ખબરદાર : ગુજરાતી ગ્રંથકાર શ્રેણી/લાક્ષણિક ઉન્મેષ : પ્રતિકાવ્યો
લાક્ષણિક ઉન્મેષ : પ્રતિકાવ્યો
પ્રતિકાવ્યો ખબરદારની કવિતાનો એક અત્યંત લાક્ષણિક ઉન્મેષ છે. એમની અન્ય કવિતામાં જે રચનાકળાગત મર્યાદાઓ અને શૈથિલ્ય જોવા મળે છે તે આ કાવ્યોમાં લગભગ અદૃશ્ય થયેલાં જણાય છે. કાવ્યપદાર્થ અંગેના ખબરદારના કેટલાક અભિગ્રહોમાંથી જન્મેલો ઉદ્રેક, એમના કેટલાક ચુસ્ત મતાગ્રહોનો આવેશ, એમની નારાજગીમાંથી પ્રગટેલાં આક્રોશ અને કટાક્ષ તથા એમની પારસી રમૂજવૃત્તિ આ પ્રતિકાવ્યોમાં યથાતથ ઊતર્યાં છે. એક જબરદસ્ત સંડોવણી(envolvement)થી એ આ પ્રકારની કવિતા લખવા પ્રવૃત્ત થયેલા જણાય છે. આ બધાને પરિણામે એમના ઉદ્દેશને અનુરૂપ ભાષાભિવ્યક્તિ, છંદયોજના, કાવ્યબાની આદિનો તે ખૂબ સહજતાથી અને ઘણી સફળતાથી વિનિયોગ કરી શક્યા છે. ગુજરાતીમાં Parodyના કાવ્યપ્રકાર માટે સૌ પ્રથમ વાર ‘પ્રતિકાવ્ય’ સંજ્ઞા યોજીને તથા આ પ્રકારને સૌ પ્રથમ ખેડીને અને એ પ્રકારની કવિતામાં આજ સુધી અદ્વિતીય ગણાય એવી રચનાઓ કરીને એમણે આ ક્ષેત્રે મહત્ત્વની સિદ્ધિ મેળવી છે. પ્રતિકાવ્યકાર તરીકે એમણે મૂળ કૃતિ અને એના કવિનાં મુખ્ય શૈલીલઢણોને અને કાવ્યરીતિને એના ઝીણા અભ્યાસથી, અને કેટલેક અંશે પોતાની આંતરિક સૂઝથી, લગભગ સાંગોપાંગ ગ્રહી લીધાં છે એ એમની મોટી વિશેષતા છે. કાવ્યરીતિની વિડંબનાથી એની નિષ્ફળતાનો પરિચય કરાવવાની સાથે એમણે ઠીક ઠીક પ્રગટપણે એના ઉપર વિવેચનાત્મક પ્રહારો પણ કર્યા છે. એટલે જ ન અટકતાં એમણે કવિને સાચી દિશા દેખાડવાની ચેષ્ટા પણ કરી છે. આમ મૂળ કૃતિના પ્રતિકાવ્યની સાથે એનો પ્રતિવાદ ને એની મીમાંસા પણ એમાં થતાં રહ્યાં છે. પ્રતિકાવ્યમાં રમૂજ-કટાક્ષની સાથે આવી ટીકા-વિવેચના પણ હોય એ સ્વાભાવિક છે પરંતુ એનો પ્રથમ અને મુખ્ય પ્રભાવ રમૂજ-કટાક્ષનો જ રહે, ટીકા આદિ વ્યંગનિહિત રહે એ સારા પ્રતિકાવ્ય માટે ઈષ્ટ સ્થિતિ ગણાય. આ દૃષ્ટિએ જોતાં ખબરદારનાં પ્રતિકાવ્યોના કેટલાક અંશો સૂચકતા, સમતોલન ાને સંયમ ગુમાવતા પણ જણાશે. એટલે અંશે એ નિર્બળ રચના ગણાય. પરંતુ સમગ્રપણે તો એ ખબરદારના કવિવ્યક્તિત્વનું એક નોંધપાત્ર પરિમાણ ઉપસાવી આપતું એમનું મહત્ત્વનું અર્પણ છે. સૌ પ્રથમ, ઈ. ૧૯૨૦ના ‘સાહિત્ય’માં ‘મોટાલાલ’ના પ્રચ્છન્ન નામે અપદ્યાગદ્યમાં લખાયેલી ન્હાનાલાલની કૃતિ ‘ગુજરાતનો તપસ્વી’નું પ્રતિકાવ્ય ‘પ્રભાતનો તપસ્વી’ એમણે લખ્યું. એણે તે વખતે ઘણી ચહલપહલ મચાવેલી. એ પછી તો એમણે જુદાં જુદાં પ્રચ્છન્ન નામોથી ન્હાનાલાલ, બળવંતરાય, રામનારાયણ પાઠક, નરસિંહરાવ આદિનાં કાવ્યોની અને કાવ્યરીતિની વિડંબના કરતાં અન્ય કેટલાંક પ્રતિકાવ્યો પણ લખ્યાં. એ સૌમાં ન્હાનાલાલની કાવ્યરીતિની વિડંબના કરતાં ‘પ્રભાતનો તપસ્વી’ અને ‘કુકકુટદીક્ષા,’ બળવંતરાયના અગેય પદ્ય પરના કટાક્ષરૂપે લખાયેલા ‘અવરોહણ’ અને ‘ન્યાતનું નોતરું’ તથા સમકાલીન કવિતાની મર્યાદાઓ પર અને કવિઓની દાંભિકતા પર કટાક્ષપ્રહારો કરતા ‘છપ્પા’ વધુ નોંધપાત્ર છે. આ ઉપરાંત હાસ્ય-કટાક્ષનાં કેટલાંક કાવ્યોમાં પણ પ્રતિકાવ્યના નોંધપાત્ર અંશો જોવા મળે છે.
છસો જેટલી પંક્તિઓમાં ફેલાયેલું ‘પ્રભાતનો તપસ્વી’ કાવ્ય ‘આંગણામાં પચ્ચીસ વખત પાણી છંટાવો’ એવી પંક્તિથી આરંભાય છે એમાં ન્હાનાલાલની મૂળ કૃતિની સમાંતરે ચાલતો રમૂજ-વિસ્ફોટ ખૂબ આકર્ષક બને છે. ન્હાનાલાલની લયભંગિને કવિ સરસ પકડી લે છેઃઅરે એ કોણ છે એવોક?
સાધુસંતને ઊઠાડનારો,
નિશાળિયાને જગાડનારો,
ચંદ્ર અને તારાને પણ ડરાવનારો,
હરાવનારો સારી રાતના
ઘોર અંધકારને પણ
એ કોણ છે એવોક?
નાયકનું નામ પ્રગટ થાય એ પહેલાં આવતું એનું જિજ્ઞાસાવર્ધક વર્ણન અહીં પ્રભાતના ‘તપસ્વી’ કૂકડાના સંદર્ભે, પરપોટા ઉપસાવીને તોડવાની પદ્ધતિએ થયું છે એ પણ એટલું જ નોંધપાત્ર છે. ન્હાનાલાલની કવિતાની અર્થહીન વાગ્મિતાની અહીં વિરોધી ચિત્રથી ઊભી કરેલી વિડંબના પણ સરસ છેઃ
શૃંગાર રસનો મહાવિલાસી છતાં
મહાઘોર એ તો સંન્યાસ પાળે છે
ખબરદારનું આ કાવ્ય ન્હાનાલાલની કૃતિની વિષયસામગ્રીની નહીં પન કાવ્યરીતિની – શૈલીની – વિડંબના છે એથી અહીં અપદ્યાગદ્યને જ કેન્દ્રમાં રખાયું છે. કાવ્ય ક્રમશઃ રમૂજ–કટાક્ષમાંથી ટીકા-વિવરણ તરફ ખસતું જાય છે. એની વચ્ચે, શૈલીની જ મદદથી શૈલીની વિડંબના કરતા કેટલાક સરસ અંશો મળે છેઃ
ભયંકર સમાસોની ભીષણ ગર્જનાથી
નભોમંડપ ગડગડી ઊઠ્યું
આશ્ચર્યચકિત નયને મંદરસિક નિરખતા,
ને ચિંતાપૂરિત નયને પૂર્ણરસિક વિમાસતા,
કે શું થાય છે, ને શું થશે?
