ખરા બપોર/૯. જળ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૯. જળ

વારે વારે તું મારા પર ઊડતી નજર ફેરવે છે – એ અંદાજ કાઢવા કે મને કેટલો આઘાત લાગ્યો છે. એવું નથી કે તારી માનસિક ક્રિયા મારી નજર બહાર છે. તને સતત લાગ્યા કરતા આઘાતોનો તારી પાસે સંપૂર્ણ અંદાજ છે. એટલે જ તો હું ઉપર ઉપરથી સ્વસ્થ દેખાવાના મારાથી શક્ય એટલા પ્રયાસો કરતો હોઉં છું. મને ભય છે કે, તું મારી ભીતરની અસ્વસ્થતા, છતાંય, જોતી રહે છે, એટલે જ તું પરેશાન છો, એ મને નથી ગમતું.

*

આવા પ્રખર તાપની કોઈને પરવા નથી….

એક લંગડાતો દસ વર્ષનો છોકરો, ટાંટિયા પર થથરતો એક આંખવાળો પેલો દુર્બળ વૃદ્ધ, તીણા કર્કશ અવાજે ભય ઊભો કરતી એક ડોશી, શાકભાજીવાળો, હાથગાડીવાળિ, દસ-બાર વાટાળુ અને છોકરાઓનું ટોળું.

બધાંએ કૂતરાને ઘેરી લીધો છે અને એ સંકોચાતો સંકોચાતો ભીંત નજીક પહોંચી ગયો છે.

ટોળા વચ્ચેની આગળ ધસી એક આંખવાળા ડોસાએ એને માથા પર લાકડી ફટકારી – એ ફટકામાં દમ નથી. ‘ઔ’ની ઝીણી ચીસ પાડી,એ બૂઢા તરફ બટકું ભરવાનું છાસિયું કરી એ ફરી ભીંત નજીક ટૂંટિયું વળતું ડોક ફેરી ફિક્કી ભીની આંખે આસપાસ જોઈ રહે છે.

‘હડકાયું છે – હડકાયું છે. પૂરું કરો; અરે કોઈ એને પૂરું કરો…. જો…. જો… એ કરડવા જાય.’

‘નીલા, આ તો આપણો ટાઈગર.’

*

મારે શરબત પીવાનો સમય થયો છે. નૅપ્કિન લેવાના બહાને તું અંદર જઈ થોડું રડી આવી છો. અને હોઠ પર બળજબરીનું એક સ્મિત ગોઠવી તું મારી સામે ઉપસ્થિત થઈ છો.

શરબતનો ગ્લાસ – માત્ર અરધો ગ્લાસ મારા હાથમાં મૂકતાં તારા હાથનાં ઠંડાં ટેરવાં તું જાણીજોઈને મને અડાડે છે.

તારા જન્મદિવસે મેં ભેટ આપેલા પેલા કીમતી સેન્ટનો તેં આજે જાણીજોઈને ઉપયોગ કર્યો છે.

તું વિહ્વળ નથી તોય એવું દેખાવાના પ્રયત્ન કરી રહી છો. તને ખબર છે કે, મારી ગ્લાનિ આમ દૂર નહિ થાય તોય!

હું આજે આ ઘડીએ તારામાં કશું જોતો નથી. વાંકડિયા સોનેરી વાળની તારી ઝૂલતી લટ, જેને છાશવારે મેં મારી કવિતામાં બહેલાવી છે – એ પણ નહિ.

અને આ તારા વધારે પડતા બહાર ખૂલતા ભરાવદાર હોઠ મારા હોઠને અડાડવા છે? મને નહિ ગમે હો આ પળે!

પણ એવું હું કેમ કહી શકું તને?

હુંંયે થોડું હસી લઉં અને એ ખોટા હાસ્યને તું ખોટા તરીકે ઓળખવાની છો જ, તોય તારે આ રમત રમવી હોય…..

*

પેલું છોકરું ટોળાની આસપાસ અંદર ઘૂસવા મથામણ કરે છે. એક સાથળને ઘસાઈને એ અંદર પહોંચી શક્યું હોત, પણ પાછળથી એક જોરદાર ધક્કો આવે છે અને બે સાથળની વચ્ચે પીલાતા હોવાની એની વેદનાની ચીસ સાંભળી એના પડખાવાળા દૂર ખસે છે.

