ખરા બપોર/૬. નાગ
નારાણબાપાની વાડીએ, આંબલી નીચે સૂકા ઘાસના પાથરણા પરથી લોકોનું ટોળું ઊભું થયું અને વિખરાવા લાગ્યું.
એ રાતે કાનાનું કાશી સાથે વિધિસરનું વેવિશાળ જાહેર થયું. દોઢ મહિના પછી ફેરા ફેરવી દેવાનો નિર્ણય ત્યાં જ લેવાયો.
આ બધી ક્રિયા ચાલતી હતી તે દરમ્યાન મેઘજી વાડીના ઝાંપાના દરવાજા પર બેઠો સિગારેટ ફૂંકી રહ્યો હતો. અંદર આવી બધા સાથે બેસવાનું એને અનેક વાર કહેવામાં આવ્યું પણ કશો જવાબ ન વાળતાં, તોછડાઈથી માત્ર ચૂપ બેસી રહી એણે સિગારેટ ફૂંક્યે રાખી.
ધુમ્મસનાં વાદળ જેને નિસ્તેજ બનાવી રહ્યાં હતાં એવો સાતમનો ચન્દ્ર ક્ષિતિજ પર તોળાઈ રહ્યો. ક્યારેક ઝાપટાંમાં ધસી આવતો, વાડીના મોલ પર લહેરાતો, વડ આંબલીમાં ગુંજતો અને થોરની ગીચ ઝાંડીમાં અટવાઈ ગર્જના કરતો પવન ઘૂમી રહેતો.
બધા વાડી છોડી જતા રહ્યા, પણ મેઘજી હતો ત્યાં દરવાજા પર જ બેસી રહ્યો. માવજીએ એની પાસે જઈ એની સાથે હસીને વાત કરવાનું કર્યું પણ મેઘજી ટૂંકો જવાબ આપી બેસી રહ્યો ને વાતાવરણ વધારે ધૂંધવાયું.
ત્યાં તો આંબલી આગળ ઘાસના પાથરણાને છૂંદતી, બળદોની ખરીઓનો અવાજ આવ્યો. બળદોને વાવની કૂંડી તરફ દોરી જતો કાનો આંબલીનાં અંધારાં નીચેની બહાર આવ્યો. એને જોતાં જ મેઘજીનો સિગારેટ પીવા ઊંચો થયેલો હાથ અટકી પડયો. કાનો બળદોને દોરતો મેઘજી આગળથી પસાર થયો ત્યારે મેઘજી ઝાંપા પરથી હેઠો ઊતરતાં એના દરવાજાને ડાબા હાથે ધક્કો મારી વાચમાંના પથ્થર પર જોરથી અફળ્યો. કાનાએ મેઘજી સામે જોતાંની સાથે જ મેઘજીએ સળગતી સિગારેટ એના અંગ પર ફેંકી. કાનો કૂદકો મારીને પાછળ હઠયો અને સિગારેટના તણખા કપડા પરથી ખંખેર્યા. પછી ‘તારી મેઘલાની…સાલા સૂવર!’ની બૂમ પાડી કાનો મેઘજી પર તૂટી પડવા ધસ્યો પણ માવજીએ ઉતાવળે દોડીને કાનાને પોતાની બાથમાં ભીડી રોકી લીધો.
મેઘજી વાડી બહાર, રસ્તાની વચમાં, પાટલૂનના ખિસ્સામાં હાથ ઘાલી ઊભેલો દેખાયો. એણે સિગારેટ સળગાવવા દીવાસળી પેટાવી ત્યારે એને ભડકે એના હાથમાંના છરાની લાંબી ધાર ચમકી ઊઠી.
તરત જ આંબલીનાં અંધારાં નીચે એક તીણી હળવી રાડ સંભડાઈ: ‘કાના!’ અને એ જ ઘડીએ કાંબીઓ રણકતી સંભળાઈ. ઓચિંતાની કાશી આગળ દોડી આવી અને દયામણે સ્વરે કાનાને વીનવવા લાગી ‘રહેવા દે, કાના! રહેવા દે! ભગવાનને ખાતર પાછો આવ!’
ધુમ્મસના એક ઘટ્ટ વાદળાએ પોતાના આવરણમાં ચન્દ્રને લપેટી લઈ એની કાન્તિ હરી લીધી. પવન પણ પોતાનાં અડપલાંને બીજે ક્યાંક દોરી ગયો હતો. વાડીની જીવંત વનસ્પતિ સ્તબ્ધ બની માનવીના મિજાજનું આ કરુણ નાટક જોઈ રહી.
થોડી રાહ જોયા પછી કશું જાણવાજોગ ન બન્યું ત્યારે મેઘજી રસ્તા પર લાંબાં ડગ ભરતો થોરની વાડ પાછળ અદૃશ્ય તયો.
ત્રણે જણ એને જતો જોઈ રહ્યાં. કાશી પોતાના ભાઈ માવજીને ખભે માથું મૂકી રડી પડી.
‘તું નાહકની રડે છે, કાશી! એના જેવા કેટલાય મેઘલાઓને ચપટીમાં ભૂંસી નાખું.’
અને ખરેખર કાનો એવો જ હતો. એ પાંચેક વર્ષનો હતો ત્યારે એનાં માબાપ મરી ગયાં હતાં. પોતાનો ખાસ કંઈ સગો ન થતો હોવા છતાં નારાણબાપાએ એને સગા દીકરાની જેમ ઉછેરીને મોટો કર્યો હતો. અત્યારે કોનો વીસેક વર્ષનો હશે. નારાણબાપાના ચોત્રીસ જણના કુટુંબમાં એ સૌથી વધારે ઉપયોગી હતો. એ આખાય કુટુંબમાં વધારે વધારેમાં ભણેલો હતો. વાડી પરના મહેનતુ કામથી માંડીને મામલતદાર કચેરીના લખાણપટ્ટીનાં અને કાયદાનિ આંટીઘંૂટીવાળાં કામ કાનો જ કરી શકતો.
આમ તો કાનો નારાણબાપાની સૌથી નાની અને લાડકી દીકરી કાશીને પરણે એ ક્યારનું નક્કી હતું. પણ એ અરસે મેઘજી આઠ વરસે આફ્રિકાથી પાછો ફર્યો. એની દોલતથી ને એના ઉપર ઉપરના દીદારથી જમનાકાકી અંજાઈ ગયાં. આંબાડાળે ટહુકતી કોયલ જેવાં વેણવાળી, ફૂટડી અને ઘાટીલી ચપળ અદાભરી કાશીમાં મેઘજીનું મન ચોંટી ગયું. કાશીને મેળવવા મેઘજીને ગાંઠ બાંધી. સગાંવહાલાં અને મિત્રોને મોકલી તે માગાં મોકલતો, નારાણબાપા અને જમનાકાકીને પોતાની અસર નીચે લેતો તેણે આકાશ – પાતાળ એક કર્યાં.
કાશી મેઘજીને જ પરણિ હોત પણ નારાણબાપાના સૌથી નાના દીકરા માવજીએ સંન્યાસી બની જવાની અને કાનાએ એ ગામનું પાની
કાશી મેઘજીને જ પરણી કાનાએ એ ગામનું પાણી હરામ કરી ચાલ્યા જવાની ધમકી આપી ત્યારે નારાણબાપાની આંખ કૂલી. વળી કાશી પણ આખરે શરમ મેલીને જમનાકાકીના ખોળામાં ધ્રુસકે ધ્રુસકે રડી ત્યારે ડોશીને પણ પોતાની ભૂલ સમજાઈ. અંતે કાશી – કાનાનું વેવિશાળ થયું.
એ પછી મેઘજી રોજ રાતે નારાણબાપાની વાડીએ આવતો તે જાણે કશું જ બન્યું ન હોય એમ માવજી અને કાના સાથે હસીને વાતો કરતો. એની આંખે ન ચડવાની કાશી કાળજી રાખતી. પણ ક્યારેક એની ભૂખી નજર નીચેથી ન છટકી શકાય એવી પરિસ્થિતિમાં કાશી મેઘજીની આંખના અગ્નિની દાઝતી, મૂંઝાતી અને પરસેવે રેબઝેબ થઈ જતી.
કોશ ખેંચતો કાનો બળદોને દોડાવતો ત્યારે વાવની પાળે બેઠેલા મેઘજીની નજર વિચિત્ર રીતે કાનાની ગરદન પર મંડાઈ જતી. કાશીએ એક વાર મેઘજીની આંખોમાં એ તીર જોઈ લીધાં.
મેઘજીના ગયા પછી કાશીએ કાનાને કહ્યું: ‘મૂઓ કાકીડાની જેમ રંગ બદલે છે. એનો ભરુસો ન કરતો કાના! મેન એની બીક લાગે છે.’
વહાલભર્યું હસીને કાનો કાશી તરફ જોઈ રહ્યો. તેને પોતાની શક્તિમાં વિશ્વાસ હતો.
પોણા બે મહિના પછી નારાણબાપાની વાડીએ ઢોલ પર દાંડી પડી અને ગુલાલ ઊડવા લાગ્યો. સ્રીઓનાં ટોળાં આવજા કરવા લગ્યાં. ઝાંપા બહારના રસ્તા પર નવાંનોખાં ગાડાં રોજ છૂટેલાં દેખાતાં. વાવની કૂંડી આગળ મોટાં મોટાં ત પેલાં સાફ થતાં. ડેલી બહારના મોટા ચૂલામાંથી બળતા લાકડાનો ધુંવાડો ઊંચે આકાશમાં પહોંચતો.
કાનો અને કાશી પરણી ઊતર્યાં ને બીજે દિવસે બહારના લોકો પોતપોતાને ઠામ પહોંચવા રવાના થયા. તે દિવસે બપોરે મેઘજી ઝાંપાને દરવાજે બેઠો સિગારેટ તાણી રહ્યો હતો ત્યારે કુળદેવતાને પગે લાગી કાનો અને કાશી પાછાં ફર્યાં. એમની સાથે માવજી, રતનભાભી, જમનાકાકી અને આઠેક છોકરીઓનું ટોળું હતું.
કાશી ઝાંપામાં દાખલ થતાં જ મેઘજીને જોઈ અટકી. એણે આભલાના ભરતવાળો રંગબેરંગી કમખો પહેર્યો હતો. હાથ, ગળું, કાન અને નાક સોનાના ભારે દાગીનાથી મઢયાં હતાં. હોઠ પરથી અમૃત છલકાતું હતું. મદભરી આંખોમાં પરિણીત જીવનના પહેલા અનુભવની બેબાકળી યાદ લહેરાતી હતી.
મેઘજીને જોતાં કાશીના હોઠ કંપ્યા. કીકી પર પાંપણો ઢાળી દેતાં એણે માટીથી સાડલાનો છેડો ખેંચીને ઘૂમટો તાણ્યો. મેઘજીની નજર ભાતીગળ સાડલા સાથે અથડાઈને ભોંઠી પડી. એ કૂદકો મારી હેઠો ઊતર્યો ને આટલા બધા લોકોની હાજરીની દરકાર કર્યા વિના ‘મારી શેની લાજ કાઢે છે, કાશી?’ કહેતાં એણે રુક્ષ ઝડપથી કાશીના માથા પાછળથી સાડલો ખેંચતાં એનું મોઢું ખુલ્લું કર્યું. ત્વરાથી મેઘજી તરપ ફરવા જતા કાનાને માવજીએ ફરી એક વાર હાથ પકડીને રોક્યો.