પરંતુ લગભગ ત્રણસોક પંક્તિ પછી, ‘પણ વીરેન્દ્ર! સબૂર!’થી શરૂ થતા ખંડમાં ન્હાનાલાલની શક્તિઓ ખોટે માર્ગે વળ્યાની ફરિયાદ કરતું ને નિયમબુદ્ધ કાવ્યરચનાની તરફદારી કરતું બયાન આરંભાય છે જે આ પ્રકારની કવિતામાં અપેક્ષિત એવો રસ ટકાવી રાખી શકતું નથી. પંક્તિખંડોને સાંધીને વાંચતાં આ અંશ વિવેચનાત્મક નિબંધ જેવો જ લાગેઃ
‘બ્લેંક’ એટલે પ્રાસ રહિત, / ને ‘વર્સ’ એટલે પદ્ય. / પદ્ય એટલે
સ્વર કે તાલની નિયમિતતાવાળી રચનાપરંપરા. / પ્રાસાનુપ્રાસ ભલે
એ પદ્યમાં ના હોય / પણ એ સંપૂર્ણ નિયમ પાળતું પદ્ય તો છે જ.
ન્હાનાલાલનાં શૈલીલક્ષણોની વિડંબના જ નહિ, પદ્યના અન્વયની લાક્ષણિક જાળવવાનું પણ કવિ જાણે અહીં ભૂલી ગયા જણાય છે, કારણ કે, ‘પણ ઓ ભૂલા પડેલા વટેમાર્ગુ! પાછો વળી શોધ ફરી સત્યમાર્ગને !’ એ જ ખબરદારના મનમાં પડેલો આ પૅરડી પાછળનો આશય છે. આવો જ આશય, ન્હાનાલાલના બીજા કાવ્ય ‘બ્રહ્મદીક્ષા’ના ‘કુક્કુટદીક્ષા’ નામે કરેલા પ્રતિકાવ્યમાં પણ રહ્યો છે. પરંતુ અહીં પ્રગટ વિવેચનાત્મક કથનો કરતાં રમૂજ, કટાક્ષ, વિડંબના પાસેથી કવિએ વધુ કામ લીધું છે એટલે પહેલાની અપેક્ષાએ આ કૃતિ વધુ કલાત્મક બની છે. વાગ્મિતાના દબદબાનો એક પેંતરો રચી છેવટે એની તુચ્છતા દર્શાવતી કટાક્ષરીતિ આ કૃતિમાં કામયાબ નીવડી છે. એમાંની વાગ્મિતાનું રૂપ ન્હાનાલાલની જ શૈલીએ રચાતું જાય છે એથી એ વધુ અસરકારક બને છે.
કુકડિયા વ્રત તપતાં તપતાં
વેદોચ્ચારી નિકુંજવાસીઓ
ને મંજુભાષી ચંડોળવાસીઓ
આ પરમ છંદનિકંદનવનના
પ્રાસાદોની ડોલતી ટોચ પર
બેઠા બેઠા ઝોલાં ખાય છે.
અહીં પણ ક્યાંક પેલી પ્રગટ મીમાંસા છે જઃ ‘નિસર્ગશક્તિ તો રહી છે, બન્ધુ!/ નિયમબદ્ધ નવું સ્વરૂપ ઉપજાવવામાં;/ નહીં કે નિયમોના તોડવછોડથી/ ગમે તેવું રૂપ બાંધવામાં.’ પણ પછી આ યુક્તિ રમૂજપ્રેરક આલેખન તરફ વાળી લેવાઈ છે એથી પ્રતિકાવ્યનું સ્વરૂપ એમાં જળવાઈ રહે છેઃ
હસ્તિનું નાક અશ્વનું પૂંછ,
ગર્ધવના કર્ણ ને વાનરના હાથ,
ભેંસનાં શિંગડાં ને કૂકડાનાં પિચ્છ
મેષની દાઢી ને ઊંટની ખૂંધ
એ શંભુમેળાની મહાજાત્રાએ
‘નિસર્ગશક્તિ’થી ઉપજાવેલું
કિયું હશે નવીન પ્રાણી. વારુ?