કૂતરાના બરાડા પર હવે જોરદાર ફટકો પડે છે. આ વખતે એક લાંબો ચીસ પાડી, બેવડ વળી એ મારનાર તરફ ધસી જાય છે!

‘કરડશે…કરડશે….કરડશે….હડકાયું છે,’ પેલી વૃદ્ધા તીણા અવાજે બરાડે છે.

*

ટોળું પાછળ હટે છે.

સ્ટ્રીટ લાઈટના થાંભલા પાછળ આંટો ફરતું કૂતરું લંગડાતું લંગડાતું નાસે છે.

‘છટક્યો.’

‘એને ઘેરી લ્યો.’

‘જો જો ફરી છટકે નહિ.’

‘નીલા, ટાઈગર આબાદ છટકી ગયો.’

કૂતરા પાછળ ટોળાના દોડતા હોવાનો અવાજ સંભળાય છે.

ભીંતને પડખે થોડાં લોહીનાં ટીપાં સુકાય છે.

ફૂટપાથ પે શાકભાજીના પથારામાંથી એક ગાય મૂળાનું ઝૂમખું ઊંચકે છે, આંખને ખૂણેથી શાકભાજીવાળી તરફ જોતી લાગે છે, મંદિરના મહાકાય પૂજારીની પીઠ પાછળથી ‘યુ ટર્ન’ લઈ છૂટા ફેંકાયેલા ડંડાનો ઘા ચૂકવી આગળ દોડી જાય છે.

‘આપણે પહોચી જઈએ ટાઈગર પાસે, નીલા, તું ડરે છે?’

આ પ્રખર તાપમાં હાથમાં અસ્થિર પકડેલી દવાની બાટલી લઈ ઈસ્પિતાલથી પાછી ફરતી એક સગર્ભા ઓટલાનો આશરો લઈ હાંફ્યા કરે છે. સામેની ડેલીમાં ઊભેલી એક યુવાન સ્રી તરફ ધ્રૂજતો, કરચલી પડેલી ચામડીવાળો દુર્બળ હાથ લંબાવી એ પાણી માગે છે.

બરોબર આ જ સમયે, એટલે કે બપોરના બાર અને પચીસે એક જુવાન રણને કાંઠે ચોકી કરે છે. એને ખભે લટકતા ફ્લાસ્કમાંના પાણીના જથ્થાને એણે સમયના ટુકડાઓથી વિભાજિત કર્યો છે… ભયંકર ભયંકર તાપ! ગળાના થૂંકમાંનું પાણીનું તત્ત્વ હરાઈ – સુકાઈ જાય. કશુંક – પાણી પણ, ગળા નીચે ઉતારવું એ એક અસહ્ય વેદનામય અનુભવ બની રહે છે.

સુકાતા કંઠ અને સામે કિનારે દુશ્મનની ચોકી માટે પરાણે જાગ્રત રાખવું પડતું મન.

અનંત ધરતીને છેડે છલકાતાં સરોવર અને કુસુમિત વનરાજિથી લહેરાતા સ્વપ્નદેશનાં મૃગજળ.

પગે ગોટલા વળે છે, લોહી ઘટ્ટ બન્યું છે. ઘડિયાળનો કાંટો સૂચક સમયને અડે છે.

બસ, બે ઘૂંટડા પાણીના અને અસંખ્ય કાંટાઓ ગળે ભોંકાય છે.

આપણો જુવાન સજાગ છે.

સરહદો સુરક્ષિત છે.

ભયંકર ભયંકર તાપ છે.

*

‘તમે અસ્વસ્થ છો. થોડો આરામ નહિ કરો?’

હું તને પૂછીશ કે મારા અસ્તિત્વ દરમ્યાન તેં મને સ્વસ્થ ક્યારે જોયો છે, તો અંતે ન આવે એવા એક વિવાદની શરૂઆત થશે. મેન આ પળે વિવાદ નથી જોઈતો. મને કશું કંઈ નથી જોઈતું. જે આવી પડયું છે તે ભોગવવું છે – માત્ર એટલું જ.

