zoom in zoom out toggle zoom 

< કુન્દનિકા કાપડીઆની શ્રેષ્ઠ વાર્તાઓ

કુન્દનિકા કાપડીઆની શ્રેષ્ઠ વાર્તાઓ/પ્રારંભિક

From Ekatra Wiki
Jump to navigation Jump to search

કુન્દનિકા કાપડીઆની શ્રેષ્ઠ વાર્તાઓ



સંપાદન
કુન્દનિકા કાપડીઆ


 
નવભારત સાહિત્ય મંદિર

જૈન દેરાસર પાસે,
ગાંધી રોડ, અમદાવાદ-૧ 
  ૧૩૪, પ્રિન્સેસ સ્ટ્રીટ,
મુંબઈ-૨
૨૦૨, પેલિકન હાઉસ,
  આશ્રમરોડ, અમદાવાદ-૯ 

               
         
બુક શેલ્ફ
૧૬, સીટી સેન્ટર, સ્વસ્તિક ચાર રસ્તા પાસે,
સી. જી. રોડ, નવરંગપુરા, અમદાવાદ-૯
Web : www.navbharatonline.com
E-mail : info@navbharatonline.com
fb.com/NavbharatsahityaMandir





Kundanika Kapadiani Shreshtha Vartao
Short Stories Written by Kundanika Kapadia
Navbharat Sahitya Mandir, Ahmedabad, 2019
ISBNૹ 978-81-8440-136-3


© કુન્દનિકા કાપડીઆ

નંદિગ્રામ, ધરમપુર રોડ, પોસ્ટ વાંકલ - ૩૯૬૦૦૭ (જિ. વલસાડ)



પ્રકાશક
મહેન્દ્ર પી. શાહ
નવભારત સાહિત્ય મંદિર
જૈન દેરાસર પાસે, ગાંધી રોડ,
અમદાવાદ ૧
ફોન  : (૦૭૯) ૨૨૧૩૯૨૫૩, ૨૨૧૩૨૯૨૧

Email: info@navbharatonline.com

Web: www.navbharatonline.com

fb.com NavbharatSahityaMandir
પ્રથમ પુનર્મુદ્રણ : ૧૯૮૭


પુનર્મુદ્રણ : ૧૯૮૯, પુનર્મુદ્રણ : ૧૯૯૮, પુનર્મુદ્રણ : ૨૦૦૪,
પુનર્મુદ્રણ : ૨૦૦૮, સંવર્ધિત આવૃત્તિ : ૨૦૧૦, પુનર્મુદ્રણ : ૨૦૧૯
મૂલ્ય: રૂ. ૧૭૦
લેઆઉટ/ટાઇપસેટિંગૹ
www.e-shabda.com
મુદ્રક:
યશ પ્રિન્ટર્સ, અમદાવાદ

અર્પણ





નાનકડાં દોસ્તો
દીપ્તિ - વર્ષાને






યાત્રાની પાછળ રહેલાં પગલાં

૧૯૫૧ના અરસાની વાત છે. વિશ્વવાર્તાઓની સ્પર્ધા યોજાઈ હતી. એના ઉપલક્ષ્યે દરેક દેશમાં, દરેક ભાષામાંથી ઉત્તમ વાર્તા પસંદ થવાની હતી. ગુજરાતીમાં એ સ્પર્ધા મુંબઈના વિખ્યાત દૈનિક પત્ર ‘જન્મભૂમિ’એ યોજી હતી. તેના તંત્રી મુ. મોહનભાઈ(સોપાન)ના સૂચનથી મેં તે માટે ‘પ્રેમનાં આંસુ’ વાર્તા મોકલી. એ મારી પહેલી વાર્તા હતી, સ્પર્ધાની મુદતના છેલ્લા દિવસે, છેલ્લા કલાકે એ વાર્તા પહોંચાડાઈ હતી, એ એક યોગાનુયોગ જ હતો, કારણ કે સાહિત્ય માટે નાનપણથી તીવ્ર અનુરાગ હોવા છતાં, મારો લેખનસૃષ્ટિમાં વ્યવસ્થિત પ્રવેશ તો એ પુરસ્કૃત વાર્તાને લીધે જ થયો.