જો કે આ બંને કાવ્યોના પ્રસ્તારમાં ઘણાં શિથિલ સ્થાનો જોવા મળે છે – પ્રગટ નિવેદનો, ઉદ્બોધનો કે વિવરણોનાં જ નહી, રમૂજ–કટાક્ષના સ્તરનાં પણ. એ સ્તર હંમેશાં બહુ ઊંચું રહેતું નથી, સામાન્યતાનો અનુભવ એ ઘણીવાર કરાવે છે. જ્યોતીન્દ્ર દવેએ ‘એ તો હતી એક ભેંશલડી’માં રમૂજની જે છોળ ઉડાડી છે તે, ન્હાનાલાલ વિશેનાં ખબરદારનાં આ પ્રતિકાવ્યોમાં ઝાઝી અનુભવાતી નથી. જ્યોતીન્દ્રે ‘કૅરીકેચર’ (ઠઠ્ઠાચિત્ર)ના તત્ત્વનો ઉપયોગ કર્યો છે એ તો કવિના આ કાવ્યમાં ગેરહાજર જ છે. પ્રેમાનંદના ‘મામેરું ની શૈલીએ ‘ક્ષેમાનંદ ભટ્ટ’ એવા નામે લખેલું ‘સાંબેલુ’માં પણ નાનાલાલની કાવ્યશૈલી પર જ કટાક્ષ છે. નરસિંહ મહેતાની વેલના વર્ણનની પદ્ધતિએ ચાલતી ને ડોલનશૈલીની સરસ વિડંબના કરતી કેટલીક પંક્તિઓ ઘણી આકર્ષક છેઃ
કળહીણા શબ્દો શું ઝીલે? ઘેલે ઘેલાં સાથ જી
તાલ તજાવે ને ઢાળ ડુબાવે, જે જે વૈકુંઠનાથજી,
એક લીટી લાંબી થઈ સૂએ બીજી ચમકી જાયજી
દિશા દિશાના દેવ બોલાવે કૌતુક મોટા થાયજી!
અક્ષરમેળ માત્રામેળ કૂટે સૂચવે કવિતાચક્રજી
નાનાલાલની મુગ્ધ વસંતભક્તિ પર સબળ કટાક્ષ કરતી એક પંક્તિ તો ઉત્તમ વિડંબનાના નમૂના રૂપ છે :
કવિશ્રી કહે, અમે સૌ જોગવશું, નવ દેખાડો દંતજી,
સાંબેલુ નક્કી શણગારવું સામે આવી વસંત જી !
પરંતુ, નરવા અને રુચિર હાસ્યકટાક્ષમાં ચાલતું આ કાવ્ય છેલ્લી પંક્તિમાં અપરસ ને કટુતા વ્યક્ત કરી બેસે છે એ કમનસીબ છે.
બળવંતરાયના ‘આરોહણ’ની પૅરેડી રૂપે વલ્કલરાયના નામે લખેલું ‘અવરોહણ ખબરદારનું આ પ્રકારનું સર્વોત્તમ કાવ્ય છે. ઠાકોરના અગેય પદ્ય અને પૃથ્વી છંદના પ્રયોગની એમાં સરસ ટીકા-વિડંબના છે. ઠાકોરની શૈલીના છંદોભંગ દુર્બોધ અન્વય, કર્કશ થતા વિન્યાસ, શબ્દની તોડફોડ ને તરડમરડ આદિલક્ષણોને આબાદ પકડીને ખબરદારે ઉપહાસને બરાબર ઉપસાવ્યો-જમાવ્યો છે. આ કાવ્યમાં મૂકેલાં અનેક ટિપ્પણો દ્વારા બળવંતરાયના ગદ્યની પણ પેરડી રચી છે એ ખૂબ નોંધપાત્ર છે. આવાં ટિપ્પણથી એકાધિક હેતુ ખબરદરે સિદ્ધ કર્યા જણાય છે.