તું સિલિંગ ફેનની ગતિ વધારે છે. ખાટને પડખે ટિપૉઈ પર ઍશટ્રે અને સિગારેટનું પાકીટ તું ગોઠવીને મૂકે છે અને પછી….પછી દૂર ખુરશી પર બેસી તું મારી સામે જોતી રહેછે.

‘મારી ચોકી! – પેલી સરહદોની ચોકી જેવી.’

ઓહ!

મારી ગ્લાનિન પણ છટકવા ન દે એવી તારા પ્યારની આવી દેખભાળ મેન નથી ગમતી.

મને સખત અણગમો ઊપજ્યો છે તારા પર!

*

લોહી ગળતું, લંગડાતું, નાસતું કૂતરું, એની પાછળ દોડતું ટોળું હવે મોટું થયું છે.

ટોળાની વચ્ચે નીલા અને રમેશ.

અને લાઉડસ્પીકરમાંથી એકીસાથે દસબાર માણસો બરાડતા હોવાના અવાજ જેવો શોરબકોર મારી બારી નીચે આવી પહોંચે છે.

હું સફાળો ઊભો થાઉં છું.

વિસ્ફારિત આંખ, અને ઊભા થવાની અદામાં થોડી મોહિની રેડી એ પણ મારે પડખે આવી ઊભી રહે છે.

‘હવે ન જ છટકવો જોઈએ.’

‘હડકાયું છે – હડકાયું છે – એને એક ફટકે પૂ – કરો.’

એક ઘાટો બરાડો, એક તીણી ચીસ, એવા અનેક બરાડા એકબીજામાં એંકોડા ભીડી એકીસાથે દોડવા લાગે છે. એક આંખવાળો ડોસો પગમાંથી છટકેલી ચંપલ લેવા નીચો નમે છે. હંમેશ એ ચંપલને લાત મારી ટોળા વચ્ચે ધકેલે છે – અને ગંદું હસે છે.

*

હું એની આંખને હસતી પકડી પાડું છું, કે તરત જ એ (હાસ્યનો) ઝબકારો ઓલવાય છે. અડોઅડ ઊભા રહેવાનું ભાન થતાં એ થોડું દૂર ખસે છે.

*

લશ્કરની આખી હરોળનું ધ્યાન ત્યાં કેન્દ્રિત થાય છે. પાણીના ટાંકાથી ભરેલી ટ્રકની વણજાર આવતી હોવાનો અવાજ નજીક આવી પહોંચે છે.

ચોકી પર ઊભેલા જવાનની નજર સામેના દુશ્મન પર છે. દુશ્મનાવટની બિરાદરીથી એ નજર એને વળગી પડી છે.

એ બંને વચ્ચે વારે વારે વંટોળ પસાર થાય છે. ધૂળનું વાદળ પ્રખર તાપથી તપ્ત બનેલી આબોહવા વચ્ચે બેફામ બની ઘૂમી રહે છે.

આંખ બંધ હોય એમ બે ક્ષણ કશું દેખાતું નથી.

અને એ બે ક્ષણ ધૂળના વાદળ પર ખખળતી નદીઓ અને કિલકિલ વહેતાં ઝરણાંઓવાળું એક રંગીલું સ્વપ્ન મઢાઈ રહેલું દેખાય છે.

ચોદિશ ધકેલાતી ધૂળ પાછળ એ બે ક્ષણ પણ પસાર થઈ રહે છે.

પછી, આંખને ભીની કરવાની અને ગળામાં અટકેલા થૂંકને નીચે ઉતારવાની વેદના શેષ રહે છે.

અને બીજી બે ક્ષણ પસાર થાય છે.

સામે દુશ્મન બંદૂક તાકતો દેખાય છે. હટી જતાં ધૂળની પાછળ એક ટૅન્ક પણ દેખાય છે….

*

‘પ્રબોધભાઈની નીલા આવું રડતી કેમ હશે?’

‘એ કૂતરું એનું છે…એટલે કે એ ગલૂડિયું હતું ત્યારેથી….’

હું તારી સામે જોઉં છું. કશોક ગુનો કરતી અટકી પડી હોય એમ અંગેઅંગ સંકોચ પામતી તું બોલતી બંધ પડે છે.

હું પૂછું છું.

‘આમ કેમ?’