તે પછી જે વાર્તાઓ લખાઈ તેના પર મુગ્ધ વયે જે વાંચેલું તેની ભાવસૃષ્ટિની, શૈલી ને વિચારોની છાયા હતી. ગુજરાતીમાં ધૂમકેતુનું આકર્ષણ વિશેષ હતું. શરદબાબુનું કથાકામણ, ટાગોરનો સૌંદર્યબોધ, ‘પથેર પાંચાલી’ની નીતરી સુકુમારતા, ખાંડેકરના ‘દોનધ્રુવ’ની વાસ્તવિક સૃષ્ટિ, અંગ્રેજ કવિ મેથ્યૂ આર્નોલ્ડના ‘ફરસેકન મરમેઇડ’ કાવ્યનો મોહક લય, સરોજિની નાયડુના હવામાં ઝૂલતા ફૂલની જેમ ડોલતી પાલખી ઊંચકી લઈ જનારાઓના આનંદનો હિલ્લોળ — આ બધાંનો નાનપણના આંગણમાં એક મોટો મેળો ભરાયો હતો. પછીથી એમાં ભળ્યા હતા ‘ગોલ્ડન ટ્રેઝરી’નાં કાવ્યોના, શેક્સપિયર અને નોર્વેના નાટ્યલેખક હેન્રીક ઇબ્સનના અવાજ. આ બધા અવાજોનો ધ્વનિ ઘણાં વરસો સુધી સંભળાયા કર્યો. એ વખતે જે કાંઈ સાહિત્ય - સંસ્કાર મન પર પડ્યા, જે અનુભૂતિઓ અંદર ઘૂંટાઈ, એણે મને પાછળથી વાર્તા માટે નવનવી કેડીઓ ખોલી આપી.

મારે માટે વાર્તાલેખન એક આનંદપ્રવૃત્તિ રહી છે. વાર્તા લખતાં ઘણી વાર કષ્ટ પણ પડ્યું છે, પણ છેવટે હંમેશાં આનંદ શેષ રહ્યો છે. આનંદમાં સહજતા છે, એ કોઈ પડકારનો જવાબ નથી, જિવાતા જીવનની ઝીલેલી પ્રતિચ્છબિ છે. આ કારણે પરંપરા કે પ્રયોગશીલતા? — એવો પ્રશ્ન મને કદી લેખનમાં ઉદ્ભવ્યો નથી અને એ જ કારણે નવાં ‘ફૉર્મ’ની સભાન શોધનું પણ મને કદી આકર્ષણ થયું નથી. તદ્દન પરંપરાગત શૈલીએ શરૂ થયેલી મારી વાર્તા ક્યારે ‘એક વેળાનું ચાહેલું શહેર’ અને ‘ઓછાયો’ (જે આ સંગ્રહમાં નથી) જેવી અતિ પ્રતીકાત્મક અને સર્‌રિયલ વાર્તામાં ઉત્ક્રાંત થઈ તેની ખબર પણ પડી નથી, કારણ કે હેતુપૂર્વક, આયાસપૂર્વક મેં કોઈ વાર્તારીતિ શોધી નથી.

અને એટલે ભાષાકર્મ, સંયોજન, ટેક્‌નિક, ઘટનાત્મકતા કે ઘટનાનો લોપ — એ બધાં અંગો જે-તે વાર્તાની નિજી જરૂરિયાત પ્રમાણે સહજપણે વાર્તાનો ભાગ બનીને આવ્યાં છે. ઘટના ને ઘટનાલોપની ઘણી ચર્ચાઓ થઈ છે. હું ઘટનાલોપમાં માનતી નથી. મારે માટે જે કાંઈ બને તે ઘટના જ છે. એક વિચાર સ્ફુરે, એક સ્પન્દન જાગે, લયનું અમૂર્ત વાદળ મનમાં બંધાવા લાગે — તે ઘટના જ છે. રસ્તે જતાં અચાનક સાંભળેલો એક શબ્દ કે કામ કરતાં સાવ અચાનક મનમાં ઝબકી ગયેલું કોઈ વાક્ય તે મારે માટે ઘટના જ છે. એ ઘટનાને આધારે મારી ઘણી વાર્તાઓ લખાઈ છે. ‘ફરી વરસાદ’, ‘મુક્તિ’ (આ બંને વાર્તાઓ આ સંગ્રહમાં નથી), ‘કોઈક દિવસ’, ‘જવા દઈશું તમને’ વગેરે એકીબેઠકે એકીલસરકે લખાયેલી વાર્તા પાછળ આવી કોઈક ઝીણી ઘટના જ છે. દેખીતી રીતે એ ઘટનાનો કશો સંકેત કે સંદર્ભ ન હોવા છતાં શી રીતે એનો કોઈક આંતરચેતના સાથે સંયોગ થઈ તેમાંથી વાર્તા નીપજી, એ સમજાવી ન શકાય તેવી સર્જનપ્રક્રિયા છે. એક દિવસ એક ભાઈએ ઘેર આવી ‘મૈં ના લરીથી, શ્યામ નિકસ ગયે’ ઠૂમરી અત્યંત સુંદર રીતે ગાઈ હતી. સ્વરોનાં એક પછી એક મોજાં ઊછળ્યાં હતાં અને એના ઘેઘૂર ધ્વનિથી હવા ભરાઈ ગઈ હતી. સંગીત પ્રત્યે મને અનહદ પ્રીતિ છે. આ સંગીતના કોઈક એવા પ્રતિધ્વનિ મનમાં ઊઠ્યા કે એમ થયું — કાંઈક લખાશે. કાંઈક અત્યંત સુંદર, બહારથી વિષાદપૂર્ણ લાગતું પણ અંદરથી એક નવા ઝળહળાટનાં દર્શન કરાવતું કાંઈક લખાશે… અને પછી મેં મારી એક પ્રિય વાર્તા ‘જવા દઈશું તમને’ લખી. એમાં સંબંધોની વાત છે, મૃત્યુની વાત છે અને મૃત્યુની ક્ષણોમાં જન્મતા પ્રેમની વાત છે. ગીતને અને આ વાર્તાવસ્તુને જરા પણ સંબંધ નહોતો, છતાં આમ બન્યું હતું.

સ્વરોની એક આનંદક્રીડા હોય છે. એમાં ભાવ હોય છે, અર્થ નથી હોતો. ‘જવા દઈશું’ – વાર્તાને એક ચોક્કસ અર્થ છે. માનવસંબંધના સૌંદર્યનો એક ઉઘાડ તેમાં છે. મને અંગત રીતે લેખન કરતાં જીવનમાં વધુ રસ છે. એટલે, કેવળ આનંદઅર્થે લેખનલીલા કરવા જતાં પણ તેમાંથી કશોક વિચાર, કોઈક દિશા પ્રગટ થાય છે. મારી વાર્તાઓમાં એ રીતે, વાર્તા ઓછી છે, સંકેતો વધારે છે. મનુષ્યના જીવનમાં જે અનેકવિધ તત્ત્વોનો અનેકવિધ સંયોગો સાથે જોડાઈને અનવરત ખેલ ચાલે છે, અને સુખ કે દુઃખ, વેદના કે સંવાદિતાના રૂપે પ્રગટ થાય છે તેનું પ્રતિબિંબ ઝીલવું તે મારી વાર્તાની સહજ દિશા છે. જે કાંઈ લખાય છે, તેમાં જીવનની સ્થૂલ કે સૂક્ષ્મ કોઈક પ્રક્રિયા છે. દરેક વાર્તા સંબંધના કોઈક ને કોઈક સૌંદર્યને છતું કરવા મથતી કે એના હ્રાસનો વિષાદ ઘૂંટતી વાર્તા છે.

