોવ્વે, બે વાર, પણ મારી બટી આઘી ને આઘી ભાગે છે. માંડ ટચલી આંગળીએ અડાણું. – મેં બે વાર પાન ખાધું, અડવાનો મેળ જ નો ખાધો. – એમાં તો બાવા, ટરીક વાપરવી પડે, એમનમ મેળ નો પડે. બધાંયેને આવડેય નૈ. ગામમાં ચોરેથી આંખો તાણી તાણીને બેત્રણ જણ વાર ફરતી બબ્બે પાળી ભરીને, કોણ આવ્યું? કોણે બીડી-બાક્સ લીધાં? કોણે ત્યાં ઊભાઊભા ખાધું? કોણે બંધાવ્યું? કોણ કેટલી ઘડી ઊભો’ર્યો? ઊભો’તો કે ઓટલે બેઠેલો? એવી જાસૂસી થવા માંડી. પ્રભુદા’ અને ગંગારામ જેવા તો ઠીક છે કે ત્યાં જ જાય પણ સારા ઘરના છોકરા ત્યાં ગયા કે કેમ? જે ગયા એને બોલાવીને રિમાન્ડ પર લેવાયા. રે’તારે’તા રમલાનેય નાના પાદરની જગામાં બોલાવવામાં આવ્યો. બાવકુભાઈ, બાલુદાદા જોશી અને શામજીભાઈ વઘાશિયાએ એની જુબાની લીધી. રમલો આ કહેણ આવ્યું એનાથી ફફડી ગયેલો એટલે એ હસુમામાને સાથે લઈ ગયેલો. હું ને દિલો ક્રિકેટનો બોલ શોધતા હોય એમ આજુબાજુ જોતાં, ચોરપગલે પાછળ ગયા ને થોડા દૂર ઈ બોલાશ કાને પડે એ રીતે ઊભા રહ્યા. ઘડીક બેય પાર્ટી એકબીજાને જોઈ રહી, પછી શામજીભાઈ પાન ભરેલા ગલોફાથી કેવેન્ડરનો કશ ખેંચતાં બોલ્યા, – કાલથી દુકાન બંધ કરી દેવાની છે, રમલા. રમલો બોલ્યો, એમ તો કેમ થાય કાકા? બાલુદાદા બોલ્યા, બસ! નો દલીલ, નો અપીલ. અમે ચારેબાજુથી વિચાર કરીને જ તને બોલાવ્યો છે. શિવ! શિવ! રમલો બોલ્યો, ગામમાં ત્રણ ત્રણ પાનના ગલ્લા હાલે છે એમાં મારી એક દુકાન ભારે પડે છે? બાવકુભાઈએ રમલાનો કાંઠલો પકડ્યો, ઠોકીના, ઈ ગલ્લે રાન્ડુ પાન જમાવવા બેહે છે? તું ગામને શું સમજી બેઠો છે, હાળા ડુંગળીખાઉ? – મારી બહેનને રાંડ ક્યો છો, ઈ હું નહિ ચલાવી લઉં. એનાં એવાં કોઈ લખ્ખણ હોય તો બતાવો? બીક અને ગુસ્સાથી રમલાનો અવાજ ફાટી ગ્યો. – અરે તારી બેન રાન્ડ ને તારી મા રાન્ડની, કહીને બાવકુભાઈએ રમલાની છાતીમાં ઢીકો માર્યો. પાટું મારવા પગ ઉપાડ્યો, હસુમામા વચ્ચે પડ્યા, હાંવ બાવકુભાઈ, – માસ્તર, ખહીજા કવ છું. ક્યાંક તો તારા જેવાને લીધે આ આટલો ફાટી હાલ્યો છે. હસુમામાએ ખમીસ નીચેથી જનોઈ કાઢી, ઊંચી કરીને બાલુદાદાને કીધું, કાકા, તમારા જેવા સેવાપૂજા કરનારા પવિત્ર બાહ્મણની હાજરીમાં, એક બ્રાહ્મણની હાજરીમાં, એક બ્રાહ્મણને મારવાની વાતું થાય છે. બાલુદાદા બોલ્યા, તે ભામણને ન્યા અવતાર લીધો છે તો કોની ભાઈબંધી કરાય, કોની નો કરાય એટલું તો ગન્યાન રાખતો જા. બાવકુભાઈ, તમે