કુરબાનીની કથાઓ/ફૂલનું મૂલ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
ફૂલનું મૂલ

શિયાળાના દિવસો હતા. કડકડતી શીતમાં ફૂલો સુકાઈ ગયેલાં. કુંજોમાં અને બગીચામાં ફૂલઝાડ બધાં શિશુહીન માબાપ જેવાં ઉદાસ ઊભાં હતાં. પણ પેલું સરોવર કોનું? એ સરોવરની વચ્ચોવચ્ચ એક કમળ ઊઘડેલું છે. એ તો સુદાસ માળીનું સરોવર. એવું ફૂલ તો વસંતમાં યે ન ખીલે. સુદાસ આનંદથી છલકાઈ ઊઠ્યો. એના મનમાં થયું કે ‘રાજાજીને આજે આ ફૂલ ભેટ કરી આવીશ.' ફૂલોના શોખીન રાજાજી આજે અકાળે આ કમળ જોઈને મને મોં માગ્યાં મૂલ આપશે.” વાયુનો એક હિલેળો વાયો; કમળે જાણે ખુશખુશાલ બનીને છેલ્લો હીંચકો ખાધો; માથા ઉપરથી એક કોયલ ટહૂકતી ગઈ. માળીએ માન્યું કે મંગળ શુકન થયાં. સહસ્ત્રપાંખડીનું એ ફૂલ લઈને સુદાસ રાજમહેલની સામે વાટ જોઈ ઊભો છે. રાજાજીને સમાચાર કહેવરાવ્યા છે. હમણાં જ રાજા બોલાવશે. મૂલનો લોભી સુદાસ એ ફૂલની શી શી જતના કરી રહ્યો હતો! એની પાંખડી ઉપરથી ઝાકળનું એક બિન્દુ પણ સુદાસે નીચે પડવા ન દીધું. એટલામાં જ રસ્તે એક આદમી નીકળ્યો. કમળને જોતો જોતો એ પુરુષ પાસે આવ્યો. સુદાસને પૂછ્યું: ‘ફૂલ વેચવાનું છે?' ‘રાજાજીને ધરવાનું છે.' સુદાસે ટૂંકો ઉત્તર દીધો. ‘મારે તો રાજાના પણ રાજાજીને ધરવા મન છે. આજે બુદ્ધદેવ પધાર્યાં છે, બોલો, શું દામ લેશો?' ‘પણ હું એક માષા[૧] સુવર્ણની આશા કરીને નીકળ્યો છું.' ‘કબૂલ છે.' ત્યાં તો નોબત ગડગડી. શરણાઈનો સૂર આવ્યો. કુંકુમ-ચંદનના થાળ માથે મેલીને રમણીઓનું વૃંદ ગીતો ગાતું ચાલ્યું આવે છે. રાજા પ્રસેનજિત પગે ચાલતા બુદ્ધદેવનાં દર્શને ઊપડ્યા છે. નગરની બહાર પ્રભુ ગૌતમ પધાર્યા છે. કમળ જોઈને રાજા હર્ષ પામ્યા. મનમાં થયું કે પ્રભુના પૂજનમાં આજે પુષ્પની જ ઉણપ હતી તે પૂરી થશે. રાજાજીએ પૂછ્યું: ‘ફૂલનું શું મૂલ લઈશ, સુદાસ?' સુદાસ કહે: ‘મહારાજ! ફૂલ તો આ સજ્જને રાખી લીધું.' ‘કેટલી કિંમતે?'

  • સોનું તોળવાનું પ્રાચીન કાલનું માપ

'એક માષા સુવર્ણ.' ‘હું દશ માષા દઉં.' રાજાજીને માથું નમાવીને પેલો પુરૂષ બોલ્યો: “સુદાસ, મારા વીશ માષા.” રાજાજીનું મોં પડી ગયું. તેમનું હૃદય જરા દુભાયું. પેલો પુરુષ બોલ્યો: ‘મહારાજ! હું અને આપ બન્ને પ્રભુ બુદ્ધનાં દર્શને ચાલ્યા છીએ. મારે પણ આ પુષ્પ પ્રભુના ચરણે જ ધરવાનું છે. આ પુષ્પને માટે આજ આંહીં આપણે રાજાપ્રજા રૂપે નથી ઊભા, બે ભક્તો રૂપે ઊભા છીએ. રોષ કરશે મા, હે સ્વામી! આજે ભક્તિનાં પૂર દુનિયાદારીની મર્યાદા માનતાં નથી.' હસીને રાજાજી બોલ્યા: ‘ભક્તજન! હું રાજી છું. સુખેથી માગણી કરો. તમે વીસ માષા કહ્યા, તો મારા ચાળીશ.' ‘તો મારા.…' એટલું બોલવા જાય ત્યાં તે સુદાસ બેલી ઊઠ્યો: ‘માફ કરજો મહારાજ! માફ કરજો સજ્જન! મારે આ ફૂલ વેચવું જ નથી.' એટલું કહીને તેણે દોટ મૂકી. બન્ને ભક્તો ચકિત નજરે જોઈ રહ્યા. સુદાસ માળી ફૂલ લઈને નગર બહાર નીકળ્યો. એકલો ઊભો ઊભો એ વિચાર કરે છે કે જે બુદ્ધદેવને ખાતર આ ભક્તો આટલું દ્રવ્ય ખરચે, એ પુરૂષ પોતે કેટલા ધનવાન હશે! કેટલા દિલાવર હશે! એને જો આ ફૂલ આપું તો મને કેટલું બધું દ્રવ્ય મળશે! પદ્માસન વાળીને વડલાને છાંયે બુદ્ધ બેઠેલા છે, ઉજ્જવલ લલાટ: મોં પર આનંદ: હોઠમાંથી સુધા ઝરે છે: આાંખ માંથી અમી ટપકે છે: જેવો વાદળાંનો ઘેરો ગંભીર ઘરઘરાટ, તેવી જ એ તપસ્વીની વાણીનો નિર્મળ નાદ છે. સુદાસ સ્તબ્ધ બનીને ઊભો. એના મોંમાંથી ઉચ્ચાર પણ નથી નીકળતો. એ તો જોઈ રહ્યો છે પેલા સાધુ સામે. ભોંય ઉપર બેસીને સુદાસે એ પરમ તપસ્વીના પગ આગળ કમળ ધરી દીધું. વડલાની ઘટામાંથી પંખીઓએ ગાન કર્યું, વાયુની એક લહરી વાઈ, કમળની પાંદડીઓ ફરીફરીને હસવા લાગી. સુદાસને શકુન ફળ્યાં. હસીને બુદ્ધે મીઠે સ્વરે સવાલ કર્યો: “હે વત્સ! કાંઈ કહેવું છે? કાંઈ જોઈએ છે?' ગદ્ગદ્ સ્વરે માળી બોલ્યો: ‘બીજું કંઈયે નહિ, તમારી ચરણરજની માત્ર એક જ કણી.'