તું નીચી નજર કરી કશો ઉત્તર વાળતી નથી અને આવું તો આપણી વચ્ચે અવારનવાર બનતું રહે છે, આપણી વચ્ચે કશુંક આવી પડે છે જ્યારે હું તને દેખતો બંધ થાઉં છું અને તું પણ મને જોતી હોતી નથી.

એક ક્ષણ – ક્ષણ પૂરતું પોતાનું આયુષ્ય ભોગવ્યા વિના અધવચ્ચે કપાઈ જાય છે. (આ પરિસ્થિતિને ‘ક્ષણભંગુર’ શબ્દથી વ્યક્ત ન કરી શકાય. કોઈ નવો જ શબ્દ શોધવો પડે.)

તું ફરી મારી સામે જુએ છે. ખબર નથી પડતી તારી દૃષ્ટિનો શો ભેદ છે – કુતૂહલ, ભય, ચિંતા, અણગમો, કંટાળો? શું? શું?

મારી ગ્લાનિનો જથ્થો વધતો રહે છે.

*

બારી નીચેના શોરબકોર વચ્ચે ઉપરાઉપરી પડતા ચારછ ફટકાનો અવાજ સંભળાય છે… અને છેવટની ગૂંગળાતી એક ચીસ!

‘રમેશભાઈ….’

હેં? નીલાને કરડયું?

પણ કરડવાની શક્તિ જ ક્યાં રહી છે? એના એકબે દાંત નીલાના પગ પર ઉઝરડા કરી ગયા હશે કદાચ! ના, એવું પણ નહિ બન્યું હોય. કોઈ કરડયું હોવાની બુમરાડ ક્યાં સંભળાઈ છે?

ટોળું વિખરાઈ જાય છે.

*

હેલિકૉપ્ટરનું ફોર્મેશન હરોળ પરથી પસાર થતું દેખાય છે. નીચે જમીન પરથી રંગીન રૂમાલ પકડેલો એક હાથ ચોક્કસ હેલિકૉપ્ટરને સલામ ભરતો દેખાય છે.

*

“હવે થોડો આરામ કરશો તમે?”

નીલાને ‘પેલું કૂતરું કરડતું તેં જોયું છે?’ એવું પૂછવાનું મન થાય છે, પણ શો ફાયદો? તું નિરુત્તર રહેવાની છો એવી મને ખાતરી છે. આંખોથી પ્યાર અને દુ:ખ વ્યક્ત કરવાની તારી કુટેવ છે. એવી જ ચૂપકીથી અવગણના કરવાની તારામાં નિર્દયતા છે.

સિલિંગ ફેન ફુલ સ્પીડમાં ચાલુ છે.

સામેના છાપરા પર કિકિયારી કરતી કાબરને ઉરાડવા તું બહાર દોડી જાય છે એ હું જોઉં છું – તારું ઉન્નત, એક તરફ ઢળતું મસ્તક, આગળ ધસી આવતી છાતી અને એ અદા….હું સમજું છું, હું બધું સમજું છું.

હું પડખું ફેરવી જાઉં છું.

પંખો અવાજ કરે છે. ઘડિયાળ કટકટે છે અને તું! તું મારી ઊંઘ પર જાગ્રત બેઠી છો એનું ભાન બેભાન બનીને પણ મને છોડતું નથી.

ઠંડી હવા અંગો પર અફળાય છે – રાત્રે મારાં અંગોને અડોઅડ થતી તારી ઠંડી ભીની ચામડી જેવી! કશુંક યાદને અડીને જતું રહે છે – જતું રહે છે….જતું રહે છે.

*

હૉસ્પિટલની ઓરડી નંબર એકવીસ.

દરવાજા આગળ ટોળે મળેલા લોકો વચ્ચેથી નર્સ પસાર થાય છે. એની પાછળ કોઈકને ધમકાવતા ડૉક્ટર પણ બહાર આવે છે.

રમેશ, સુષ્મા, રશ્મિ બહારથી બારીએ ચડી અંદર ડોકિયું કરી રહ્યાં છે.

એકાદ ડૂસકું, એકાદ ટૂંવાતું રુદન અને ઉતાવળે ચાલતા શ્વાસ વચ્ચે, ઓરડીમાંથી નીલાની સતત ચીસ સંભળાયા કરે છે.