કે’તાતા એમ, આ રમલો ખેપાની તો ખરો. હવે વાત આગળ ચાલશે તો હું તમારા સભાવને ઓળખું છું, તમે હસુનેય નૈ મૂકો. ગામમાં વાતું થાહે કે બાલુદાદો હાજર હતો તોય એક ભામણ દંડાણો! આ મીટિંગ આંયા બરખાસ્ત કરો. ભાઈ રમલા, આખા ગામને પાપમાં પાડવા નીકળ્યો છો? અમારી તો કાંક્ય શરમ ભર્ય, શિવ! શિવ! શામજીભાઈએ ચપટી વગાડી કેવેન્ડરની રાખ ખંખેરતાં, બંનેને ઇશારાથી ચાલી જવાનું કહ્યું. રસ્તામાં હસુમામાએ કીધું, – મેં તને ના તો પાડી’તી, આ ચંચળવાળો અખતરો રે’વા દે. ખાલી હું જ નહિ આપણા બધા ભાઈબંધુ આ વાતની વિરુદ્ધમાં હતા. આ તો સારું થ્યું કે હું સાથે હતો, નહિ તો આ લોકોનો પ્લાન તો તને મારવાનો હતો. રમલો રોતલ અવાજે બોલ્યો, એનો અવાજ એટલો બધો રોવા જેવો લાગતો હતો કે ખરેખર રોતો હોત તો ઓછો રોતલ લાગત, – આ ગામ તો હાથપગ બાંધીને મને કૂવામાં ધકેલવા બેઠું છે. હા કઉં તો હાથ કપાય અને ના કઉં તો નાક કપાય. માટે ત્રણ જણનાં ડોજરાં ભરવાં કે નૈ? આપણને એમ કે આ બાપદાદાનું ગામ છે તો આંયા જ કડેધડે થાશું, પણ... એ આગળ બોલી નો શક્યો. જોરથી નાક સાફ કરવા મંડ્યો. એની પાનની દુકાન આવી. હસુમામા બોલ્યા, – ઠીક તઈં રમુ, હું તો ચાલુ પિરિયડ છોડીને આવ્યો છું. તારી ભાભી બેય ક્લાસનું ધ્યાન રાખતી હશે, એટલે મારે તો પાછા નિશાળે જાવું પડશે, તું આંયા રોકા. મારી વાત વિચારી જોજે. રમલો હનુમાનદેરીની ઓસરીએ બેઠો ને લમણે હાથ દઈને કાંઈક વિચારમાં ખોવાઈ ગયો. ત્યાં પેલેથી પ્રભુદા’ અને ગંગારામ બેઠા હતા એ ઊભા થયા અને કપડાં ખંખેરીને ચાલતા થયા. પછી બેત્રણ દી’ રમલાની દુકાન નો ખૂલી. અડધો દી’ ખૂલે તોય હવે દુકાને રમલો જ જોવા મળતો. ગરમીની સીઝન હરગિજ નહોતી, છતાં એ બેધ્યાનપણે નવા ઝાપટિયાથી પોતાને હવા નાખ્યા કરતો. એક સાંજે રમલાની બેન ચંચળ પિત્તળનું ખાલી બેડું લઈને અમારા ઘેરે આવી. મારાં મોટાબાને પૂછ્યું, – કાકી, અમારી ડંકી ડૂકી ગઈ છે, તમારી ડંકીએથી એક બેડું ધમી લઉં? મોટાબા બોલ્યાં, તે ધમી લેને બટા. ચંચળે હજી અડધું બેડું ભર્યું હશે ત્યાં અચાનક બહારથી બાપા આવ્યા. ચંચળને જોઈને એમની આંખો ફાટી ગઈ, – આને આંયા કોણે ઘાલી? કોણે આને આંયા આવવાની રજા આપી? આવા ખાન્યજરાની ગામમાં કાંઈ આબરૂ નથી. આપણી આબરૂનો તો વિચાર કરો. ચંચળનું મોં ધોળુંફક થઈ ગયું. મોટાબા રસોડામાંથી નીકળીને ફળિયામાં આવ્યાં, હું શું કઉં છું કે એની ડંકી... – હું કાંઈ સાંભળવા માંગતો નથી. તમે પાછાં રહોડામાં જાતાર્યો. જાતાર્યો. મોટાબા ડઘાઈને સ્થિર થઈ ગયાં. ચંચળ બેડું જેમનું તેમ મૂકીને ભાગી. મોટાબાએ બાપાને ઠપકો આપ્યો. – બિચારા વખાના માર્યા છે તે થોડી સમતા તો રાખતા જાવ. આ રીતે થોડી વાત કરાય છે! – એમાં તમને ખબર્ય નો પડે. ત્યાં ખડકી ખોલીને રમલાનાં બા શાંતામા આવ્યાં, કઉં છું કે ભાઈ, તમે આવડી નાની છોડી હાર્યે આ રીતે વાત કરી? બાપાનો અવાજ ફરી ગયો, હવે તમે તો ભાભી, આંયાથી હાલતાં જ થાવ, કઉં છું કે નીકળો આયાંથી. – અરેરે ભાઈ! તમે ઊઠીને આવું બોલશો! ઇયાદ છે, રમુના બાપુ પેલી વાર આફ્રિકે ગ્યા તંઈ તમે રેલવે ટેશને મૂકવા આવેલા? – વયા જાવ આંયાથી. કઉં છું, બાપાએ હાથ લાંબો કરીને ખડકી બતાવી. શાંતામા ભાંગેલા પગે ગયા. પછી બાપા પણ મોટાબા સામે જોયા વગર ઝડપથી બહાર નીકળી ગયા.

– ગ્યો, દિલો તાલી પાડતો બોલ્યો. – શું ગ્યો? – ગ્યો, રમલો ગ્યો, ગ્યો રે ગ્યો રે ગ્યો ગ્યો, દિલો ખડખડાટ હસતો હતો. – પણ ક્યાં ગ્યો? – ખબર નૈ, અમરેલી ગ્યો કે પછી રાજકોટ ગ્યો. પણ ગામમાંથી ગ્યો. – કઈ? – કાલ્યે રાત્ય શામજીભાઈને ત્યાં માંડવી ભરવા ખટૉરો આવેલો... – તે કેરિયરમાં બેસીને ગ્યા? – તો શું ગાડું જોડીને ગામ એને મેલવા જાય? સાંભળ તો ખરો, ખટારામાં જગ્યા હતી તોય રમલો હાથપગે લાગ્યો તંઈ ડ્રાઇવર તૈયાર થ્યો. ત્રણેય માંડવીના ઢગલા ઉપર બેસી ગ્યા. થોડાં ઠામડાં અને એક પ્રાઈમસ હાર્યે લીધો. બસ! ઘર અને દુકાનને તાળાં માર્યા છે. હાલ્ય જોવું હોય તો. – કોઈ આવજો કેવા આવ્યું’તું? – બસ એક હસુમામા હતા. – સાવ એમ જ જતાં રહ્યાં – એમાંય એવું થ્યું કે ત્રણેય જણ ખટારામાં ગોઠવાયા પછી, શાંતામાએ રમલાને કીધું, બટા, છેલ્લાવેલ્લા હનમાનજીનાં દર્શન કરીને આશીર્વાદ લઈ લે. રમલો ખટારામાંથી ઊતર્યો, ઓટલે ચંપલ કાઢ્યાં, મંદિરનાં બારણાંની જાળી સુધી ગ્યો, પછી હાથ જોડ્યા વગર પાછો વળી ગ્યો. ચંપલ પે’રતાં બોલ્યો, – નૈ, આ ગામના તો ભગવાનનૈય નો નમાય; કઈને ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો. મામા રોતા’તા અને બેય બાયું પણ રોતી’તી. હાલ્ય તો, મેં દિલાનો હાથ પકડ્યો. અમે બજારમાં આવ્યા. રમલાનાં ઘર અને દુકાનને તાળાં માર્યા હતાં. ઘર સામે હનુમાનજીના મંદિરે નજીક જઈને મેં જાળીમાંથી સિંદૂર ચડાવેલી એમની મૂર્તિ ધારી ધારીને જોઈ. એ હાથમાં ગદા લઈને અચલ, અવાચક અને નિર્વિકાર ઊભા હતા.