કોડિયાં/સમીરનું ગીત

From Ekatra Wiki
Jump to navigation Jump to search
સમીરનું ગીતદરિયાના બેટમાં બેઠી નીંદરડી,
          અવનિને અંચળા ઓઢાડે જી રે!
મંદમંદ, મંદમંદ, ગાતી હાલરડાં,
          પ્રાણી ત્રિલોકનાં પોઢાડે જી રે!

ઊંઘમાં મીઠી પોઢ્યાં પંખીડલાં,
          પારણે-વડલાની ડાળે જી રે!
અણદીઠ હરીલાની દોરી અમે તો,
          તાણી નીંદરડી ઝૂલાવે જી રે!

ગાજે ગભીર ગાન મીઠો મ્હેરામણ,
          એ તો નીંદરની સિતારી જી રે!
આંગળી ફરફર વાયુ નીંદરની,
          સ્પર્શે ત્યાં ઊઠતી ધ્રુજારી જી રે!