કોડિયાં/મૃત્યુની દીપકવાટ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
મૃત્યુની દીપકવાટજીવનનો ઝળહળતો દીવો,
          પ્રથમ જે દિ’ પ્રકાશ્યો!
મેઘધનુની રંગલીલામાં,
          પ્રેમસ્પર્શ તું ભાસ્યો! જીવનનો0

કોડ ભરીભરી અંતર લાવ્યો,
          આંખમાં દિવ્ય સુવાસ;
નૈવેદ-છાબડી મૂઠ બીડી બેઉ
          ધરવા પ્રાણપ્રકાશ! જીવનનો0

વાંચી લીધું જગ-સોણલું મારું,
          આશ નથી પણ આગ;
હેત માન્યું હતું જોઉં હળાહળ,
          ગંધમાં સ્વાર્થના શ્વાસ. જીવનનો0

આંસુ નથી, નાથ! હસતાં ભમવું,
          જીવનની રણવાટ;
પ્રાણપ્રકાશ નહિ તોય ધરવી
          મૃત્યુની દીપકવાટ. જીવનનો0

18-11-’31