‘મેઘજી!’ રતનભાભીએ રોષમાં કહ્યું: ‘તું તો સાવ આફ્રિકાના સીદી જેવો શરમ વિનાનો છે!’ ટોળામાંની છોકરીઓ બધી હસી પડી. કાશીએ ફરી ઘૂંઘટ નાખ્યો. મેઘજી પણ હસ્યો અને હસતાં હસતાં એણે કાનાને ખભે લગાવી કહ્યું: ‘કાના! પાઘડી અને કેડિયામાં જો તો તું શોભે છે તે! જરા અરીસામાં મોઢું તો જોઈ આવ!’ કહેતો મેઘજી હસતો હસતો બેવડો વળી ગયો.
પોતાથી કશું ન બની શકે એવી વિચિત્ર પરિસ્થિતિમાં કાનો મુકાઈ ગયો. એણે મેઘજીના વ્યંગ અને અપમાનના ઘા સહી લીધા….
….મેઘજી હજી વાડીના ઝાંપાને દરવાજે બેઠો હતો. આફ્રિકાથી પાછા ફર્યાના બધા ઢંગ મેઘજીમાં હતા. એણે ગરમ કપડાનું ઈસ્રીદાર પાટલૂન, મોજાં અને બૂટ પહેર્યાં હતાં. ખુલ્લા ગળાનું અર્ધી બાંયનું રેશમી ખમીસ, કાંડા પર ચમકતું સોનાનું ઘડિયાળ અને માથે બહુ જ ટૂંકા વાળ હતા. એ વાળ એટલા ઘટ્ટ હતા કે એમને ઓળવાની જરૂર નહોતી પડતી! ઝીણી આંખો ઉપર ઝાંખરા જેવી મોટી ભમરો બારી ઉપર છત તોળાય તેમ તોળાઈ રહી હતી. ચીબું નાક, પહોળા ઝીણા સખત બીડેલા હોઠ, નીચેના મોટા જડબાને લીધે ચોરસ આગળ ધસી આવતી હડપચી, માંસલ ગરદન, ગોળ ખભા અને સ્થૂળ બદનવાળો એનો દેખાવ કુતૂહલ પ્રેરતો પણ આંખને જોવો ભાગ્યે જ ગમતો.
વાવની કૂંડી પર અસ્વસ્થ બેઠેલા કાનાની અસ્વસ્થતા પણ જોવા જેવી લાગતી. ખેડૂતો પહેરે છે એવું એક માત્ર ટૂંકું ધોતિયું એણે અત્યારે પહેર્યું હતું. હરહંમેશ સીધું જોતી એની આંખો મોટી સ્વચ્છ અને નિર્દોષ દેખાતી. ચોરસ ખભાવાળી વિશાળ લોખંડી છાતી અને તં સ્નાયુઓવાળી ગરદન પર એના અણિયાળા નાક અને મોટી આંખોવાળો ગોળ ચહેરો ખરેખર શોભતો.
કેટલીય વાર સુધી મેઘજીએ અસ્વસ્થ કાના તરફ જોયા કર્યું. કંટાળીને આખરે હેઠા ઊતરતાં મેઘજીએ ધીરેથિ પાટલૂનના ખિસ્સામાં પોતાના બન્ને હાથ ઘાલ્યા અને એક છેલ્લું વ્યંગભર્યું હાસ્ય કાના તરફ ફેંકતાં એ જતો રહ્યો.
કાનાની નજર મેઘજીની પાછળ પાછળ ગઈ. પછી ખુલ્લા આકાશમાં ઊંચે ચઢતી એની નજર અસ્વસ્થ બેચેનીથી ઠાલી થઈ ગઈ.
બપોરના તાપમાં ચકલીઓ ધોરિયાના પાણીમાં નાહી રહી હતી. આંબલીની ઘટામાંથી નીચે ઊતરતાં અને ઉપર ચડતાં પારેવડાં ગેલ કરી રહ્યાં હતાં. કેળાંની હરોળ પર રંગબેરંગી પતંગિયાંનાં દળ ભમી રહ્યાં હતાં. આવી સુંદર બપોરે કોઈ દહાડો ન અનુભવેલી મૂંઝવણ અને બેચેનીથી કાનાનું મન દુભાઈ ગયું.
દિવસો વીતવા લાગ્યા અને ઋતુઓ પોતાનો મિજાજ બદલવા લાગી.
વહેતા પવન અને વંટોળિયાના દિવસો વીત્યા પછી આષાઢના મેઘ ધરતીને ભીની ભીની કરી ગયા. નારાણબાપાની વાડીએ ધરતીને ટુકડે ટુકડે પ્રાણાંકુર પાંગરતા ગયા.
કાનાએ થોરની ઝાડી આગળ પોતા માટે એક નાનકડી ઝૂંપડી ઊભી કરી. કાશીએ ઝૂંપડીના મોઢા આગળ એક મોટો ઓટલો ચણી એના ઉપર વાંસની છત ઢાંકી. ઓટલાની બાજુમાં બારમાસીના છોડ લહેરાવા લાગ્યા. થોર પરથી કૂદી આવી અમરવેલ ઝૂંપડીની છત પર છાઈ ગઈ.
કાશી આમે નારાણબાપાની લાડકી દીકરી હતી. એના ફાળે વાડીનું રોજિંદું કોઈ કામ નહોતું આવતું. ભાભીઓ કામે ચડી હોય ત્યારે એમનાં છોકરાં કાશી સંભાળતી, પણ કાનો તો દિવસરાત મહેનત કરતો, થાકીને લોથ બની રાતના એ ખાટલે પડતો ત્યારે કાશી બે મીઠી વાતો કરી, એના ખુલ્લા વાંસા પર હાથ ફેરવતી અને એ ઊંઘી જતો. થોરની ઝાડીમાં તમરાં એકધારું બોલતાં ત્યારે કાશીને રાત્રી સજીવ ભાસતી. ઊંઘતા કાનાને આટલો નજીક અનુભવી, એને પોતાના હૃદયમાં સમાવતી મલકાતી અને અભિમાન લેતી કાશી સુખ અને સંતોષની રાત્રીઓ ગાળવા લાગી.
નદીનાં ધોધમાર પૂર ઊતરી ગયા પછી એના સતત વહેતા છીછરા પ્રવાહમાં સ્રીઓનાં ટોળાં નાહવા અને ગેલ કરવા ઊતરી પડતાં.
એક બપોરના કપડાં લઈ નદીએ પહોંચેલી કાશીને પાછા ફરતાં કંઈક મોડું થયું. છેલ્લી સ્રીને કપડાંની પોટલી સાથે ભેખડ ચડતી જોઈ ત્યારે કાશીને સહસા ભાન થયું કે પોતે એકલી હતી. જેમતેમ કપડાં નીચોવી, પોટલી બાંધી, બેબાકળી બની દોડતી કાશી ભેખડ ચડી ગઈ. એનો શ્વાસ ભરાઈ આવ્યો. ત્યાંથી થોડે જ દૂર વહેતો રસ્તો હતો એ વિચારે નિશ્ચિંત બની, કાશી પેલા બે મોટા ખડક બાજુમાં વિસામો ખાવા બેઠી.
એની નજર નદીની રેતી પર દોડી ગઈ.
કેવું સુંદર એકાન્ત સ્થળ હતું?
ભેખડોની બે ઊંચી દીવાલો વચ્ચે નદી પોતાના કિલકિલ વહેતા પ્રવાહ સંતાડતી શરમાતી દેખાઈ. આખરે સ્રીનું હૃદય ને? એ વિચારે કાશી થોડું હસી. નદીના વહેતા પ્રવાહને પોતાની લાગણીઓના પ્રવાહ સાથે સરખાવતાં કાશીનાં પ્રત્યેક અંગે ક્ષોભ પામી ગયાં. સસલો પોતાના દરમાં પેસે તેમ એના મેંદીરંગ્યા નાજુક પગ એના ઘાઘરાની ભાતીગળ કિનાર નીચે સંતાયા. ખભેથી ઓઢણીનો છેડો ઉપર લઈ એણે માથું ઢાંક્યું. એ મીઠા સંકોચને જન્મ આપનારી લાગણી જ્યારે બેકાબૂ બની ત્યારે કાશીના અણુએ-એણુમાં પ્રસરેલું જીવન, જાણે એકઠું થઈ એની છાતીમાં હૂંફાળી રીતે ધસી આવ્યું. પ્રિય લાગે એવી પરવશતાના ઓચિંતા અનુભવથી સ્થિર થઈ ગયેલી કાશી નદી તરફ મીટ માંડી એના પ્રવાહને નીરખી રહી.
આવી અભાન અવસ્થામાં કાશીએ પોતાના જમણા હાથનું કાંડું પકડાનું અનુભવ્યું. એની ભ્રમણ કરતી લાગણીઓ ઉતાવળે પાછી ફરતાં પછડાટ ખાઈ ગઈ. કાશીએ ત્વરાથી માથું ફેરવ્યું અને પાછળથી પોતા તરફ છેક જ નીચે નમેલા મેઘજીને એણે જોયો. એના મોઢા પર ખરબચડું ગંદું હાસ્ય મઢાઈ ગયું હતું.
કાશી ખરેખરી બી ગઈ. બીકની મારી ઝડપથી ઊભી થતાં એણે મેઘજીના હાથમાંથી પોતાનું કાંડું છટકાવવા જોર કર્યુ.
‘મેલી દે – મેલી દે મને, મૂઆ, નીચ!’
‘પણ ધીરી તો પડ.’ મેઘજી ઠંડી, ગલીચ સ્વસ્થતાથી કાશીની આંખોમાં જોઈ રહ્યો. ‘કંઈ વાત સાંભળીશ મારી કે તારી જ ધડ કૂટે રાખીશ?’ અને મેઘજીએ બળ કરીને કાશીને પોતા નજીક ખેંચી.
કાશી વાંકી વળી તરફડિયાં મારવા લાગી: ‘મેઘજી! તારે પગે પડું, મને જવા દે! તારે પગે પડું – પગે પડું!’
‘કાનિયાને પગે પડને – મારે શું પગે પડે છે?’ મેઘજી દાંત ભીંસીને હસ્યો ત્યારે એના હોઠને ખૂણે ફીણોટી થૂંકનાં ટીપાં ઊપસી આવ્યાં.
કાશીએ જોરથી આંચકો મારી પોતાનું કાંડું ખેચ્યું.
અસાવધ મેઘજી એક ગડથલિયું ખાઈ ગયો. પણ કાશીના હાથની કૂણી ચામડીમાં પોતાનાં જ બલોયાંની ધાર ખૂંચી ગઈ. એ વેદનાથી કાશી બૂમ પાડી ઊઠી: ‘ઓય મા!’ અને હવે બીજો કોઈ ઉપાય નહોતો એવું વિચારી કાશીએ ભરાય એટલો શ્વાસ છાતીમાં ભર્યો અને પોતાની બધી તાકાત એકઠી કરતાં એણે એક લાંબી ચીસ પાડી: ‘ઓ રે – કોઈ આવો!
મેઘજીએ માથું ફેરવી પાછળ જોયું. વહેતા રસ્તા પરથી પસાર થનારની અહી લાંબેથી નજર પહોંચે તેમ હતું. જોકે અત્યારે ત્યાં કોઈ દેખાયું નહિ, પણ હર પળે કોઈના દેખાવાની શક્યતા ઊભી હતી.
મેઘજીએ કાશીને કાંડેથી પકડી હતી ત્યાંથી ધક્કો મારી એને જતી કરી. કાશી ઠોકર ખાતી, લથડતી પાછળના પથરાઓ પર ઊંધે માથે પડી. એને ઘૂંટણ અને કોણી પર ઉઝરડા પડયા અને કપાળ પર જખમમાંથી લોહીના રેલ વહેવા લાગ્યા.