“પાણી….પાણી….મોટાભાઈ મને પાણી આપો.”

પાણી ગળે ઊતરતું નથી અને આખું અંગ આંચકીમાં બેવડ વળી જાય છે.

રેબીઝ – હડકવા.

ઈન્ટ્રાવીનસ ગ્લુકોઝ સેલાઈન, મોર્ફિયા.

‘પાણી….પાણી.’

બહાર વેઈટિંગ રૂમમાં સન્નાટો છાયો છે. કોઈ બેચેન બની આંટા મર્યા કરે છે. કોઈક ગુમાયેલી આંખો લઈ બાંકડા પર સંકોચાઈને બેઠું છે.

એક ખૂણામાં દીવાલ પરથી પ્લાસ્ટરનું પોપડું છૂટું થઈ નીચે ખરી પડે છે.

*

હૉસ્પિટલના પોર્ચમાં ભયંકર બ્રેક સહન કરતી એક મિલિટરી ઍમ્બુલન્સ ઊભી રહે છે. એક સ્ટ્રેચર બહાર આવે છે. કોઈક નિશ્ચેત પડયું છે. આંખો ટગર ટગર જોયા કરે છે.

સિવિલ સર્જન – સિવિલ સર્જન ક્યાં છે?

આખી હૉસ્પિટલ ખડેપગ બને છે.

ઑપરેશન થિયેટરની ઉત્સુક ચૂપકી વચ્ચે નર્સો અવાજ કર્યા વિના અવરજવર કરે છે.

“ટેમ્પરેચર એક્સો છ – માય ગૉડ.”

“કૅપ્ટન, જવાન કશુંક કહેવા માગે છે…..”

બેત્રણ કાન એના મોઢા પર મંડાય છે.

“શું કહે છે! બાલ?….હાલ!….ના, ના, એવું ન હોય.”

કૅપ્ટનની નજર એના ફફડતા હોઠ પર મંડાય છે.

“ક્યા કહેતા હય તું….જલ? પાની? વૉટર? તુમે પાની ચાહીએ?”

તિવારી બિહારનો છે – એની નજર સંમતિમાં બિડાય છે…જે ફરી પાછી ઊઘડતી નથી.

ઑપરેશન રૂમની દીવાલ પરના ઘડિયાળમાં દર સેકન્ડે લાલ કાંટો ધક્કો ખાઈ અવાજ કર્યા વિના આગળ વધે છે. ગ્લુકોઝ સેલાઈન ટીપું ટીપું કરીને નસમાં પ્રવેશ કરતું દેખાય છે.

“જલ….જલ…વૉટર,” એ તો માત્ર માગણી છે…. અવાજ નથી. ફફડતા હોઠ પર એ દીન વાચના આવીને થીજી જતી દેખાય છે.

‘જલ.’ અંતે કશુંક જોઈતું હોવાનું ભાન જતું રહે છે.

ભાગ્યે જ દેખાય એવો હોઠનો કંપ પણ અટકી પડે છે.

“આઈ એમ સૉરી, કૅપ્ટન!”

એપ્રન ઉતારતા સિવિલ સર્જન ઑપરેશન થિયેટર બહાર જતા રહે છે.

બન્ને નર્સો લાગણીહીન નજરે કૅપ્ટન તરફ જોયા કરે છે.

*

“અરર!! આટલો બધો પસીનો અને આ ગભરાટ! તમને કશુંક થઈ ગયું છે?”

મને તરત જ ભાન થાય છે કે, હું જાગું છું પણ કશી ગમ પડતી નથી.

વિચારો એકબીજા પર ઘસાઈ ‘સૅન્ડ પેપર’ ઘસાય એવો કર્કશ અવાજ કરી રહ્યા છે.

હું તારો શબ્દો સાંભળું છું – સમજી શકતો નથી. આસપાસ જોઉં છું – ઓળખી શકતો નથી.

અજબ!

આવું મેં ક્યારેય અનુભવ્યું નથી અથવા આ અનુભવ છે એ પણ હું અત્યારે ચોક્કસપણે કહી શકતો નથી.

