કુંવરબાઈનું મામેરું/કડવું ૧૫

From Ekatra Wiki
Jump to navigation Jump to search


કડવું ૧૫


[આજે તો હવે અપરિચિત લાગે એવાં, અનેક પ્રકારનાં મોંઘાં વસ્ત્રોની કવિની જાણકારી પણ આનંદ-આશ્ચર્ય પ્રેરે એવી છે. કવિની લય-પ્રાસ-ચાતુરી પણ જુઓ : ગંગાવહુને ગજિયાણી..., રૂપકુંવરને રાતો સાળુ... અને છેવટે ‘પિયરપનોતી કુંવરવહુુ’ ]

રાગ રામગ્રી)
વડી વહેવાણ રિસાયાં જાણી લક્ષ્મીજી પાસે આવ્યાં જી;
સારું ખીરોદક[1] ખાંધે મૂકીને ડોશીને મનાવ્યાં જી.          ૧

જેજેકાર થયો મંડપમાં, સહુને હરખ ન માય જી;
મનગમતી પહેરામણી દેખી તેડેતેડાં થાય જી;          ૨

ઘેર ઘેર થઈ વાત નગરમાં : ‘મહેતો કરે મામેરું જી;’
વિચાર કરતી અબળા ધાયે : ‘મનગમતી સાડી પહેરું જી.’          ૩

ચારે વર્ણ જે ચરણે ચાલે, તે આવે મંડપ માંહ્ય જી;
પલવટ વાળી શ્રી વનમાળી ઊભા છે તે ત્યાંય જી.           ૪

મહેતો ઊભા તાળ વજાડે, ગાય વેરાગી ગીત જી;
શીખવે સાસુ કુંવરવહુને પહેરામણીની રીત જી.          ૫

શ્રીરંગજી ને શામળ મહેતો પામ્યા ઝીણાં શેલાં જી;
હેમજી ખેમજી મહેતાને પીતાંબર ખાંધે મેલ્યાં જી.           ૬

કભાય કોને, પામરી પટકા, નામ ન જાયે ગણિયાં જી;
કોને મુગટા, કોને સોળાં, કોને શેલાં-શણિયા જી.          ૭

કોને મગિયાં, કોને ગજિયાં, કોને સાહ્યબી સાર જી;
ગુચ્છપેચ, પાઘડીઓ, ચીરા, કસબી તોરા અપાર જી.          ૮

ઝીણા નીમા, ઝીણી પછેડી, વાળ્યા છે કટિબંધ જી;
વસ્ર તણો વરસાદ વરસ્યો, દોશી કરુણાસિંધુ જી.          ૯

થરમા ઉજ્જ્વલ કોને કોરા, વેઢ વીંટીઓ છાપ જી;
દુગદુગી, માળા, માદળિયાં, નહિ મોતીનો માપ જી.          ૧૦

કંદોરા કોને, કોને કંઠી, પહોંચી, સાંકળી, માળ જી;
કોને મુક્તાફળનાં કુંડળ જડાવ ઝાકઝમાળ જી.          ૧૧

પહેરામણી પુરુષોને પહોંતી, પછે તેડ્યો અબળા-સાથ જી;
પિયળ કાઢીને ખાંધે મૂક્યાં પટકૂળ નાના ભાત જી.           ૧૨

ગંગાવહુને ગજિયાણી સાડી, સુંદરવહુને સાળુ જી;
ગોરે અંગે સબળું શોભે માંહે કાપડું કાળું જી.          ૧૩

છબીલી વહુને છાયલ ભારે, ભાત રાતી ધોળી જી;
કોડવહુને કલગેર આપી, પ્રેમવહુને પટોળી જી.           ૧૪

રામકુંવરને, કૃષ્ણકુંવરને આપ્યા ભારે ઘાટ જી;
છેલવહુને છીંટ જ આપી, નાની વહુને નાટ જી.          ૧૫

પાનવહુને પીતાંબર આપ્યું, તાસ તો બચ્ચીબાઈ જી;
રૂપકુંવરને રાતો સાળુ, દેવકુંવરને દરિયાઈ જી.          ૧૬

જસમાદે, જસોદા, જીવી, જમુના, જાનકીવહુ જી;
ચરણાં, ચોળી ને ઘરસાડી પહેરી ઊભી સહુ જી.           ૧૭

વાનબાઈ ને વેલવહુ ને રંભાવતી ને રૈયાં જી;
જૂનાં કાઢી નવાં પહેરે હેઠાં મૂકી છૈયાં જી.          ૧૮
  
છાબની પાસે છબીલોજી બેઠા, જે જોઈએ તે આપે જી;
મજીઠિયાં, મશરૂ ને કમખા ગજે ભરી ભરી કાપે જી.          ૧૯

પાટ, પીતાંબર ને નીલાંબર, ચોદિશ રાજે ચીર જી;
સાડી જરકશીની સોહે, ઓઢણીએ છે હીર જી.           ૨૦

કેસરછાંટ્યા ધોળા સાળુ, ફરતી ઝળકે કોર જી;
ચંદ્રકળા ને મોરવી સોહે, દોરિયાં માંહે દોર જી.           ૨૧

અતલસ, પાંચપટા, નારંગી, વળી બદામી રંગ જી;
આભૂષણ સોનારૂપાનાં, માંહે જડાવ્યાં નંગ જી.           ૨૨

કોને અકોટી, કોને ત્રોટી, ગળુબંધ બહુમૂલ જી;
કોને ભમર, કોને સેંથો, ત્રિસેંથિયાં, શીશફૂલ જી.           ૨૩

કો મહેતા પાસે માળા માગે, ઊભી રહી કર જોડે જી;
કોએક પોતાનું લઈને, બાળક મહેતા આગળ ઓડે[2] જી.          ૨૪
વલણ
ઓડે બાળક, જાણે કંઈક આપે, મનવાંછિત પામ્યાં સહુ રે;
સાસરિયાં સરવ વખાણે : ‘પિયરપનોતી કુંવરવહુ રે.’          ૨૫  1. ખીરોદક = ક્ષીરોદક; એક જાતનું રેશમી વસ્ત્ર કડી ૬થી૨૩ વિવિધ વસ્ત્રો, સાડીઓ, તથા અલંકારોનાં નામ છે
  2. ઓડે = ધરે, લંબાવે