‘બીજી વાર ધ્યાન રાખજે કાશી!’ મેઘજીએ આંગળી ચીંધતાં, ધમકી આપતાં એને કહ્યું: ‘ગળે ટૂંપો દઈશ, પણ રાડ પાડવા નહિ દઉં – સમજી?’ ઊંધા માથે પડેલી કાશીના વાંસામાં એણે લાત મારી.
‘વોય!’ કહેતી કાશી બેવડી વળી ગઈ.
‘એ તારાં ‘વોય વોય’ નહિ ચાલે, સમજી? શાણી હોય તો ટૂંકમાં સમજી જજે!’
મેઘજી જતો રહ્યો ત્યારે ધૂળમાં આળોટતી કાશી છૂટથી રડી પડી. રડતાં એનું આખું અંગ થથરી ઊઠયું. રડાય એટલું રડી લીધા પછી થોડીક સ્વસ્થતા મળી ત્યારે કાશી બેઠી થઈ. એણે કપાળેથી લોહી લૂછયું. કપડાંનો બોજો ઊચકતાં કાશીને વાંસામાં, મેઘજીએ લાત મારી હતી ત્યાં, કળ વળી.
કાશી પાછી ફરી ત્યારે બપોર છેક નમી ગયા હતા. વગડે રખડતાં પક્ષીઓ ઊડી ઊડીને વાડીનાં ઝાડોનાં ઝુંડ તરફ પાછાં ફરી રહ્યાં હતા. પણ કાશી જેમ વાડી નજીક આવતી ગઈ તેમ તેની મૂંઝવણ વધવા લાગી. રડીને સૂઝેલી, લાલ બેનલી આંખો, ઉઝરડાભર્યું શરીર અને લોહીના ડાઘવાળાં કપડાં! આ કેમ બન્યું એ સૌ કોઈ એને પૂછશે, કોઈ ને કોઈ બહાનું આપતાં એના મોઢાના ભાવ એને જરૂર દગો દેશે!
કેડીનો છેડો આવી લાગ્યો અને એ સામે વાડીનો ઝાંપો દેખાયો. વાડી તરફ ફરતાં કાશીના પગ ભારે થઈ ગયા. એનું મોઢું પડી ગયું અને ઊભી રહી ગયેલી કાશીના પગ ધ્રૂજવા લાગ્યા. એણે કણેરના ઝાડ પાછળ સંતાઈને આશરો લીધો.
એણે વાડીમાં દેકારો બોલતો સાંભળ્યો.
કાશીએ કણેરના ઝાડ પાછળથી નમીને જોયું તો વાવની કૂંડી આગળ બધાં જ મોટેરાં અને છોકરાંઓ ટોળું વળી ઊભાં હતાં. સૌ કોઈ પોતાને ફાવે તેમ રાડો પાડી વાતો કરી રહ્યાં હતાં. ત્યાં તો ટોળું આઘે ખસવા લાગ્યું. વચ્ચેથી કાનો ખભા પર માટીનું હાંડલું અને હાથમાં ડાંગ લઈ વાડી બહાર આવતો દેખાયો.
કાનાને જોતાં જ કાશીના મોઢા પરથી લોહી ઊડી ગયું. કણેરનાં પાંદડાંઓમાં એ વધારે ઊંડે લપાઈ. એના હાથ, પગ, હોઠ અને આંખ ધ્રૂજી રહ્યાં. પોતે આવી હતી એ જ કેડી પર એણે કાનાને ખભે માટલું લઈ જતો જોયો. કાનો થોડે દૂર ગયો હશે ત્યારે કાશી કણેરમાંથી બહાર નીકળી. પાછળ જોતી અને દોડતી એ રસ્તો ઓળંગી એ ઝાંપામાં પ્રવેશી તેવી જ વચમાંના પથરા પર એણે ઠોકર ખાધી અને ગડથલિયું ખાતી પડી!
રતનભાભી અને જમનાકાકીએ એને પડતી જોઈ. દોડી આવી એમણે એને ઊભી કરી.
‘હાય! હાય!’ રતનભાભી બોલ્યાં, ‘જો તો, કેટલું બધું વાગ્યું?’ જમનાકાકીએ હાથ ફેરવીને કાશીને કપાળેથી લોહી લૂછયું અને એ ટોળું હવે કાશીને ફરી વળ્યું.
‘હાશ!’ કાશીને મનમાં નિરાંત વળી: ‘હવે કોઈ પૂછવાનું નથી કે આ કેમ બન્યું!’ એનાં અંગો ધ્રુજતાં અટક્યાં અને હોઠે ફરી લાલી ચડી. વાવની કૂંડીએ રતનભાભી કાશીના કપાળ પરનો જખમ ધોઈ રહ્યાં હતાં ત્યારે માવજીએ વાત કરવી શરૂ કરી:
‘કાશી! તું નદીએથી પાછી આવતી હઈશ ત્યારે પાણી પીવા વાડીએ આવેલા નારાણબાપાએ થોર આગળથી કૂંડી તરફ ધસ્યે આવતા ફૂંફાડતા નાગને જોયો. અમે બૂમો પાડી વાડીને આથમણે ખૂણેથી કાનાને બનોલાવ્યો. કાનાએ દોડી આવી સાપ પકડવાનો લાકડાનો સાણસો ઉપાડયો અને ધોરિયાની ઠંડી રેતીમાં સરતા નાગને ફેણમાંથી પકડી પાડયો.’
‘કેવો આબાદ પકડયો?’ રામજી વચમાં બોલી ઊઠયો: ‘અને છટકવાના શું તરફડિયાં મારતો હતો એ નાગ? સાપ પકડવાની સિફત જે કાનામાં છે તે બીજા કોઈ પાસે નથી!’
કાશીને એની પૂરી ખબર હતી. એણે અનેક વાર કાનાને સાપ પકડતાં જોયો હતો. આજુબાજુની વાડીમાં સાપ નીકળ્યો હોય તો એને પકડવા સૌ કાનાને જ બોલાવતાં અને એટલા માટે તો એણે સાપ પકડવાનો ખાસ સાણસો રાખ્યો હતો.
કાનો કેવી રીતે સાપની નજીક ગયો, કેવી સિફતથી એણે સાણસો નાખ્યો, નાગે સાણસના હાથા પરથી ઉપર ચઢી પોતાની પૂંછડીથી કાનાના કાંડા પર કેવો ભરડો લીધો વગેરે નાગ પકડાયાની આખી વાત માવજીએ ઝીણવટથી કાશી પાસે કરી. ત્રીસેક જણનું ટોળું, ચૂપ બની, નજરે જોયું હતું તેનું વર્ણન શાન્તિથી સાંભળી રહ્યું.
‘અને ખરી ખૂબી તો નાગને માટલામાં નાખી ઢાંકણી બંધ કરવાની છે. વાલજીએ અંતમાં કહ્યું: ‘એમાં જરા ચૂક થાય કે છૂટો થયેલો નાગ સીધો અંગ પર જ ધસી આવે.’
‘અને એ આવડત કાનામાં પૂરેપૂરી છે.’ રામજીએ ફરી વચમાં વાત મૂકી.
રતનભાભી કાશીના માથામાં હળવો ટપલો મારતાં ટહુક્યાં: ‘આના કાનામાં શું નથી?’ ત્યારે એ ત્રીસેક જણનું ટોળું ખડખડાટ હસી પડયું. કાશીએ ચારે તરફથી સ્નેહભીની આંખો પોતા તરફ મંડાયેલી જોઈ. તરત જ એના ચહેરા પરથી ભય અણે ચિંતાનું આવરણ હટી ગયું. એની આંખોની કીકીઓએ પ્રકાશિત બની નૃત્ય કર્યું. સુખદ શરમ અનુભવતી કાશી હેઠું જોઈ ગઈ.
‘નાગવાળા માટલાને કાનો નદીની પેલી પારના વેરાનમાં મેલવા ગયો છે.’ રામજીએ કહ્યું અને પછી થોડું થોભીને ઉમેર્યું: ‘નાગને તે વળી માટલામાં પૂરી વેરાન જગામાં શા માટે મેલવા જવું? મને છૂટ હોય તો હું નાગનેયે ટીપી નાખું. હળાહળ ઝેરીલાં પ્રાણી તે આપણા ભગવાન ક્યારના થયા? આ તો…. આ તો…..’
‘હવે છાનો મરને વેવલા!’ જમનાકાકી રામજીને ટૂંકો કરતાં બોલ્યાં: ‘બધું થતું હોય તેમ જ થાય!’
કાનો વાડીએથી બહાર નીકળ્યો ત્યારે સૂર્ય પશ્ચિમથી ક્ષિતિજથી બહુ દૂર નહોતો. ધોરી રસ્તો છોડી કાનો ભેખડ તરફ જતી કેડીએ વળ્યો ત્યારે ઠંડું લીલું, સ્વચ્છ ઘાસ એને પગમાં ગલગલિયાં કરવા લાગ્યું. કાનાએ આવા ઘાસમાં પગ ઘસીને આનંદ મેળવ્યો હોત, પણ ઓચિંતાની એની માનસિક પરિસ્થિતિમાં ફેર પડયો હતો. એનું મન અકરણ ખિન્ન બની વિચારોને ગોથે ચડી ગયું. વગથી છૂટી પડેલી, બરાડતી અને બેબાકળી બની દોડતી બકરીએ પણ કાનાને એના વિચારોમાંથી જગાડયો નહિ. કાનાએ શૂન્યમનસ્ક ચાલ્યા કર્યું.
નદીના રેતાળ પટ પર સૂતેલી વનસ્પતિને ઢંઢોળતો પવનનો ઝપાટો ધસી આવ્યો અને ભેખડની બાજુમાં અફળાઈ, ધૂળ અને સૂકાં પાંદડાંને સાથે લેતો એ આકાશમાં ઊંચે ચડયો. સૂર્ય હેઠો ઊતરી ડુંગરાની ધાર પર બેઠો. નદીની સપાટ રેતી પર ભેખડના ઓળા લંબાઈ ગયા. ક્યાંક કિલકિલ વહેતા અને ક્યાંક બુદબુદિયાં બોલાવતા નદીના પ્રવાહના દર્પણમાં સંધ્યાની લાલી ડોકિયું કરતાં શરમાઈ એ શરમના લાલ પ્રકાશિત શેરડા આખા પ્રવાહ પર ફરી વળ્યા.
ભેખડ નજીક આવી પહોચતાં પ્રવાહના આ તેજપુંજ પર કાનાની નજર ઠરી.
વિચારોની ઊંડી ગર્તામાં પહોંચેલું એનું મન સપાટીએ આવ્યું. બે ખડક વચ્ચેથી જતી અને નીચે ઊતરતી કેડી પર હજી તો કાનાએ એક જ પગ ભર્યો હતો ત્યાં એની દૃષ્ટિએ નેમ બાંધી. કેડીની ધૂળમાં એણે કશુંક ચમકતું જોયું. પગના અંગૂઠાથી ખસેડીને એણે એ ચમકતી વસ્તુને પાધરી કરી. એ સોનાની વીંટી હતી! ‘ખરેખર!’ કાનો મનમાં બોલ્યો: ‘કોણે ગુમાવી હશે?’ નીચા નમી એણે જેવી તે વીંટી હાથમાં લીધી તેવો જ એણે હાથમાં આંચકો વાગ્યા જેવું અનુભવ્યું: ‘અરર, આ વીંટી તો કાશીની હતી!’ અને અંધારું થવા આવ્યું તોય કાશી હજી નદીએથી પાછી નહોતી ફરી. ‘અંધારું – કાશી – વીંટી!!…. સાલો મેઘલો!’ એક સમાટા ધસી આવતા અને એકબીજા સાથે અથડાતા, માનસિક અરાજકતા ફેલાવતા વિચારોએ કાનાને છેક જ મૂંઝવી નાખ્યો. અકળાતો કાનો જેવો સીધો થવા ગયો તેવી જ…તેવી જ, ખડક પાછળથી બહાર આવેલા મેઘજીએ કાનાના ખભા પરના માટીના માટલા પર જોરથી ડાંગ વીંઝી.