વિચારોમાં મને રસ છે, એટલે કેટલીક વાર્તાઓ ચોક્કસ વિચારોને રજૂ કરવા માટે લખાઈ છે. જેમ કે ‘ન્યાય’, પણ તેથી તેમાં કલાતત્ત્વ અળપાયું છે એમ કહી શકાય નહીં. કેટલીક વાર્તાઓમાં શબ્દ, અર્થ અને કલાની એવી સમરસતા સહજપણે સિદ્ધ થાય છે કે એકથી બીજાને ભિન્ન કરીને જોવા જતાં વાર્તા છિન્ન થઈ જાય. ‘ઝરણું’, ‘કાગળની હોડી’, ‘ભર્યું ઘર’, ‘સૂર’ એ પ્રકારની વાર્તાઓ છે. ‘હરિ આવન કી આવાજ’ પ્રેમકથા લાગે છે, પણ તેનો ધ્વનિ સામાજિક પરિવેશ અને તે પ્રત્યેના વિદ્રોહનો છે. ‘નવું ઘર’ પણ પરંપરાગત અભિગમથી જુદી વિચારણા સૂચવે છે. ‘જીવન શાને માટે? જીવનનો ઉદ્દેશ શું?’ — આ પ્રશ્નો કોઈ પણ સંવેદનશીલ વ્યક્તિને જીવનના કોઈ ને કોઈ તબક્કે આકુળ કરે જ છે. વાર્તાઓ પ્રશ્નોના જવાબ કે ઉકેલ માટે નથી. છતાં જો કોઈ ને કોઈ તીવ્ર ઊંડા ગહન પ્રશ્નનો પોતાની રીતે જવાબ મળ્યો હોય તો તે વાર્તા ન બની શકે એવો તો કોઈ નિયમ નથી! પ્રશ્નનો ઉદ્ભવ એક ઘટના છે, તો પ્રશ્નનો ઉત્તર મળવો, ચેતનાના છેક ઊંડા સ્તર સુધી સમજનો પ્રકાશ પથરાવો — એ વધુ મોટી ઘટના છે. ‘વધુ ને વધુ સુંદર’ અને ‘તો?’ આવા પ્રશ્ન અને ઉત્તરની વાર્તા છે. ‘હું પુકારું તો —’ વાર્તામાં મારા જીવનનું સૌથી મહત્ત્વનું, સૌથી નાજુક, સૌથી સુંદર તત્ત્વ વણાયું છે — અદૃષ્ટ પ્રત્યેની પ્રીતિ અને શ્રદ્ધાનું. એ વાર્તાનું પૃથક્કરણ નથી. એમાંનું સર્જનકર્મ એક પરમ અનુભૂતિને પ્રત્યક્ષ કરી આપવાનું છે.

સાહિત્ય જીવન અને જીવનની અનુભૂતિઓથી અળગું કદી હોઈ શકે નહીં. ‘કેવળ સાહિત્ય’ અથવા ‘સાહિત્યને ખાતર સાહિત્ય’ પણ જીવનની જ ભોંયમાંથી ઊગે છે, અને ઇન્દ્રિયગત અનુભવો જેટલું જ, ચેતનાના ગહનતમ સ્તરો પરની રહસ્યાત્મક અનુભૂતિનું જગત પ્રભાવકારી અને સત્યાત્મક છે, કદાચ તે વધુ સત્ય છે. આ સત્ય ભણીની યાત્રા તે અંગત રીતે મારા પોતાના જીવનની દિશા છે. અને આ શોધયાત્રા દરમ્યાન થતી અનુભૂતિઓ વ્યક્તિગત, સામાજિક અને વૈશ્વિક ભૂમિકાએ વિસ્તરે છે. વાર્તા તો આ શોધની યાત્રામાં પાછળ રહેલાં પગલાં છે.

શ્રેષ્ઠ વાર્તાઓ — એવું આ સંગ્રહને નામ અપાયું છે, પણ આમાં ન લેવાઈ હોય તેવી વાર્તાઓ મારે મન ઊતરતી છે, એવું નથી. પુસ્તકને પાનાંની મર્યાદા હોય છે. તેથી પસંદગીની એક સીમા અંકાય છે, એટલું જ. પણ એક વાત હું કહીશ, કે અહીં સંગૃહીત થયેલી વાર્તાઓ મારી પ્રિય વાર્તાઓ છે, અને ‘હું શા માટે લખું છું?’ — આ પ્રશ્નનો ઉત્તર તેમાં ક્યાંક ને ક્યાંક રહેલો છે.

                                               

તા. ૧–૧–’૮૭
કુન્દનિકા કાપડીઆ (
નંદિગ્રામ,
પોસ્ટ વાંકલ – ૩૯૬ ૦૦૭
 (જિ. વલસાડ)