ખબરદાર : ગુજરાતી ગ્રંથકાર શ્રેણી/કાવ્યારંભ : ફાલેલાં વૃક્ષોની છાયામાં

From Ekatra Wiki
Jump to navigation Jump to search

અરદેશર ફરામજી ખબરદાર

‘માસિક મજાહે’ આપેલી પ્રસિદ્ધિ ખબરદારને મોટ અત્યંત પ્રોત્સાહક નીવડી. પંદર-સોળની વયે આ દોહરા ઉપરાંત પણએમણે કવિતાલેખન કરેલું. પણ આ પછી એમની કલમ ખૂબ વેગમાં ચાલી જણાય છે. પોતાના પહેલા કાવ્યસંગ્રહ ‘કાવ્યરસિકા’ની પ્રસ્તાવનામાં તે લખે છે, ‘આ પુસ્તકમાં મારી કવિતાનો થોડો જ ભાગ છપાયો છે, કારણ એના બે ભાગ જેટલો સંગ્રહ હજી મારી પાસે છે.’ એટલે કે બે-અઢી વરસમાં એમણે, છાપેલાં છસો પાનાં જેટલું કાવ્યલેખન કર્યું – વ્યવસાયાદિમાંથી મળતા અવકાશમાં! ખબરદારની આરંભકાલીન કવિતા પર દલપતરામનો ઘણો પ્રભાવ છે. દલપતરામને એમણે લગભગ આત્મસાત્‌ કરી લીધેલા. ‘કાવ્યરસિકા’ના વિષયો, છંદ, રીતિ બધામાં એમણે દલપતરામને ઘૂંટ્યા છે. સૃષ્ટિનાં વિવિધ તત્ત્વો-સત્ત્વો સાથે કવિતાની શ્લેષાર્થથી કરેલી તુલનાવાળું, વિવિધ અલંકારોના નમૂના પણ પેશ કરતું, નાના નાના અંશોમાં વહેંચાયેલું ‘કાવ્યગૌરવ’ સપાટી પરની ચમત્કૃતિને પાનાંનાં પાનાં સુધી આલેખ્યે જાય છે. દલપતરામે કરેલી તમામ પદ્યકસરતોને ખબરદારે અહીં અજમાવી છે ને મનોરંજકતા, વ્યવહારોપયોગિતા, નીતિબોધકતા તથા સદ્‌બોધકતાને કવિતાનાં ગુણલક્ષણો લેખી એની પ્રશસ્તિ અને મહત્તા ગયાં છે. આને મુકાબલે ‘વર્ષાવર્ણન’, કંઈક અંશે અનુભવમૂલક હોવાથી, ધ્યાનપાત્ર બને છે. પ્રારંભિક પ્રયત્ન તરીકે તો એ ઠીક ઠીક પ્રશંસા પણ પામેલું. એમાંના ‘પાણીનો ધોધ’ નામના એક અંશમાં કૃદંતોની ગતિ સરસ છે. ચોપાયાનો લય પણ એની સાથે સંવાદ સાધતો રહ્યો છે એથી એનો શ્રુતિગુણ વધે છે પરંતુ છેવટે બધું શબ્દરમત આગળ આવીને અટકતું હોવાથી આ શ્રુતિગુણ રચનાને કાવ્ય બનાવવા માટે લેખે લાગતો નથી. ‘વર્ષાવર્ણન’નો આખો નકશો નિબંધનો છે. ઉનાળાના જુલમથી આરંભી વર્ષાના અંત સુધીનાં બધાં ઋતુદૃશ્યોનું અને એની અસરોનું ક્રમબદ્ધ મુદ્દાઓમાં પદ્યાંકન અહીં થયું છે. એમાં આહ્‌લાદક નીવડનાર સાક્ષાત્‌ અનુભવોનું આલેખન ઓછું અને રૂઢતા વિશેષ છે, અલંકારની જાણીતી તરકીબોને વર્ણનમાં યોજી હોવાથી એ સવિશેષ રૂઢ બને છે. આ બે વિસ્તારી રચનાઓ સિવાયની નાની કૃતિઓમાં ઈર્ષા, આળસ લોભ, ભલાઈ, પૈસા, કેળવણી જેવા વિષયોને આધારે વ્યવહાર અને નીતિની ઠાવકી બોધાત્મકતા આલેખાઈ છે. કેટલીક કવિતા ઈશ્વરભક્તિની અને