કાનાએ કલ્પ્યું નહોતું તેવું ઓચિંતાનું જાણે આભ ફાટયું. માટલાના ભુક્કા ઊડયા. કાનાના જમણા ખબા પર ડાંગ અફળાઈ ત્યાંથી ફૂંફાડતા નાગે કૂદકો માર્યો. નાગ ખડકની બાજુમાં પછડાયો અને કાનાથી થોડે જ દૂર સાંકડી કેડી પર જઈ પડયો. પરિસ્થિતિને એક પળમાં સમજી જતાં, કેડી ઊતરી જવા કાનાએ કૂદકો માર્યો. પણ એક ઢીલા પથ્થર પર પગ મૂકતાં એણે સમતુલા ગુમાવી અને લથડયો. લથડતાં, ખડકની બાજુમાં અથડાઈ, કેડી પર એ ઢગલો થઈ પડયો.
એણે ત્યારે મેઘજીને ખડક પરથી નીચો નમેલો જોયો. કેડી તરફ ધસ્યે આવતા નાગને પણ કાનાએ એ જ વખતે જોયો!
આ તો ઘડીના એક અંશનો ખેલ હતો!
કાનાએ ફાટી આંખે જોયું તો સાંકડી કેડી પર હવે ઊભા થઈ ભાગવા જેટલો સમય નહોતો.
ઊંચી ફેણ કરી ધસ્યે આવતા નાગ ઉપરથિ કૂદી જઈ, નીચેની કેડી પર ગબડી પડવા કાનાએ જમીન પર માથું ટેકવ્યું અને ઊંચી, મોટી ગુલાંટ ખાધી.
એ જ વખતે મેઘજી નીચો નમ્યો અને સામેના ખડકની દીવાલ પર ડાંગનો છેડો ટેકવી, એને આડી ધરી, મેઘજીએ કાનાની ગુલાંટ અટકાવી.
મેઘજીની ડાંગ અવાજ સાથે ખડકની બાજુમાં અથડાઈ અને બે ટુકડા થઈ કેડી પર જઈ પડી. નેમ ચૂકેલો કાનો અવ્યવસ્થિત રીતે ખડકના પડખામાં અથડાયો અને નાગની ફેણ પર પડયો.
ત્યાં જ એના ખભા પર નાગે રોષથી ડંખ દીધો. પોતાનું શરીર ઊથલાવી, નાગે હળાહળ વિષ એ ડંખમાં ઠાલવ્યું. કાનાએ એને દૂર કરવાનું કર્યું ત્યારે બીજો હથેળીમાં અણે ત્રીજો સાથળમાં ડંખ દઈ નાગ ઊતરતી કેડી પર સરી ગયો.
‘તારું તે સત્યાનાશ જાય મેઘજી! તેં આમ શા માટે કર્યું?’ કાનો ઊભો થઈ દોડતો કેડી ચડી જઈ, મેદાનમાં આવી ઊભો. એણે દૂર મેઘજીને ભાગતો જોયો.
અને કાનો દોડયો! જેટલી તાકાત હતી એટલી એકઠી કરી એ દોડવા લાગ્યો. એને ખાતરી થઈ ગઈ હતી કે એના જીવનની એક એક પળ હવે ગણાતી હતી. પગમાં તાકાત હોય અને શ્વાસોચ્છ્વાસ ચાલતા હોય ત્યાં સુધી એને દોડીને કાશી પાસે પહોંચવું હતું. ‘કાશી!’ કાનાએ બૂમ પાડી: ‘કાશી, કાશી…કાશી,કાશી!’ અને મૂઠીઓ વાળી એણે દોડયે રાખ્યું. હવે પગમાં કાંટા વાગે તોયે શું? પડતાં-આખડતાં ઉઝરડા પડે અને માથું ફૂટે તોયે શું? એ પીડા થોડી ક્ષણોમાં હવે હંમેશને માટે મટી જવાની હતી. ‘કાશી, કાશી!’ કાનાએ ધરતીને પગ નીચેથી સરતી અનુભવી – શું વેગ! આંખ આડે લીલાં પીળાં કૂંડાળાં મોટાં થવા લાગ્યાં. આ તો આવી પહોંચ્યું – મોત! અરે! હજી વાડી કેટલી દૂર છે? ‘કાશી – કાશી! ઓ કાશી!’ એક વાર વાડીએ પહોંચી કાશીની છાતીએ માથું મેલું!! આ ઝાડ દેખાય. આ દીવાબત્તી દેખાય, દોડ, દોડ હજી વધારે જોરથી દોડ! કાશી, કાશી!!’ કાનાએ બૂમો પાડયે રાખી. એને ગળે ટૂંપો આવ્યો અને પગ લથડયા. મૂંઝાતો શ્વાસ છુટ્ટો થઈ જેવો થોડો બહાર આવ્યો કે તરત જ કાનાએ ગૂંગળામણની છેલ્લી કારમી ચીસ પાડી: ‘કા….શી!!’ ચારે તરફથી એને ઘેરી વળતાં અંધારાનાં વર્તુળોએ એની છાતી પર ભીંસ દીધી. કાનાએ માથું ઊંચું કરી, ગળે હાથ નાખી શ્વાસને છૂટો કરવાનો પ્રયત્ન કર્યો અને એમ કરતાં લથડિયાં ખાધાં. નીચેના ધડના સ્નાયુઓ તાકાત ગુમાવી બેઠા. એ શિથિલ બનેલા સ્નાયુઓથી નિશ્ચેત બની, કણેરનાં પાંદડાં-ડાખળીઓ પર અફળાઈ, કાનો ઢગલો થઈ જમીન પર ઢળી પડયો!
વાડીના ઝાંપા આગળ માવજી, રામજી, રતનભાભી, કાશી વગેરે ભેગાં થઈ ગયાં.
‘મેં ચોક્કસ સાંભળ્યું.’કાશીએ કહ્યું: ‘કોઈ મારા નામની બૂમો પાડતું હતું!’
‘મેં પણ સાંભળ્યું.’ રામજીએ કહ્યું: ‘બહુ નજીકથી કોઈ ખોખરે અવાજે બરાડતું હોય…જાણે….!’
માવજીના હાથમાં ફાનસ હતું અને સૌ મૂઢ બની ઝાંપા બહારના અંધારામાં તાકતાં ઊભાં. થોડી વારે માવજી ફાનસ લઈ રસ્તા પર આવી ઊભો અને માથું ફેરવી ચારે કોર જોવા લાગ્યો. કાશી પણ એની બાજુમાં દોડી ગઈ.
‘મને કાના સિવાય કોણ બોલાવે?’ કાશી દયામણું મોઢું કરીને બોલી અને અમસ્તી જ કણેર તરફ ફરી.
એ કણેરને જોતાં જ કાશીને અંગેઅંગ ઝાળ વ્યાપી ગયા જેવું ભાસ્યું. પેલું ચોરસ, ફીણોટી થૂંકવાળું મેઘજીનું મોઢું કાશીની નજર સામે તરી આવ્યું! ‘બીજી વાર ધ્યાન રાખજે કાશી! –’ના મેઘજીના શબ્દો અષાઢની ગર્જના જેવા એના કાને અથડાયા: ‘એ તારાં વોય વોય હવે નહિ ચાલે…’ એ બધું– એ પ્રસંગ જાણે હમણાં જ બનતો હોય, હમણાં જ બધાની વચમાં કાશીની જાણે લાજ લૂંટાતી હોય. એ ખ્યાલથી બેબાકળી બની, કાને હાથ લઈ કાશી ચીસ પાડવા જતી હતી, ત્યાં કોઈ પોચી વસ્તુ સાથે એનો પગ ઘસાયો અને કાશી ચમકી ગઈ. એણે આઘા હટતાં રાડ પાડી: ‘માવજી!’
બધાં કાશી નજીક દોડી આવ્યાં.
માવજી અને રામજીએ કાનાને કણેર વચ્ચેથી બહાર ખેંચી કાઢયો. એ કાનાનો મૃતદેહ હતો!
સૌ અવાક બની જોઈ રહ્યાં. ત્યારે કાશી હૈયાફાટ રુદનમાં તૂટી પડી. એ રુદન આજુબાજુની વાડીએ પહોંચી ગયું અને જોતજોતાંમાં લોકો એકઠાં થઈ ગયાં.
આખરે કાનાનો મૃતદેહ હંમેશને માટે આ વાડી છોડી પંચમહાભૂતમાં ભળી જવા જઈ રહ્યો હતો ત્યારે દોડી જઈ એને રોકી રાખવાની ઇચ્છા કાશિએ માંડ માંડ સમાવી! અને એ રડતી જ રહી. વહેલી સવારે કૂકડા બોલ્યા ત્યારેય કાશી રડતી હતી! તોય હજી કેટલું બધું રડવાનું બાકી હતું? હવે આખો જન્મારો રડવું અને કામ કરવું! આત્મા માટે રુદન અને દેહ માટે કામ! સૃષ્ટિનું સંચાલન કેવી નિષ્ઠુર રીતે ચાલી રહ્યું હતું?
બીજે દિવસે નારણબાપાએ સમજાવી તોય કાશી પોતાની ઝૂંપડી છોડી ડેલામાં આવવા તૈયાર ન થઈ. જમનાકાકી અને રતનભાભી અવારનવાર દિવસે કાશી પાસે બેસી રહેતાં અને રાતે સૂતાં. કાશીના ઓટલાની બાજુમાં બારમાસીના છોડ સંધ્યાની મંદ લહરીઓમાં હંમેશ માફક ડોલતા અને હંમેશની માફક રોજ રાતના થોરની વાડમાં તમરાંઓ એકધારું ગાઈ રહેતાં. કાનાનો ઊભો કરેલો ખાટલો ઝૂંપડાની દીવાલની બાજુમાં પડયો રહેતો. એ ઝૂંપડું અને ઝૂંપડા બહારની બોલતી, ગાતી, મદભરી રાત, રોજ કાશીને નિર્દય બની રિબાવતાં!
અને એમ પખવાડિયાં વીત્યાં ત્યારે કાશી ડેલે અને વાડીએ કામ કરતી થઈ ગઈ હતી.
‘કાનો કેડી ઊતરતાં આખડયો હશે અને માટલું ફૂટતાં નાગ એને ડંખ્યો હશે,’ એવી માવજીએ કરેલી વાત સૌ કોઈએ માન્ય રાખી. કાનાના મૃત્યુને ત્રણ મહિના વીત્યા તોય એના અકસ્માતની વાત લોકોની જીભ પરથી ખસતી નહોતી!
અને ત્રીજે મહિને રામજીએ પોતાના મનની વાત કરી: ‘કાનો એટલો અસાવધ નહોતો. એક તો આવું બને નહિ અને બને તોય કાનો સહેલાઈથી નાગના મોમાં આવી પડે એવો નહોતો.’
રામજીની આ વાતની કાશીએ નોંધ લીધી. એ સંશયમાં તો ક્યારનીયે હતી. કાનાને કણેર નીચેથી ખેંચાઈ આવતો જોયો ત્યારેથી કાશીને વહેમ તો ગયો જ હતો, પણ ન બનવાનું બની ગયા પછી હવે શું? સંશય અને હકીકત – સાચા – જૂઠાની શોધમાંથી હવે શો અર્થ સરવાનો હતો?