‘અવરોહણ’ શીર્ષકમાં જ, ઠાકોરના અગેય પદ્યના પ્રયોગો ગુજરાતી કવિતાને ઉન્નતિકર નહીં પણ અવનતિકર બનીને નિષ્ફળ નિવડ્યા છે એવી વ્યંજના છે. એક ટિપ્પણ મૂકીને એમણે આ ઉદ્દિષ્ટનું સરસ કટાક્ષરૂપ રચ્યું છેઃ ‘અવરોહણ=ઉતરાણ. આવાં ચિત્રો ડુંગરને ખૂંદી નાખ્યા વગર મળતાં નથી. અથ ચ, ડુંગર ખોદીને ઉંદર કાઢનારા મહાપુરુષોનાં સત્યદર્શન ડુંગર પર ગયા વિના પામી શકાતાં નથી!’ ‘અથ ચ’ માં બળવંતરાયની શૈલિભંગિ પણ બરાબર પકડાઈ છે.
પર્વતની ઉબડખાબડ, ઝાડીઝાંખરાંવાળી શુષ્ક ભૂમિ પર અવરોહણ કરનારના અનુભવકથનની રીતિ સ્વીકારીને એમણે ક્યાંક શ્લેષની મદદથી, ક્યાંક ઠાકોરની શૈલીના યથાતથ અનુકરણથી ને ક્યાંક તો સ્પષ્ટ ઉદ્બોધનોથી અગેય પદ્ય અને પૃથ્વીપ્રયોગો વિશેના પોતાના પ્રતિભાવો બલકે પ્રતિક્રિયા આલેખ્યાં છે. પૃથ્વીની દોઢસો પંક્તિઓના આ કાવ્યમાંથી સમગ્રપણે એક ઠઠ્ઠાચિત્ર પણ ઊપસે છે. કટાક્ષ અને વિડંબના વિશેષ નોંધપાત્ર બને છે ત્યાં કાવ્યાંશો વધુ આસ્વાદ્ય નીવડ્યા છે. શ્લેષને આધારે પૃથ્વી-પ્રયોગોની વિડંબના કરતી પંક્તિઓ જોઈએઃ
પદે પદ વળું, દિસે ઉકરડા તણા ઢગ સમું,
અને જહિં તહિં ખસે લઘુગુરૂ સ્વરોની કણી
અહા! થઈ જ ઝાડી, નિર્જલ તપે બધી ભોમ શું!
અગેયત્વનો પ્રતિવાદ ઠાકોરની જ કાવ્યશૈલીને બરાબર ઉપસાવતી પંક્તિઓ વડે થયો છે ત્યાં વિડંબન બહુ લાક્ષણિક બન્યું છેઃ
તમે ફસી વસી રહ્યા બસ અગેય ભ્રાંતિ મહીં
અધીર મદડોલ – જે મગજતેલ આ જાતનું,
વળી રચન-માપ-અંક, સુર મૂળ રાગોતણા
ડુબાડી, ડુલવી વળી ગુંચવી પંક લોઢાડીને
ધરંત કવિનામભોગ્ય ભ્રમભગ્ન આધાશીશી!
કાવ્યના અંતની પંક્તિઓ કંઈક નાટ્યાત્મક છે. અવરોહક ગબડી પડે છે એવા વર્ણનમાં પૃથ્વી છંદ સાથે લેવાયેલી અતિશય છૂટ પરનો, વિલક્ષણ શૈલીપરનો તથા પ્રયોગાખોરીથી કવિની સાથે જ ગુજરાતી ભાષાની પણ થતી અવનતિ પરનો કટાક્ષ માત્ર બે પંક્તિઓમાં જ કૌશલપૂર્વક ઊપસ્યો છેઃ
અરે ગબડ ગબડ ગબડ ગબડતો પડ્યો પંડ ક્યાં?
અને ધબક ધબક ધબક ગુજરી લે ધબાકા મહા!