શોકાંજલિઓની પણ છે. ક્યાંક એમણે ‘વિદ્વાન’ મિત્રની ફરમાશથી‘ લખી આપેલી ને ક્યાંક સમારંભો દરમ્યાન જ રચી દીધેલી શીઘ્ર કવિતા છે. પાદપૂર્તિઓ રૂપે પણ એમણે કવિતા કરી છે. આ સર્વમાં ચમત્કૃતિની અને સરળતાની આરાધના છે. સરળ કવિતા માટેનો આગ્રહ તો ખબરદામાં છેક સુધી ટક્યો છે. વાચકને કવિતા તરત સમજાય એની સતત કાળજી પણ એ રાખતા રહ્યા છે. ‘કાવ્યરસિકા’ના લગભગ પ્રત્યેક પૃષ્ઠનો લે-આઉટ કોઈ પ્રકૃતિદૃશ્ય કે કોઈ ડિઝાઈનનું ચિત્ર, ઘણા મોટા ટાઈપમાં છાપેલું શીર્ષક, છંદનામ, કાવ્ય અને એની નીચે શબ્દાર્થો ને સમજૂતીઓ આપતાં ટિપ્પણો – એમ લાક્ષણિક રીતે સજાવેલો છે. આ ટિપ્પણોેની કેટલીક ખાસિયતો જોવા જેવી છે. કવિતાને સુબોધ બનાવવા શબ્દાર્થ તો ખબરદાર નોંધે જ છે, એક વાર આપી દીધેલો શબ્દાર્થ એ ફરીથી પણ આપતા હોય છે, પરંતુ આ ટિપ્પણો વિશેષે તો, પ્રાસ મેળવવા ખાતર કવિએ શબ્દને મારી-મચડીને ગોઠવ્યો હોય, એને વિકૃત કર્યો હોય ને એને કારણે શબ્દાર્થ કે પંક્તિનો અન્વય દુર્બોધ બનતો હોય એની સમજૂતી માટે આપેલાં છે! ક્યારેક ચમત્કૃતિપૂર્ણ અન્વય કર્યો હોય, શ્લેષગૂંથણી કરી હોય તો એ સમજાવવા પણ ટિપ્પણમાં નોંધ મૂકી હોય! આમ, કરામત કરી એને ઉકેલી આપવાનું, મનોરંજક કોયડો રચી એને ખોલી આપવાનું વલણ પણ એમાં છતું થાય છે – કવિતાને આવાં અનેક પ્રયોજનથી એમણે પેશ કરી હોય છે. આરંભકાળની કવિતા કોઈ ઊંડાણ સિદ્ધ ન કરતી હોય એ તો કદાચ સમજી શકાય, પણ એમાં તરલ-તીવ્ર સંવેદનની પણ ગેરહાજરી હોય તો એ આશ્ચર્યજનક, બલકે ચિંતાજનક બને. શરૂઆતના આ પદ્યફાલમાં ખબરદારની વૈયક્તિક સંવેદનાનો કોઈ વિશિષ્ટ ઉન્મેષ વરતાતો નથી. પ્રકૃતિનાં વર્ણનોમાં પણ એમની લાગણી ગૂંથાતી હોય એવું અનુભવાતું નથી – સૃષ્ટિસૌંદર્યનું દર્શન-આલેખન પણ ખબરદારમાં કોઈ ઊર્મિ-ઉદ્રેક પ્રગટાવતું નથી. દલપતરામના અવસાન વિશેના એક કાવ્યમાં ચરિત્રાત્મક વિગતો છે, નિરૂપણમાં દલપતરામની જ કાવ્યશૈલીગત પ્રયુક્તિઓનું અનુકરણ છે, પણ કવિનો કોઈ લાગણીઅંશ એમાં ઝીલાયો નથી. ‘ફાર્બસવિરહ’માં દલપતરામે આત્મલક્ષી ઊર્મિનો જે સમૃદ્ધ ઉન્મેષ પ્રગટાવ્યો હતો એવી કોઈ સંવેદના ખબરદારના આ કાવ્યમાં પ્રગટ થઈ નથી. દલપતરામ પાસેથી એમણે, આ મુગ્ધવયે પણ, કેવળ ઠાવકી બોધકતાનો જ ગુણ ગ્રહ્યો એને કારણે વૈયક્તિકતાનીને બદલે આટલી હદે પર-લક્ષી દિશામાં તે વળી ગયા. શરૂઆતની કવિતાના આવા બંધારણે એમને છેક સુધી એક મોટું નુકસાન