ઉપર ઉપરથી તો કાશી સ્વસ્થ દેખાતી તોય, વાળુ કર્યા પછી એ બધાંની વચમાં બેઠી હોય અને વાતો સાંભળતી દેખાતી હોય ત્યારે પણ એના મનમાં કંઈ ને કંઈ ગડમથલ અને વાદવિવાદ ચાલ્યા જ કરતાં હોય! આવા માનસિક વ્યાપારો રોજિંદા બની કાશીના જીવનનું અંગ બની ગયા!
રોજ જોનારને કળ ન પડે પણ કાશીનો ચહેરો વિચિત્ર રીતે બદલાયો હતો. એના સુકુમાર તંદુરસ્ત ચહેરા પર હજીયે એકે કરચલી નહોતી પડી. એનાં નેત્રોની સન્ધ્યાનાં અંધારાં-અજવાળાંનું ઊંડાણ માપવા ભાગ્યે જ કોઈ પ્રયત્ન કરતું. આખો દિવસ ચાલ્યા કરતી કાશી મંદ અને શિથિલ દેખાતી, પણ એની શિથિલતામાં ચોક્કસ વ્યવસ્થા હતી, જેને સૌએ હકીકત તરીકે સ્વીકારી લીધી હતી.
કોઈ એક અગિયારશના પર્વની સવારે મોટા ભાગની સ્રીઓ અને બાળકો ગામમાં મંદિરે દર્શને ગયાં હતાં. વાડીએ બધું કામ બંધ હતું. કાશી ડેલા આગળના એક મોટા લાકડા પર બેઠી બેઠી આકાશમાં ઊડતાં પારેવડાંઓને જોઈ રહી હતી. નારણબાપા અને ગોવિંદકાકા સીંદરીને વળ દઈ રાંઢવું બનાવી રહ્યા હતા. જમનાકાકી રસોડે લોટ બાંધી રહ્યાં હતાં. ત્યા લાલજી જોગી સાપનો કરંડિયો લઈ, મોરલી વગાડતો વાડીમાં દાખલ થયો.
કાશીથી થોડે દૂર ખાતરના ઢગલા આગળ એક પથ્થર પર બેસતાં લાલજી જોગીએ કરંડિયા પર બાંધેલી ફૂમતાંવાળી દોરીની ગાંઠ છોડી કરંડિયાનું ઢાંકણું ઊચું કર્યું. એણે મોરલી વગાડી અને કરંડિયાને આંગળીથી ટકોર્યો એટલે ફેણ ઊંચી કરી નાગ મોરલી સામે ડોલવા લાગ્યો.
કાશીએ લાકડા પર ફરતા ડોલતા નાગ પર મીટ માંડી.
‘ગગી!’ લાલજી જોગીએ પૂછયું: ‘છોકરાઓ ક્યાં ગયા?’
‘બધા ગામમાં મંદિરે ગયા છે.’
નાગ ફેણ સંકોરી પાછો કરંડિયામાં પેસવા જતો હતો તેને લાલજીએ ચપટી વગાડી સજાગ કર્યો.
‘ગગી! નાગને દૂધ પા. પુણ્યે થશે. આજે અગિયારસ….’
‘જમનાકાકી રસોડે છે, ત્યાં જા.’ કાશીએ બિલકુલ નીરસતાથી જવાબ વાળ્યો અને પાછી આકાશમાં જોતી બેઠી.
લાલજીએ કરંડિયાને ઢાંકણું દીધું. એ રસોડા તરફ વળ્યો ત્યાં તો એની નજર રાંઢવું બનાવતા નારાણબાપા પર પડી. ‘કાં બાપા? શું ચાલે છે?’ કહેતો એમની સામે બેસતો લાલજી બીડી પેટાવી એમની સાથે વાતે વળગ્યો.
વાડી પર આજે બધે જ નિષ્ક્રિય સુસ્તી ફરી વળી હતી. એના દૂરના બોલતાગાતા ક્યારાઓ આજે ચૂપ હતા. કાશી આકાશમાં જોઈ જોઈને થાકી ત્યારે એની નજર સાપના કરંડિયા પર પડી અને તરત જ એના મનની ગડમથલ ચાલુ થઈ: ‘આવો જ નાગ કાનાને કરડયો હતો – આવો જ હશે! મેં તો એને જોયોયે નહોતો. પણ એમાં નાગનો શો વાંક? એ ઓછો જ કાનાને ઓળખતો હતો? અને ઓળખતો હોત તો એ કાનાને કરડત નહિ – કોનો એવો હતો – એવો સદ્ગુણી!’ કાશીની આંખમાં ઝળઝળિયાં ઊબરાયાં. પાસે કોઈ નહોતું એટલે એણે છૂટથી આંસુઓ વહેવા દીધાં.
લાકડા પરથી ઊઠી કાશી કરંડિયા પાસે આવી ઊભી અને સ્થિર નયને જોઈ રહી. પછી કરંડિયાની છેક નજીક બેસી જતાં એણે એનું ઢાંકણું ઊંચું કર્યું અને ઉતાવળે દૂર હટી ગઈ, પણ નાગ ન તો કરંડિયામાંથી બહાર નીકળ્યો. ન એણે ફેણ ઊંચી કરી. કાશીએ થોડું આગળ નમી કરંડિયાને આંગળીથી ટકોર્યો તેવો જ નાગ ફેણ ચડાવી, કરંડિયામાંથી ઊંચો થતાં કાશી સામે જોઈ રહ્યો.
કાશીના ગાલ પર આંસુઓ સુકાઈ ગયાં. એ વિહ્વળ આંખે ડોલતા નાગની આંખોમાં જોઈ રહી. એમ જોઈ રહેતાં એનાં અંગેઅંગ પર કંપારી ફરી વળી. એના કાન પર, ડોક પર અને મોઢા પર ગરમીની લાલી છાઈ ગઈ. એના સાંકડા સુકુમાર હોઠ ઊઘડતી કળીની પેઠે સ્મિતમાં ખૂલી ગયા. એણે જમણા હાથને નાગની સામે ધરી રાખી ચપટી વગાડી. તરત જ નાગ વધારે ઊંચો થયો અને સીનો બહાર કાઢતાં એણે કાશીના હાથ પર ફેણ ફેંકી. કાશીએ ઝડપથી પોતાનો હાથ ખેંચી લીધો અને ત્રણ મહિને પહેલી વાર કિલકિલ હાસ્ય કાશીના દાંત વચ્ચેથી સરી પડયું. આ ડોલતા નાગ સામે કાશીનું હૃદય મુગ્ધ બની ડોલી રહ્યું.
ત્યાં તો કાશીને કોણ જાણે શું સૂઝયું – એણે ઓચિંતાનો કરંડિયામાં હાથ નાખ્યો. સાપે ચપળતાથી નીચે નમી કાશીના હાથની ટચલી આંગળીને મોઢેથી પકડી. એની કશી દરકાર ન કરતાં કાશી નાગને કરંડિયામાંથી ઉપાડી ઊભી થઈ. કાશીના કાંડાની મુલાયમ ચામડી પર નાગનું બદન સરી રહ્યું. નાગે એના કાંડા પર ભરડો લીધો ત્યારે કાશીના હાથમાં ઝણઝણાટી ઉદ્ભવી. કાશીએ આંખ મીંચી ને એ ઝણઝણાટીને પોતાના સારાય બદનમાં ફેલાવી દીધી.
કાશીએ ડાબા હાથથી એને પંપાળ્યો. ત્યારે નાગે પોતાની પકડ ઢીલી કરી અને ફેણ ઊંચી કરી ડોલતો, એ કાશીની આંખોમાં જોઈ રહ્યો.
એવે વખતે મેઘજી વાડીમાં દાખલ થયો. ડેલા આગળ વળતાં જ એણે કાશીને નાગ સાથે રમતી જોઈ. મેઘજીના હાથમાંથી નેતરની સોટી જમીન પર પડી ગઈ: ‘કાશી!’ એણે બૂમ પાડી: ‘આ તું શું કરે છે?’
કાશીએ ઊંચું જોયું. એના મોઢા પર હજી પેલું ઉષ્માભર્યું હાસ્ય ધૂમી રહ્યું હતું. ઝેર નથી, કરડવાના દાંતે એને નથી – જો!’ કહેતાં એણે સાપ પકડેલો હાથ લાંબો કરી, નાગની ફેણ મેઘજી સામે ધરી. નાગ વધારે ઊંચો થયો અને મેઘજી તરફ લંબાયો.
‘ના, ના!’ કહેતો મેઘજી પાછળ રહ્યો. એના હોશહોશ ઊડી ગયેલા દેખાયા: ‘ના,ના, એને મેલી દે, કાશી, એની મેલી દે!’
‘અરે! પણ આ તો ગલૂડિયા જેવું સાવ અપાપ છે!’ કહેતી કાશી મેઘજી તરફ આગળ વધી. પાછળ હટતાં મેઘજી ખાતરના ઢગલા પર પડયો. એનું મોઢું બીકથી ખૂલી ગયું. એને કપાળે પસીનાનાં ટીપાં જામ્યાં. એ ઉતાવળે ઊભો થયો અને ઝાંપા તરફ ભાગ્યો.
‘તું નાહકનો બીએ છે મેઘજી! અહીં આવ, તને બતાવું.’ ભાગતા મેઘજીને સંબોધતાં કાશી બોલી: ‘હું એને પકડી રાખું ને તું એને શરીરે હાથ ફેરવ. તારી બીક જતી રહેશે!’ પણ મેઘજી કાશીનું સાંભળવા ઊભો નહોતો રહ્યો.
ત્યાં તો રતનભાભી અને છોકરાંઓનું ટોળું વાડીમાં દાખલ થયું. બધાંએ કાશીના હાથમાં સરતો નાગ જોયો.
‘આ શું ગગી?’ રતનભાભી ગંભીર થઈ બોલ્યાં : ‘ગાંડી તો નથી થઈ ને?’
કાશી ફિક્કી પડી ગઈ. એણે નાગને કરંડિયામાં મૂક્યો અણે ઉપરથી ઢાંકણુંક દીધું.
છોકરાઓ દોડીને નારાણબાપા આગળ પહોંચી ગયા: ‘બાપા, બાપા!’ બધાં એકીસાથે બોલતાં હતાં: ‘કાશી સાપથી બીતી નથી. એણે સાપને હાથમાં પકડયો હતો!’
ત્યાં તો કાશી પણ બાપા આગળ આવી છોકરાંઓ વચ્ચે બેઠી.
‘હેં લાલજીકાકા!’ એણે લાલજી જોગીને પૂછયું: ‘તમે આવા ઝેરીલા નાગને કેમ પકડતા હશો?’
‘એને વશ કરવામાં તો મંતર જાણ્યા વગર એ ન પકડાય ગગી!’ લાલજી બોલ્યો: ‘ધરતી પર ફરતા સૌ જીવોનો એ દેવતા. પહેલાં તો એને રીઝવવો પડે! એને પકડવો એ નાનીસૂની વાત નથી!’
ત્યાંથી થોડે જ દૂર ભેખડ પર લાલજીનું ઝૂંપડું હતું. એ અને એની બાયડી ગોમી ચીભડાં વાવી ગુજારો ચલાવતાં. એમને છોકરાંછૈયાં નહોતાં. ગોમી ચીભડાં વેચવા ગામમાં જતી ત્યારે લાલજી સાપનો કરંડિયો લઈ માગવા નીકળી પડતો. વરસોથી એમનો જીવનવ્યવસાય ક્યાંય ઠરડાયા વિના આક એકધારો ચાલ્યા કરતો હતો.
હવેથી કાશિ લાલજીને ઝૂંપડે આવજા કરતી થઈ ગઈ. નદીમાં નાહવા અને કપડાં ધોવાને બહાને એ ગોમીમાને ઝૂંપડે જવાનું ચૂકતી નહિ. વાતો કરતાં હર કોઈ વાતને ફેરવી તે અંતમાં તો એક જ પ્રશ્ન પૂછતી: ‘લાલજીકાકા નાગને કેમ પકડે છે, મા?’