આ પ્રકારની કવિતામાં હાસ્યતત્ત્વ ક્યારેક સામાન્યતામાં સરી પડે એવું બનવાની શક્યતાઓ હોય છે જ. અહીં એવું ઠીક ઠીક વાર બન્યું છે – ખબરદારની હાસ્યકટાક્ષશક્તિ અમુક એક હદથી ઊંચે જઈ શકી નથી. ક્યાંક અપરસવાળી, અરુચિકર પંક્તિઓ પણ મળે છે – અલબત્ત, એવાં સ્થાનો જવલ્લે જ છે. આખી રચના પ્રતિકાવ્ય તરીકે આસ્વાદ્ય તો બને જ છે. ગુલબંકીમાં લખાયેલ ‘ન્યાતનું નોતરું’ પણ બળવંતરાયની જ કાવ્યરીતિશૈલી આદિ પરની પૅરડી છે. અહીં ન્યાતમાં જમતા અકરાંતિયા બ્રાહ્મણનું સ્વતંત્ર રીતે માણી શકાય એવું એક ઠઠ્ઠાચિત્ર પણ ઊપસ્યું છેઃ ‘લાડવા તણા પહાડ’ અને ‘બાસુંદી તણી નદી’ પેટમાં ઠલવાયા પછી થયેલા અજીર્ણનું આ કૅરિકેચર કોઈ કાર્ટુનિસ્ટનેય પ્રેરક નીવડે એવું બન્યું છે!–
આઠ નવ જણે ધરી પછી પછી મને ઉઠાડિયો
પાય પીઠ ચોટલીથી ઊંચકી ઉખાડિયો
ગાડી લાવી દાબી દુબી, તે મહીં પછાડિયો!
બાર બાર ગામથી વિભટ્ટ વૈદ આવિયા,
બાર બાર ઊંટપીઠ સૂંઠ બાંધી લાવિયા.
કવાથ કૈં પચાવડા કરી ભરી જમાવિયા.
મુખે બતો છતો મૂકી ખવાડી સૂંઠ જોરથી,
પાવડા ભરી પિવાડિયા જ કવાથ પ્હોરથી,
ગામ ગાજી ત્યાં રહ્યું કઠોર કંઠશોરથી!
આવા કૅરિકેચરને કારણે ઠાકોરની કાવ્યપ્રવૃત્તિ પરના પ્રહારો મુખર થવાને બદલે કટાક્ષગર્ભિત રહી શક્યા છે. અલબત્ત, અહીં પણ ટિપ્પણોની મદદથી એમણે કેટલુંક પ્રગટ–અર્ધપ્રગટ રીતે કહી નાખ્યું છે. પ્રસ્તારે કાવ્યની અસરને ઓછી કરી છે ને ક્યાંક ‘માપહીન છંદહ્રાસ, લાડુહીન ભૂખત્રાસ’ પ્રકારની કેટલીક પંક્તિઓમાં કાવ્યવિષય અને કવિતાના ઉદ્દીષ્ટને મારી-મચડીને જોડવાં પડ્યાં છે. એથી સ્વીકારેલી પદ્ધતિનું સ્વારસ્ય જળવાયું નથી. રામનારાયણ પાઠકનાં કાવ્યોની પણ પૅરડી કરતી બે–ચાર ટૂંકી રચનાઓ ખબરદારે કરી છે એ બહુ અસરકારક થઈ નથી. એમાં શબ્દધ્વનિની આયાસી નકલથી આગળ જઈ શકાતું નથી ને એ ઉપરાંત એમાં દ્વેષબુદ્ધિપ્રેર્યાં અરુચિકર તત્ત્વો વિશેષ છે. ‘અવરોહણ’ આદિમાં પણ કેટલેક ઠેકાણે રામનારાયણ પર એમણે કટાક્ષો કર્યા છે. અખાના છપ્પાની શૈલીને પહેલીવાર હાસ્યકટાક્ષની કવિતામાં અજમાવતા ખબરદારના ‘લખા ભગતના છપ્પા’માં કવિઓ અને સાક્ષરોની દાંભિકતા, સાહિત્યમાં વાડાબંધી, બળવંતરાય – ન્હાનાલાલના તત્કાલીન કાવ્યપ્રયોગો આદિ પર કટાક્ષ છે. (એમણે લખેલી, પણ ગેરવલ્લે ગયેલી, ‘લખેગીતા’ નામની ચારેક હજાર પંક્તિની આ કૃતિમાંથી ‘સ્મારક ગ્રંથ’માં તો કુલ સાઠ-પાંસઠ પંક્તિના ૧૮ છપ્પા જ પ્રકાશિત થયેલા છે.) અખાની શૈલીને ખબરદારે ઠીક ઠીક ગ્રહી છે, પણ આ છપ્પાઓ બહુ અસરકારક લાગતા નથી. છપ્પાના સ્વરૂપની ગુંજાયશ એમાં પ્રગટ થઈ શકી નથી. અખાના છપ્પા જેવા કટાક્ષબળ, દૃષ્ટાંતશક્તિ કે અભિવ્યક્તિની વેધકતા પણ અહીં ઉપસ્યાં નથી. ખબરદાર પછીના કેટલાક કવિઓ છપ્પા સ્વરૂપનો હાસ્ય કટાક્ષની કવિતામાં વધુ અસરકારક વિનિયોગ કરી શક્યા છે. (તાજેતરની ધીરુ પરીખની આવી રચનાઓ આ દૃષ્ટિએ રસપ્રદ છે.) એટલે છપ્પા પરત્વે ખબરદારનું મહત્ત્વ વધુ તો ઐતિહાસિક જ લેખી શકાય. અપદ્યાગદ્ય અને અગેય પદ્યના પ્રયોગોએ એ સમયે ઠીક ઠીક ઊહાપોહ જન્માવેલો. ખબરદારને એ પ્રયોગો અનુપકારક અરાજકતા ફેલાવનારા ને હાસ્યાસ્પદ લાગેલા એથી તે પ્રતિકાવ્યો લખવા પ્રેરાયા. પણ કેવળ વિડંબનથી હસી કાઢવા કરતાં આવા પ્રયોગો વિશેના પોતાના આગ્રહો વ્યક્ત કરવા ને એમ એનો પ્રતિવાદ કરવા તરફ એમણે વધારે ધ્યાન કેન્દ્રિત કર્યું – ‘સહુ વિપથ ગયેલા કવિઓની આંખ ખોલવા’ આ પ્રવૃત્તિ આરંભી હોવાનું એમણે ક્યાંક નોંધ્યું પણ છે. આમ, એમના અભિનિવેશોએ જાણે કે એક ઝુંબેશનું રૂપ ધારણ કર્યું. ‘પ્રભાતનો તપસ્વી’ ‘સાહિત્ય’ માં પ્રગટ થયું તે વખતે ઠીક ઠીક ઊહાપોહ થયેલો એટલે મોટાલાલના છદ્મ નામે જ એમણે ગેરસમજોને દૂર કરતા કેટલાક ખુલાસા કરેલા ને પોતાના આશયને સ્પષ્ટ કરતી ચર્ચા કરેલી. એ પછીના વર્ષે જ ‘સાહિત્ય’માં એમની લેખમાળા ‘ગુજરાતી કવિતા અને અપદ્યાગદ્ય’ પણ છપાયેલી. આમ, આવા પ્રયોગો અંગેની એમની નાપસંદગી અને વાંધાવિરોધ, એમનો આખોયે વિવેચનાત્મક પ્રોટેસ્ટ, પ્રતિકાવ્યથી લેખમાળા સુધી લંબાયો છે. ઉપરની ચર્ચામાં જોયું એમ, આ પ્રતિકાવ્યોમાં આવા વિવેચનાત્મક ઉદ્ગારો પ્રગટપણે પણ થયા છે. આ બધાથી, પ્રતિકાવ્યો ક્યારેક એનું શુદ્ધ સ્વરૂપ જાળવી શક્યાં નથી. એથી કટાક્ષ પણ માર્મિકતા ન જળવાતાં નબળો પડ્યો છે. પરંતુ ખબરદારે ન્હાનાલાલ અને બળવંતરાયની કાવ્યશૈલીઓને એનાં સૂક્ષ્માતિસૂક્ષ્મ તત્ત્વો સાથે અને એના વિલક્ષણ–વિશિષ્ટ લગભગ બધા જ ટોન સાથે એટલી આત્મસાત્ કરી છે તથા છંદભંગિયો અને પદાવલિની લાક્ષણિકતાઓને એવી આબાદ ઝીલી છે કે એના ઉત્તમ અંશોમાં તો આ પ્રતિકાવ્યોમાં પૅરડીનું સ્વરૂપ ખૂબ કૌશલપૂર્વક સિદ્ધ થાય છે. ખબરદારની નર્મ-મર્મ શક્તિનો પણ એ આહ્લાદક પરિચય કરાવે છે.