પહોંચાડ્યું છે – એમની કવિતા પરોપજીવી રહેવા તરફ જ વિશેષ ઝૂકતી ગઈ છે. દલપતરામનું અનુકરણ કરનારની એક લાક્ષણિક મર્યાદા, ખબરદારની કવિતાની ચર્ચા સંદર્ભે આનંદશંકરે નોંધી છેઃ ‘દલપતરામનાં અનુકરણ જેઓએ કર્યાં છે તેઓ એમનો વાર્તારસ અને હાસ્યરસ ઉપજાવી શક્યા નથી – માત્ર નીતિબોધ ઉતારી શક્યા છે અને તેથી એ અનુકરણ બહુધા કવિતાના પ્રદેશમાંથી બહાર ચાલ્યું જાય છે.’૭ પાછળથી એમના ગદ્યમાં ને પ્રતિકાવ્યોમાં સારી નર્મ-મર્મશક્તિ દર્શાવનાર ખબરદારની વિનોદવૃત્તિ આ પ્રારંભિક કવિતામાં કેમ ઝબકી નહીં હોય એનું આશ્ચર્ય થાય છે. ‘કાવ્યરસિકા’ની પ્રસ્તાવનામાં વ્યક્ત થયેલી વિચારણામાં ઘણી પુખ્તતાછે – આ વયે તો એમની સમજ માન ઉપજાવે એવી છે. પરંતુ, આ પ્રસ્તાવનામાં કરેલી કાવ્યચર્ચામાં અને ‘અસાધારણ લાગણીની અસાધારણ ભાષા’ એવી વ્યાખ્યામાં વ્યક્ત થતો એમનો આદર્શ એમની પોતાની કવિતામાં ક્યાંય ચરિતાર્થ થયો નથી. લાગણી અને ભાષાનું સાધારણ્ય અને વૈયક્તિકતાનો અભાવ એમાં વધુ દેખાય છે. ભાષાની શિષ્ટતા અને વર્ણનાત્મક કવિતામાં ક્યાંક જણાતાં ચારુ શબ્દચિત્રો ‘કાવ્યરસિકા’ના જમાપક્ષે રહે છે. આ પહેલા સંગ્રહ પછી બાકી રહેલો પેલો બે ભાગ જેટલો તૈયાર કાવ્યરાશિ એમણે બીજા સંગ્રહમાં સમાવ્યો લાગતો નથી. કાવ્યની કંઈક વધેલી સમજ અને વિવેકથી એમણે એવી રચનાઓનો ઘણે અંશે પરિહાર કર્યો જણાય છે. કારણ કે ‘વિલાસિકા’(૧૯૦૫)માં, ગુજરાતી કવિતામાં આરંભાયેલા લિરિક પ્રકારની કૃતિઓના ઠીકઠીક નમૂના મળે છે. જો કે, આવાં ઊર્મિકાવ્યો–ગીતો તરફ વળવામાં પણ ખબરદારનું વલણ પ્રચલિત કાવ્યરીતિને ગ્રહવાનું જ વિશેષપણે તો જણાય છે. આ પરિવર્તન ખબરદારની કાવ્યરીતિને ખાસ સદ્યું લાગતું નથી. સુંદરમ્‌ કહે છે એમ ‘ભાષાનું ઔચિત્ય, શબ્દશક્તિ, કલ્પનાબળ અને રસતત્ત્વ’ની દૃષ્ટિએ એમની કચાશો એમાં વધુ ઊભરી આવી છે. આ કવિતા અલંકારપરસ્ત વિશેષ છે અને આ અલંકરણ ને એમાં ગૂંથાતી કલ્પના કાંતો રૂઢતાના અંશોવાળી હોય છે, કાં તો એ વ્યર્થ તરંગ અને સામાન્ય કોટિ (conceit)ની કક્ષાએ રહી જાય છે. કલ્પનાનો પ્રાદુર્ભાવ ક્યાંક રમણીય બની આવે છે, પણ આગળ વધતાં એ તરંગની કક્ષાએ પહોંચી જતાં અસંગત બની રહે છે. એક કાવ્યમાં, પ્રિયતમાનાં આસુંને હૃદયમાં સંઘરેલાં પ્રીતિમોતી કહેવાયાં છે. અહીં સુધી તો કલ્પના કવિત્વવાળી લાગે છે પણ જ્યારે કવિ કહે છે –

ગમે ત્યારે પ્રિયા ગોતી હૃદયથી ક્‌હાડ એ મોતી!