ગોપી પણ શરૂમાં જંતરમંતર અને કાળી ચૌદશની સાધનાની વાતો કાશી પાસે કરી, પણ કાશી જેમ વધારે ગોમી પાસે આવતીજતી થઈ, એમનો સહવાસ વધારે નિકટનો થતો ગયો તેમ ગોમીની વાતમાં વધારે અને વધારે ફેર પડતો. અને જંતરમંતર અને કાળી ચૌદશની સાધનાની વાત સાવ ઊડી ગઈ.
‘ખૂબી માત્ર એની ફેણ પકડવામાં છે.’ ગોમીએ કહ્યું: ‘અને એની આવડત તારા કાકા પાસે છે.’
એક સાંજે નારાણબાપાની વાડીએ ફરી પાછૌ સાપ દેખાયો. નાગ નહોતો પણ કાબરચીતરા ભાઠાવાળો એ કાનાના નાગ કરતાંય વધારે જાડો અને મોટો હતો. ડેલા આગળ રામજીએ એને લાકડાના સાણસાથી પકડયો. તો ખરો, પણ એને પૂરો કરવા ગોવિંદકાકાએ જે લાકડી વીંઝી તેના ઘામાંથી સાપ સરી ગયો અને એ લાકડી સાણસા પર અથડાતાં રામજીથી સાણસો ખૂલી ગયો અને સાપ ભાગ્યો. કાશીએ લાકડાનો સાણસો રામજીના હાથમાંદથી છીનવી લીધો અને સાપ પાછળ દોડી. ખાતરના ઢગલા આગળ કાશીએ સાપને આબાદ જકડયો. રામજી દોડી આવી એને કૂટી નાખવા જતો હતો તેને કાશીએ રોક્યો:
‘લાલજીકાકાને આપી આવીશ – એનું કામ થઈ જશે.’ કાશી બોલી.
‘પણ આ કંઈ નાગ નથી!’
‘લાલજી પાસે આવો જ એક હતો. એ ગયે મહિને મરી ગયો.’ કાશી બોલી અને એણે માટલું મગાવ્યું. કાનો અજમાવતો એ જ સિફતથી એણે સાપને માટલામાં દાખલ કર્યો અને તેના ગળા પર ઢાંકણીને સીંદરીથી બાંધીને બેસાડી. સૌની જીભ પર કાનાનું નામ હતું, પણ કાશી હાજરીમાં કોઈ કાંઈ બોલ્યું નહિ…..
….’ના, મારે તો આએજે જ જોવું છે કે તમે કેમ સાપ પકડ છો અને કેવી રીતે એના દાંત કાઢો છો. એ જોયા વગર હું અહીંથી ખસવાની નથી!’ બીજે દિવસે લાલજીને ઝૂંપડે કાશી હઠ લઈ બેઠી ત્યારે લાલજી જોગી ચલમ બાજુમાં મૂકતો ઊઠયો.
એણે માટલું ભાંગ્યું અણે છટકવા દોડતા સાપને પકડવાથી માંડીને તે દાંત કાઢવા સુધીની બધી ક્રિયા એણે કાશીને બતાવી.
કાશી લાલજી જોગી પાસેથિ નાગની ફેણ દબાવવાની બે ખૂણીઆવાળી નાની લાકડી, બે ત્રણ લોઢાનાં અને લાકડાંના વિચિત્ર સાધનો અને કેટલીક જડીબુટ્ટીઓ લઈ વાડીમાં પાછી ફરી અને એ સીધી પોતાના ઝૂંપડાંમાં જતી રહી.
એક વાર લાલજી જોગી સાથે અરધો દિવસ નદીની પેલ પારના વેરાનમાં રખડીને કાશીએ પહેલો સાપ પકડયો. અને એના દાંત ખેંચી કાઢયા. પછી તો ઘણી વાર એ એકલી અને છાની છાની વેરાનમાં ભમવા જતી અને સાપને શોધતી ફરતી. સાપ પકડવાની ધૂને કાશિનો કબજો લીધો હતો.
લાકડાના એક માત્ર નાના ટુકડાની મદદથી કાશી સાપને પકડી લેતી. આંગળાં અને અંગૂઠા વચ્ચે સાપનાં જડબાંને મજબૂત રીતે દબાવી, એક ઘડીમાં તો એ એના દાંત કાઢી લઈ લોહીનીતરતા મોઢામાંથી એનું વિષ નીચોવી લેતી! આજુબાજુનાં વાડી, ખેતરોમાંથી અને ક્યારેક તો દૂરથી ન પકડાતા અને ભાગતા ફરતા સાપને પકડવાનાં કાશીને તેડાં આવતાં. અંધારી રાતે મશાલ કે ફાનસને અજવાળે કાશી સાપ પકડતાં ડરતી નહિ.
નારાણબાપાની વાડીએ મેઘજીના ડેલામાં એક રાતે નાગે દેખાવ દીધો. મેઘજી નારાણબાપાનો ભત્રીજો થતો અને એમની વાડીએ રહેતો. નાગને જોતાં જ, જાણે એને કોઈ તલવારથી વાઢયો હોય એવી રાડ પાડતો મેઘજી લીંબડાનું થડ ચડી એની ડાળીએ જઈ ઊભો. લોકો એકઠાં થયાં. બરોબર ઉંબરા આગળ ગૂંચળું વાળી નાગ નિરાંતે સૂતો હતો. નારાણબાપાએ પેટ્રોમેક્સ સળગાવી એટલી વારમાં તો કાશી પણ દોડતી આવી પહોંચી.
‘આ તો મેઘજીનો ડેલો છે – એ ક્યાં ગયો?’ કાશીએ પૂછયું.
‘એ રહ્યો, લીંબડા ઉપર!’ એકબે જણ મેઘજી તરફ આંગળી ચીંધતાં, હસતાં બોલ્યા.
કાશીએ ઉપર જોયું.
અત્યારે મેઘજીએ એકમાત્ર લેંઘો પહેર્યો હતો. એને છાતીએ, પેટે અને ખભે બરછટ રૂંવાટી હતી. પેટ્રોમેક્સને અજવાળે મોટી ભમરોવાળો એનો ચહેરો, વારે ઘડીએ નીચું જોતો ત્યારે, વાંદરા જેવો દેખાતો. કાશીને આ પ્રાણી તરફ ઘૃણા ઊપજી.
‘એને ખબર નથી,’ કાશીએ કહ્યું: ‘કે સાપ સહેલાઈથી ઝાડનું થડ ચડી શકે છે!’
‘ના,ના’ ઉપરથી મેઘજીએ રાડ પાડી: ‘નહિ, નહિ!’ અને મોટી મજબૂત ડાળ પર એ અસ્વસ્થ બની પાછળ હટયો.
‘શું ના, ના, અને નહિ, નહિ!’ કાશી ઓઢણી નીચેની લાકડાનો ટુકડો કાઢતાં બોલી: ‘અહીંથી તને કોણ કરડે છે?’
‘નહિ, નહિ!’ મેઘજીએ ફરી બૂમ મારતાં કહ્યું: ‘મારે એમ નથી મરવું!’
વાકું વળવા જતી કાશી આ સાંભળતાં જ ચમકી અને સીધી થઈ ગઈ. મેઘજી તરફ જોતાં જ એના મોઢા પર કર્કશ કરચલીઓ જડાઈ ગઈ.
‘શું કહ્યું તેં?’
‘મારે આમ નથી મરવું – નથી મરવું મારે આમ! હું અહીંથી હાલ્યો જઈશ, આફ્રિકા ભાગી જઈશ, પણ પણ હું સાપ કરડવાથી નહિ મરું!’ રાડારાડ કરતા, ધ્રૂજતા મેઘજીએ ઉપરની નાની ડાળીને હાથ લાંબા કરીને પકડી અને જોરથી નીચી નમાવી. સુકાં પાદડાં, પેટ્રોમેક્સને અજવાળે તેજનાં પતિકાં બની ખરવા લાગ્યાં.
‘એમ કે?’ ગર્વથી કમર પર હાથ મૂકતાં, કાશી તુચ્છકારથી મેઘજી સામે જોતી બોલી.
‘હાલ્યો શું કામ જાય છે, ભાઈ! હજી તો જુવાન છો. પરણવું નથી?’
‘પણ વાતે શું કામ વળગી છો, ઝટ એને પકડ ને?’ મેઘજી ઉપરથી બરાડયો.
‘એનાથી શું કામ બીએ છે તું? એ મારા હાથમાંથી છટકવાનો નથી!’ ઉંબરા મારા હાથમાંથી છટકતો નથી, સમજ્યો?’
કાશીએ નાગના ગૂંચળા પર કાંકરો ફેંક્ય. નાગ જેવો કૂદકો મારીને ઉબરા બહાર પડયો તેવી જ કાશીના હાથમાંના લાકડાના ટુકડાથી એની ફેણ દબાઈ ને સ્થગિત થઈ ગઈ. નીચલાં જડબાં નીચે આંગળી અને ઉપલા ઉપર અંગૂઠો સેરવી નાગના મોઢાને પકડમાં લેતી કાશી ઊભી થઈ. એણે સિફતથી પૂંછડી પગના અંગૂઠા નીચે દબાવી. જોતજોતામાં કાશીએ એના દાંત કાઢી લીધા.
તરફડિયાં મારતા શરીરવાળા અને લોહીનીંગળતા મોઢાવાળા નાગને કાશી પોતાને કાંડે વીંટાળતી પાછી ફરી.
પૂનમની રાત હતી. ધુમ્મસી વાદળાં ચન્દ્રને વારે ઘડીએ દૂભવી જતાં હતાં. ધીરો વાતો સમીર વૃક્ષોના કાનમાં છાની વાતો કરી સરતો જતો હતો. કાશી વાડીમાં પ્રવેશી ત્યારે વાવની ભીંત પર ચડી ગયેલી ચમેલીની સુવાસ એના ઉપર ઊતરી પડી. કેળાંનાં ઝુંડ પર પગલાં મૂકી ચાલી આવતી લહરીએ એને માથેથી ઓઢણી ખસેડી.
કાશી પોતાના ઝૂંપડાને ઓટલે આવીને બેઠી. ઓઢણી ઉતારી એણે બારણાંના અંધારામાં ફેંકી અને વાડીના ક્યારાઓ પરથી ભીની સુગંધ લઈ દોડી આવતી પવનની લહરીઓને એણે પોતાની ખુલ્લી પીઠ પર અફળાવા દીધી!
ફૂલ જેવાં હલકાં અને પાતળાં ઝાકળનાં વાદળાંવાળી આવી અનેક ચાંદની રાતો કાશીને યાદ આવી. એ છેક નાની હતી ત્યારથી તારા, ચાંદની, પવન, વરસાદ, ફૂલ, સુગંધ, ગીત અને હાસ્ય! અહીં આ વાડીમાં અને કાશીના જીવનમાં ખરેખર તો પ્રકાશ, સુગંધ, હાસ્ય સિવાય બીજું કશું ન હોવું જોઈએ! પણ ન હોય એ આવ્યું ક્યાંથી? કોઈક એને લાવ્યું? આ ઠંડી, નિર્દય લાગણીઓની સતામણી!! ‘ઓય, મા!’
કાશી ઢંચણ પર માથું મૂકી રડી પડી. રડતી રહી! અને એ રડતી રહીએ દરમ્યાન નાગે કાંડા પરથી પોતાની પૂંછડી સેરવી કાશીની ડોકમાં ભેરવી અને ડોક પરથી સરતી પોતાની પૂંછડીને છેક નીચે ઉતારી નાગે કાશીની છાતી પર ભરડો લીધો.
એક ક્ષણ, માત્ર એક જ ક્ષણ, કાનો કાશીની સામે ઊભેલો દેખાયો.
ત્વરાથી ઢીંચણ પરથી માથું ઊંચું કરતી કાશી ચમકી અને બાવરી બની. છાતી પર લેવાતા ભરડાનો એને ખ્યાલ આવ્યો કે તરત જ એણે એક આંચકે નાગને ડોક પરથી સેરવી હાથ પર લઈ લીધો: ‘બેશરમ!’ લજ્જા અને ક્ષોભભર્યો એ શબ્દ કાશીના મોઢામાંથી સરી પડયો. મીઠા ક્ષોભભર્યા ગુસ્સાવાળી કાશી ઝૂંપડામાં દોડી જઈ, ખાટલે જઈ પડી. અહીં હૂંફાળું અંધારું હતું. દુનિયાની આંખો આ ઝૂંપડામાં પ્રવેશી શકતી નહોતી.
ખાટલા પર સૂતાં સૂતાં એણે છૂટથી નાગને પોતાના બદન પર સરવા દીધો – ફાવે ત્યાં એને ભરડો લેવા દીધો! આંગળીઓ અને અંગૂઠામાં કળ વળી ત્યાં સુધી એણે નાગની ડોકને હાથમાં પકડી રાખી. એ દૂધ પીતો નહોતો થયો ત્યાં સુધી એનામાં જંગલની તાકાત હતી. એના ભરડામાં અત્યારે છૂંદી નાખે એવો મીઠો હૂંફાળો સ્પર્શ ભર્યો હતો! વહેલી પરોઢે કૂકડા બોલ્યા અને કાશી થાકી ત્યારે એણે નાગને કરડિયામાં જવા દીધો!
આ બનાવને બીજે દિવસે કાશીની ચાલમાં ન ધારેલી ગતિ પ્રવેશી. એના ચહેરા પર મેઘધનુષના રંગોવાળા ભાવો લહેરાવા લાગ્યા. એ સવારનાં એનાં કામોમાં ભાન અને બેભાનપણું, ચોકસાઈ અને લાપરવાહી એકબીજા સાથે એવાં તો ભળી જતાં કે રતનભાભીએ તરત જ એની નોંધ લીધી.
‘અરે! વાહ રે કાશીબહેન! આજે કંઈ ખુશ દેખાવ છો? કાલ રાતે મોટો શિકાર પકડયો તેથી કે શું? સાંભળ્યું કે મેઘલો બહુ બી ગયો હતો? એ તો અહીંથી જાય છે આવતી કાલે. થોડા દિવસ શહેરમાં રહેશે, પછી જશે આફ્રિકા.’
કાશી એકે શબ્દ બોલિ નહિ. થોડું થોભતી એ પાછી પોતાને કામે લાગી.
નમતા બપોરે કાશી નદીએ ચાલી ત્યારે કોઈને ખબર નહોતી કે આઢણી નીચે સંતાડી એણે ગઈ કાલના પકડેલા નાગને સાથે લીધો હતો. એણે નદીએ પહોંચતાં બને તેટલું મોડું કર્યું. એણે ધાર્યું હતું તેમ અત્યારે એકેય સ્રી ત્યાં નહોતી. કાશીએ ચારે તરફ ફરી જોઈ કોઈ નહોતું તેની ખાતરી કરી. પછી કપડાં ઉતારી પાણીમાં પડી. જે નેતરના દાબડામાં એણે નાગને પૂર્યો હતો તે દાબડો એણે પ્રવાહથી થોડેક જ દૂર, કપડાં પાસે એક પથ્થર પર મૂક્યો.
કાશી જ્યાં નહાવા પડી હતી તે પ્રવાહ છેક ભેખડની બાજુમાં થઈને જતો હતો અને ત્યાં સાથળઊંડાં પાણી હતાં. સાંજ સોહામણિ બની ઊતરી પડવાની તૈયારીમાં હતી. આપ્તજન નજીક આવે એમ સામેની ભેખડના ઓળા કાશી તરફ લંબાતા, એને ભેટી પડવા ચૂપકીથી આવી રહ્યા હતા. પ્રવાહના સ્વચ્છ ધોધને પોતાનાં તપ્ત અંગો પર વહેવા દઈ કાશીએ આકાશમાં જોયા કર્યું. એક શકરો શિકારની શોધમાં ઊંચે આકાશમાં ચક્કર મારી રહ્યો હતો. કાશી નહાતી હતી તે ભેખડની ટોચ પર જારના ઝાડમાં બુલબુલોનું ટોળું ગાનમાં તૂટી પડયું હતું. બુલબુલો, ચકલીઓ અને પારેવડાંઓ સાથે સનધ્યાની ગુલાબી લહરીઓ પણ ઊડી રહી હતી અને કાશીનાં અંગો પર નાગની પેઠે સરતો, એને પંપાળતો અને ગલગલિયાં કરતો પાણીનો પ્રવાહ વહી રહ્યો હતો.
કાશી પ્રવાહમાં એક પથ્થર પર ઊભી થઈ એણે ક્ષોભભર્યા કુતૂહલથી પોતાનાં અંગો તરફ જોયું. ખભેથી વક્ષ પર, ત્યાંથી પેટ પર અને સાથળ પર પાણીના રેલા, નાગ જેમ વાંકાચૂકા થતા વહી જતા એણે જોયા. તરત જ એની છાતીમાં હૂંફ ધસી આવી. એનું હૃદય જોરથિ ધબકવા લાગ્યું. સંકોચથી શરમાઈ કાશી વાંકી વળી ત્યાં માથાના ભીના વાળ અસંખ્ય નાગણો જેવા બાજુમાં ઝૂલી રહ્યા. કાશીના હોઠ પર એક સ્મિત વિકસ્યું. એણે હળવેથી નેતરના દાબડા તરફ, આંખને ખૂણેથી છાની નજર ફેંકી.
પણ એ નજર, એ જ ઘડીએ છોભીલી બની. કાશી ચમકી, અને પોતાનાં કપડાં પર કૂદી.
પણ મેઘજીએ એનાં કપડાં આગળ જ એને બાવડેથી પકડી.
‘કાશી!’ દાંત વચ્ચેથી ગંદું હસતાં એ બોલ્યો : ‘બોલ, હવે શું કહે છે?’
આ વિક્ષેપથી એક ક્ષણ માટે ખિન્ન બનેલી કાશી આખરે નિર્ભય બની મેઘજી સામે તાકતી ઊભી.
‘બોલ, શું કહેવું છે તારે?’ એને બાવડેથી હલાવતાં મેઘજી ફરી હસ્યો.
‘હું તારાથી ડરતી નથી મેઘજી!’
‘તો સારું! તારા માટે એ બહુ જ સારું છે!’
એણે કાશીનો ખભો દાબ્યો અને મોટેથી હસ્યો. સામેની ભેખડ પર એનો એક હળવો પડઘો પડયો. એક તેતર ચીસ પાડતું ઊડી ગયું.
‘બૂમો નથી પાડવી?’ કહેતો મેઘજી એને નજીક ખેંચવા લાગ્યો.
‘ના,’ કાશી પાડવી?’ કહેતો મેઘજી એને નજીક ખેંચવા લાગ્યો.
‘ના,’ કાશી હજીયે સ્વસ્થ હતી: ‘પણ તું સંભાળજે.’ કહેતાં એણે બાજુના પથ્થર પરના દાબડાને જોરથી લાત મારી. એનું ઢાંકણું ખૂલી ગયું. નાગ કૂદકો મારી બહાર ધસ્યો.
‘સાપ, સાપ!’ મેઘજી કાશીને છોડી ભાગ્યો, રસ્તામાં, પથ્થર પર અથડાયો અને ઊંધે માથે પડયો. એ ભીને કપડે રેતી પર દોડતો દેખાયો.
કાશીએ નિરાંતે કપડાં પહેર્યાં. વાળ નીચોવીને સૂકે કપડે ધસ્યા. પછી એવી જ નિરાંતથી વાળની ગૂંચ કાઢવા બેઠી. આખરે અંબોડો વાળી એ ઊભી થઈ અને ખાલી દાબડો બગલમાં લેતાં એ આગળ ચાલી. ભેખડ ચડવાને રસ્તે કાશી આવી પહોંચી ત્યારે સૂર્ય આથમી ગયો હતો. સંધ્યાના રંગ ઘેરા બનતા હતા.
કાશી ભેખડ ચડવા જતી હતી ત્યાં જ કેડી ઊતરતા નાગને એણે જોયો. એ હસતી ઊભી રહી ગઈ.
‘આટલે સુધી એનો પીછો લીધો?’ કહેતી એને ઉપાડવા કાશી વાંકી વળી તેવો જ નાગે ફૂંફાડો મર્યો અને એની સામે ધસ્યો. કાશીની ચપળ, નાગપકડુ આંખોએ તરત જ જોઈ લીધું કે એ તો દાંતવાળો કોઈ બીજો જ ઝેરીલો નાગ હતો.
કાશી કૂદકો મારી પાચળ હટી. નાગ ફેણ ઊંચી કરી થોડો થોભ્યો, પછી નેમ બાંધી કૂદ્યો. કાશી ફરી પાછી હટી અને પાછળ હટતી ગઈ. એમ સંભાળીને હટતાં કાશીએ એક હલકો લાંબો પથરો ઉપાડી લીધો. રેતી છોડી કઠણ પથરાવાળી જમીન પર કાશી પહોંચી. નાગે પોતાની લાક્ષણિક ઢબની એક પથરા પરથી વળાંક લીધો ત્યારે કાશીએ એવી જ ઝડપથી એને ફેણથી દાબી દીધો અણે એક ક્ષણમાં આંગળી અને અંગૂઠાથી એનાં જડબાં પકડી એને કાબૂમાં લઈ લીધો. દાંત કાઢવાનાં સાધન સાથે નહોતાં. કાશીએ સિફતથી એને દાબડામાં પૂર્યો. ભીની ઓઢણીના છેડામાં એ દાબડો બાંધી, એને ખભે લટકાવતાં કાશી ભેખડ ચડવા લાગી.
એ જ પેલા બે ખડક!
કાશીના વિચારોની ગડમથલ પાછી શરૂ થઈ!
બે ખડક વચ્ચેની સાંકડી કેડી!
કેવો ભરડો? આ બે નક્કર જલ્લાદો વચ્ચે કાનાનું જીવન ભીંસાઈ ગયું! ભાંગેલા માટલાના કોક ટુકડા હજીયે ત્યાં પડયા હતા. હાય! હાય! નાગદંશથી મરવાની એ યાતના કેવી ભયંકર હશે?
કાશી બેધ્યાન બની ત્યાં ઊભી રહી ગઈ.
‘કાનો અહીં પડયો હશે, નાગ અહીથી સર્યો હશે.’ એવું વિચારતાં એણે ખડકની બાજુની ધૂળમાં પગ ફેરવ્યો તો સોનાની વીંટી ઉપર ચડી આવી. એ વીંટી હાથમાં લેતાં જ: ‘મારી ખોવાયેલી વીંટી અહીં ક્યાંથી?’
એ પ્રશ્નનો જવાબ ન મળ્યો ત્યારે એ ખોફનાક દિવસના બધા જ પ્રસંગો એકીસાથે કાશીને યાદ આવી ગયા! ‘યાદ રાખજે કાશી! – ની મેઘજીની ધમકી અને કાનાની છેલ્લી મૃત્યુચીસ ‘કા….શી!’