સદા તે પ્હેરજે કાને હૃદયની વાત સુણવાને.

ત્યારે સંગિત ગુમાવતો તરંગ કેવળ હાસ્યાસ્પદ બની જાય છે. ‘પ્રેમનું ઘડિયાળ’ ત્યારે નામના એક કાવ્યમાં તો અલંકરણ બેહૂદા સમીકરણમાં સરી પડેલું છે. નરસિંહરાવે એને ‘અલંકારની શુદ્ધ કૃત્રિમતાનું ઉત્તમ ઉદાહરણ’ કહ્યું છે!૮ અલંકારાદિની આ રૂઢતામાંથી બચી ગયેલાં, ક્યાંક રુચિર કલ્પનાના અંશોવાળાં કેટલાંક કાવ્યો તારવી શકાય : ‘ચંબેલી’, ‘સરિતા કિનારે’, ‘સનાતન અંધકાર’, ‘દમણગંગા’, ‘અમે’, ‘કવિ નર્મદનું મંદિર’ ઇત્યાદિ. આ કાવ્યોમાં ઉત્કૃષ્ટ કલ્પનાશક્તિનો તો કોઈ આહ્‌લાદક અનુભવ થતો નથી, પણ કવિની ઘણી મર્યાદાઓથી એ મુક્ત છે. અભિવ્યક્તિની પ્રવાહિતા, ભાવનું માધુર્ય, વર્ણનનું સૌંદર્ય એમાં અવશ્ય જણાય છે. ‘અમે’ની આ પંક્તિઓ આમ તો સાદી, સરલ છે પણ એમાંનો, છંદોલય અને ક્રિયાવૈવિધ્યથી ઊભો થતો, પ્રસન્નતાનો અનુભવ જરૂર આસ્વાદ્ય છેઃ

અમે સૂરજ સાથે ફરિયે, કદી ચંદાનો ધરી હાથ.
કદી તારકમાંહિ વિસરિયે, કદી ભીડિયે નભશું બાથ.