આ બે ખડક અને પેલાં બે કણેરનાં ઝાડ! એ બન્નેના મૂળમાં મોત ભમતું હતું
કાશી એ ખુલ્લા મેદાનમાં આવીને ચારેકોર નજર ફેરવી. સન્ધ્યા છેક નમી ગઈ હતી. એની ગુલાબી લહરીઓમાં રાત્રિની ઠંડી પ્રવેશી હતી. કોક અજવાળાં ક્યાંક મૃત્યુ પામતાં હતાં. બધા જીવ આરામ લેવા પોતપોતાને સ્થાને પહોંચી ગયાં ગયા હતા! એક માત્ર મોત, આરામ વિનાનું ભમતું હતું! ખડકના મૂળમાં – કણેરના મૂળમાં – મોત! મોત!
દૂર શિયાળવાં બોલતાં સંભળાયાં. એક ભૈરવ ચિચિયારી પાડતી કાશી પરથી ઊડી ગઈ.
ખભે મોતની પોટલી લઈ, પોતાના મનની ગડમથલમાં અટવાતી ચાલતી કાશી કણેરના ઝાડ આગળ આવી અટકી. એ ઝાડ પર નજર પડતાં એના ચહેરાનું દર્શન કદરૂપું બન્યું. એના સ્નાયુએ સ્નાયુ ખેંચાયા અને એના શરીરે કળ વળી. કાશીએ વાડી તરફ એક પગ ભરીને પાછો ખેંચી લીધો. ‘આજે વાડીએ નથી જ જવું!’ આજે વાડીએ નથી જ જવું! અંધારા ઊતરે અને ભલે લોક મારી ભાળ કાઢવા નીકળી પડે!’ એવા વિચારે, કાનો જ્યાં મોતને ભેટયો હતો તે કણેરના ઝાડ વચ્ચે, કાશી જીવતીજાગતી બેઠી.
છેક ગાઢ અંધારાં ફરી વળ્યાં. લીંબડો રાણ અને બાવળની એક થઈ ગયેલી ઘટામાં જ્યારે ઘુવડ બોલ્યું ત્યારે કાશી ઊઠી. ભીનાં કપડાંની પોટલી ત્યાં જ રહેવા દઈ એણે નેતરનો દાબડો સાથે લીધો અને નાગણની ચૂપકીથી સરતી એ નારાણબાપાની વાડીમાં પેઠી.
જેવી કાશીના હૃદયમાં હતીતેવી જ ચૂપકી આ વાડીમાં બધે જ ફરી વળી હતી. નારાણબાપાના ઓરડામાં અંધારું હતું. ‘અમારી વાંડીએ ભજન છે, ત્યાં ગયા હશે!’ કાશીએ વિચાર્યું પણ એણે ધાર્યું હતું તેમ મેઘજીના ડેલામાં એણે દીવો બળતો જોયો.
એ હળવેથી સરતી મેઘજીના ડેલાની પછીતે આવી ઊભી. આજે પવનેય નહોતો વાતો. મેઘજીના ડેલા ઉપરના લીંબડાની ઘટામાંથી જીવ જાણે જતો રહ્યો હતો. કાશીને જ્યારે ખાતરી થઈ કે ચારે કોર વ્યાપેલી શાન્તિ અભંગ હતી અને કોઈ જીવતા જીવે કોઈ મનુષ્ય, પશુ કે પક્ષીએ એની હાજરીની નોંધ નહોતી લીધી ત્યારે એણે નેતરના દાબડાને બગલમાંથી સેરવીને હાથમાં લીધો. પછી હળવેથી એણે દાબડાનું ઢાંકણું જરા ઊંચું કર્યું. નાગ બળ કરીને પોતાનું માથું બહાર લઈ આવ્યો. કાશીએ એ જ ઘડીએ એને જડબામાંથી પકડી લીધો અને ધીમેથી સેરવતી કાશી એને દાબડામાંથી બહાર ખેંચવા લાગી. એની નજર બહાર સેરવાતા નાગ પર ભ્રમણ કરી રહી. એણે એવી જ સિફતથી બીજા હાથે એનું પૂંછડુંં પકડી લીધું. દાબડાને એણે જમીન પર પડવા દીધો.
એણે ફરી સાવચેતીથી ચારે તરફ જોયું. લીંબડાની ઘટાનું અંધારું, હજી પણ, ગાઢ ચૂપકી સેવી સૂતું હતું. કોઈ જ વાર કોઈ તમરું બોલતું ત્યારે ચૂપકી સજાગ બનતી.
નાગને બન્ને હાથમાં પકડી કાશી મેઘજીના ડેલાના ઉંબરામાં આવી ઊભી. ડેલામાંના અજવાળામાં થોડી વાર, એકધારું જોઈ રહેતાં એ હળવે સાદે બોલી: ‘મેઘજી! હું આવી છું!’
ખાટલા પર બેઠો બેઠો પીઠ ખંજવાળતો મેઘજી ચમક્યો અને ફર્યો.
‘હેં?’ કહેતો મેઘજી ઊભો થયો.
‘એ તો હું, કાશી.’ કહેતી કાશી ઉંબરો ચડી.
મેઘજી આગળ વધતો રહી ગયો. એણે કાશીના લાંબા થયેલા હાથમાં હીરા જેવી ચમકતી બે આંખો જોઈ!
‘એ…એ!’ એવો ગળગળો, ખોખરો અવાજ એના ગળામાંથી નીકળતાં રહી ગયો. એની ઝીણી આંખો બીક લાગે એવી મોટી થઈ ગઈ. એણે ધ્રૂજતા હાથ લાંબા કર્યા. એના હોઠ ફફડયા પણ ગળેથી કંઈ અવાજ બહાર આવ્યો નહિ!
કાશી આગળ વધી. એને માથેથી અને ખભેથી ઓઢણીનો છેડો સરી જઈ એની પાછળ ઢસડાયો. હાથમાં મોત લઈ આળ વધતી કાશીના મોઢા પર કોઈ ભાવ નહોતો. આ સંયોગોમાં ભાવનો અભાવ સ્વયં પ્રસંગને વધારે ભયાનક સ્વરૂપ આપી રહેલો જણાયો.
‘આ નવો જ નાગ છે, મેઘજી!’ કાશી બોલી. ‘થોડા સમય પહેલાં જ મેં એને પકડયો છે. હળાહળ વિષથી ભરેલા એના દાંત હજી કાયમ છે. જોવા છે?’ સહેજે પૂછતી હોય એમ બોલતી કાશી ઊભી રહી ગઈ.
કાશીનું અંગેઅંગ સ્થિર બની ગયું.
ભીના વાળની કપાળ ચૂમતી કાળી લટોવાળું નિષ્કામ વદન, ગોળ સશક્ત ખભા અને આગળ ધસતી છાતી, શિલ્પની પૂતળીની હોય એવી નિતંબ પર વાંકી વળેલી પાતળી કમર – એવી કાશીની સુડોળ સુંદરતામાં ક્યાંય ઊણપ ન દેખાઈ. કાશીના આ દર્શનમાં આરસની નિર્જીવતા અને સૌન્દર્યની જીવન્ત સીમાહીનતા સમાયાં હતાં!
કાશી એક ડગલું આગળ વધી અને બોલી: ‘એક વાર આને હાથ તો અડકાડી જો મેઘલા! જો તો ખરો એની શું તાકાત છે? એક વાર તો અનુભવ લે. એના ડંખથીયે મરવું મીઠું લાગે એટલું માણસાઈનું જોમ એમાં ભર્યું છે!’
કાશીને નાગને પૂંછડીએથી જરા જેટલો ઢીલો મૂક્યો. એનું બદન, મુક્ત થવાનો એક જબર પ્રયત્ન કરતાં તરફડિયાં મારી ગયું.
‘ના – ના!’ રાડ પડતો મેઘજી પાછળ હટયો અને ડેલાની ભીંત લગોલગ ધ્રૂજતો ઊભો.
કાશીએ નાગને પૂંછડીએથી જતો કર્યો. એક છેડેથી છૂટા થયેલા નાગે હીંચકો ખાધો અને કાશીના અંગ પર એણે પોતાનું બદન ચાબખાની પેઢે વીંઝયું!
બાજુની ભીંત પર, ખીટી પર ટિંગાડેલા લાલટેનની જ્યોત હળવું ધ્રૂજી રહી હતી. ઉપરની અજવાળી ભીંત પરથી દોડી જઈ એક ઢેઢગરોળી ફાનસના અંધારા નીચે સ્વસ્થ થઈ બેઠી!
કાશી માથું ફેરવી આંખને ખૂણેથી મેઘજી તરફ જોતી બોલી:
‘આ તાકાત ન જોઈ હોય તો જો હવે!
કાશીએ નાગને જમણા હાથે પકડયો હતો ત્યાંથી એને ચાબખાની માફક ચક્કર ફેરવ્યો. એવાં બેચાર જોરદાર ચક્કર ફેરવી એણે નાગની પૂંછડી મેઘજી તરફ ફેંકી!
ભીંત લગોલગ ઊભેલા મેઘજીએ હાથ પહોળા કરી માથું નમાવ્યું. એ નમેલા માથા પે નાગની પૂંછડી ‘ફડાક’ કરતી અફળાઈ.
‘ઓય રે!’ એક ફાટી જતી અમાનુષી બૂમ પાડી, મેઘજી જમીન પર ઢળી પડયો!
કાશી તરત જ ઢળી પડેલા મેઘજીની બાજુમાં પહોંચી ગઈ. એક પળ જોઈ રહેતાં એણે મેઘજીના વાંસામાં જોરથી લાત મારી. મેઘજી તોય હાલ્યો નહિ. સાથળ પર રહી ગયેલો એનો હાથ એને પડખે સરી પડયો.
કાશીનું મોઢું ભયંકર તિરસ્કારમાં મરડાયું, એની આંખોમાં ક્રોધ પ્રગટયો.
‘હટ્ બાયલા!’ એ બોલી: ‘તું કાનાની રાતે નહોતો જન્મ્યો!’
કાશી બે ડગલાં પાછળ હટી, ડેલાની વચ્ચોવચ આવી ઊભી. કરચલીઓ ભેગી કરતાં મરડાયેલા હોઠ અને ગુયસ્સાથી ઝીણી અને કદરૂપી બનેલી આંખોવાળા કાશીના ચહેરા પર અણગમો, ગુસ્સો, નફરત, નિર્દયતા અને નિરાશા – એ બધા ભાવો એકી સાથે ભેગા થઈ ઢળી પડયા!
એનાં અંગેઅંગનાં સ્નાયુઓમાં અધીર – અસહ્ય ગતિ પ્રવેશી. એ ગતિને વશ બની કાશી ફૂદડી ફરી અને એમ ફરતાં એણે નાગને પૂંછડીએથી પકડી ફેણમાંથી જતો કર્યો ને પોતાના માથા પર એને ચક્કર ગોળ ફેરવવા લાગી.
બે ડગલાં આગળ ભરી, પોતાના બદનને થોડું આગળ લઈ જઈ કાશીએ પોતાના બધા જોરથી નાગની ફેણ ડેલાની ભીંત સાથે અફાળી! એનો અવાજ ડેલા બહારના અંધારામાં દોડી ગયો. ભીંત પર લોહીંનું ખાબોચિયું ભેગું થયું. એમાં બે ક્ષણ તરફડિયાં મારતું નાગનું ગૂંછળું આખરે નિષ્પ્રાણ બન્યું!
આંસુ સારતી કાશીની આંખમાંથી આગના તણખા ઝર્યા! વેરવિખેર કરી નાખે એવા અણગમાથી એનો ચહેરો ભયંકર કદરૂપો બન્યો. હાથની મુઠ્ઠીઓ વાળી કાશી ભાગી અને ઉછકારે રડતી એ પોતાની વાડીમાં પ્રવેશી!
[‘નવચેતન’ ઑક્ટો.-નવે. ૧૯૫૪]