‘વિલાસિકા’ની કવિતાની સૌથી આશ્વાસક ઘટના એ છે કે એમાં ઘણી જગાએ સંવેદનાનો સ્પર્શ છે. પ્રકૃતિના અને પ્રેમના અનુભવોની કવિતામાં આવો ઊર્મિ-સંસ્પર્શ વરતાય છે. પ્રકૃતિતત્ત્વોની હૂંફમાં લૌકિક દુઃખોને ભૂલી જવાની નર્મદ પ્રકારની સંવેદના અને પ્રકૃતિમાં દિવ્યતા અનુભવવાની નરસિંહરાવ પ્રકારની સંવેદના પ્રકૃતિકાવ્યોમાં જોઈ શકાય છે. એમાં સંવેદન ની વૈયક્તિકતા પણ પ્રગટ થઈ છે. વિવિધ છંદોના પ્રયોગો કરવાનું પણ આ સમયથી ખબરદારે આરંભેલું છે. ‘કાવ્યરસિકા’માં મનહર, ચોપાયો, દોહરાનો વ્યાપક ઉપયોગ થયેલો છે – એક ‘વર્ષાવર્ણન’માં જ વિવિધ ગણમેળ છંદો યોજાયા છે. ‘વિલાસિકા’માં વધુ વ્યાપકતાથી ગણમેળ છંદો પ્રયોજાય છે. એ ઉપરાંત, પ્રચલિત છંદોમાં આછા-અમથા ફેરફારો કરીને, એનું રચનાતર કરીને, એને નવા છંદોનું નામ આપવાનો ઉત્સાહ ને યશાકાંક્ષા એમણે દર્શાવ્યાં છે. આવા રચનાંતરથી છંદના મૂળ તત્ત્વમાં ઝાઝો ફેરફાર થતો નથી. તોટકના બંધારણમાં થોડોક ફેરફાર કરીને રચેલો ‘દિવ્ય’ છંદ એમનાં આ પછીનાં રાષ્ટ્રભક્તિનાં ને શૌર્યનાં કાવ્યોમાં કંઈક અસરકારક નીવડ્યો છે. એ સિવાય આવી કેટલીક નવીન છંદ–રચનાઓ બહુ સુભગ પણ બની નથી. ખબરદારની કવિતા આરંભથી જ ઠીકઠીક પ્રમાણમાં પરપ્રેરિત રહી છે. ’વિલાસિકા‘માં ગુજરાતી કવિતા ઉપરાંત શેલી, વડર્‌ઝવર્થ, ટેનિસન આદિની કવિતાની છાયા, ક્યાંક તો સીધાં અનુકરણો, જોવા મળે છે. ’વિલાસિકા‘નું વિસ્તૃત અવલોકન કરતાં નરસિંહરાવે આવાં કેટલાંક સ્થાનોની ચર્ચા વિગતે કરી છે. ખબરદારની આરંભકાલીન કવિતા, આમ, ઘણી વિલક્ષણ છે. સમયપણે જોતાં એ ઘણી કાચી કવિતા છે. પુરોગામી અને સમકાલીન કવિઓની સિદ્ધ કવિતાની – એ ફાલેલાં વૃક્ષોની – છાયા તળે એ ઉછરતી-વિચરતી રહી છે. પદ્યત્વને સિદ્ધ કરવા તરફ એમનું લક્ષ હૃદથી વધારે રહ્યુું છે ને સાચા કાવ્યત્વની સાધનાને એમના ઉત્સાહે શક્ય બનવા દીધી નથી. એવું કોઈ સર્જકબળ, કે ઓછામાં ઓછું, આ મુગ્ધ વયે હોવા ઘટે એવો થોડાક કાચો-પાકો પણ, હૃદ્‌ગત સંવેદનાનો ઉછાળ પણ ખબરદારમાં ઝાઝો જોવા મળતો નથી, કવચિત જ એ ઝબકે છે ને પછી પદ્યના પથરાટમાં હેઠળ ક્યાંક ખોવાઈ જાય છે. એક પારસી લેખક તરીકે, એમની આરંભકાલીન કવિતાનું વિવેચન પણ કંઈક ઉદાર ભાવે થયું છે. આનંદશંકર અને નરસિંહરાવ બંનેએ એમની કવિતામાં સર્જકતાની ઊણપને અને ભાષાની અશુદ્ધિને નોંધ્યાં હોવા છતાં, એ પારસી હોવાના વિશિષ્ટ સંદર્ભે એમની કવિતાને પ્રેરી પ્રોત્સાહિત કરી છે. આમ, નાની વયે મળી ગયેલી પ્રસિદ્ધિએ, તથા ઓછા સર્જકબળ પર સવાર થયેલા, પદ્યની બાહ્ય લાક્ષણિકતાઓને સિદ્ધ કરવાના ઉત્સાહે ખબરદારને કાચા અતિલેખન તરફ દોર્યા. આ બધાએ, એમની કવિતાના વિકસિત તબક્કાઓમાં પણ, કેટલેક અંશે તો એમની સર્જકતાને કુંઠિત જ રાખી છે.