કોઈક ગૂંચ ઊભી થઈ છે ગભરાટ છે અને ઊંડે ઊંડે ચિંતા દઝાડી રહી છે, એવો આછો આછો ખ્યાલ આવે છે.

યાદ આવ્યું હવે.

નીલાને શું થયું હશે?

પૂછું તને? પણ શો ફાયદો? જ્યાં મારા સભાન હોવાથી પણ તું શંકા સેવી રહી હોય?

તું ફાટી આંખે મારી સામે જોઈ રહી છો. તું છંછેડાયેલી છો અને એ હકીકત મારાથી છુપાવવા તું કોઈ નવો તરીકો અજમાવવાનું વિચારી રહી છો એ હું જાણું છું.

તું મારા પ્રશ્નનો ઉડાઉ જવાબ આપશે એની પણ મને ખાતરી છે.

તોય….

મારા પ્રશ્નથી તને આઘાત લાગશે, એવા સંપૂર્ણ ભાનથી તને આ પૂછું છું… કારણ, એ પૂછયા વિના મારી જાગૃતિ પાછી લાવી શકું તેમ નથી.

“નીલાને શું થયું હતું?”

બસ, ધાર્યું હતું એવું જ બન્યું. એક ક્ષણ ઊભી રહી ગઈ. એ દરમ્યાન તું મારી નજીક દોડી આવી મારા ખાટલા આગળ જમીન પર બેસી, મારા સાથળ પર તારા બન્ને હાથ ટેકવી કેવી….કેવી….કહી ન શકું. સમજાવી ન શકું એવી રીતે મારી સામે જોઈ રહી છો!

દિશાશૂન્ય – મૂઢ હું તારી સામે જોઈ રહું છું.

તું કહે છે….

“નીલા તો આ બેઠી અગાશીમાં – શૈલેશ સાથે રમે!”

ત્યારે તો.

“ઓહ.”

મારામાં ક્યાંક તંગ બનેલી દોરી તૂટયાનું મને ભાન થાય છે, એની સાથે જ, હું ક્યાં હતો, ક્યાં છું, ક્યાં હોઈશ એ ત્રણે કાળના ચોક્કસપણા વિશે મારી બધી શ્રદ્ધા ઓસરી જાય છે.

જ્યાં બધું જ અનિશ્ચિત છે ત્યાં હું બેપરવા છું.

હું માગી લઉં છું….

“પણી – પાણી આપ મને અડધો ગ્લાસ”

મને ખબર છે, મેં ન માગવાનું માગ્યું છે અને એનું પરિણામ ભોગવવા હું તૈયાર છું.

તું મારા ખાટલા પરથી ઊઠી સામેની ખુરશી પર બેસી નીચું જોઈ ગઈ છો. તારાં ધ્રૂજતાં અંગોને કાબૂમાં લેવા તું કેટલો શ્રમ ઉઠાવી રહી છો એ હું અતિ દુ:ખથી જોઈ રહ્યો છું.

કશુંક કરું? શું કરું હું?

હું એવો લાચાર બન્યો છું કે, તારી વ્યથામાંથી તને બચાવવાનો, તને આઘાત ન આપવાનો એક નાનોશો યત્ન કરવાની પણ મેં શક્તિ ખોઈ છે.

તું ઊંચું જુએ છે.

તારી આંખમાં આંસુ નથી. આંસુ સિવાયનો રુદનનો બધો જ સરંજામ તારા ચહેરા પર મોજૂદ છે… એ કરટલી ભયંકર વ્યથા હશે જે આંસુઓને માંયનાં માંય સૂકવી દે!

એ પણ લાચારીથી જોતા રહેવાનાં મારાં કમભાગ્ય છે ને!

એક પળ – એક નાની પળ બસ એવું થાય છે કે, તારો હાથ પકડી તને નજીક ખેંચી હૃદયસરસી કરું! તારા ચહેરા પરનો આ ભાવ ભૂંસી નાખવા, જળ શું અન્નનો પણ હું ત્યાગ કરું.

આવું કહું તો તું ખુશ થશે – અતિ ખુશ થશે.

પણ….પણ આ દંભ, કહે તો ખરી, ક્યાં સુધી ટકાવી રાખવો!

ખરેખર તો હું કશું ત્યજી શકતો નથી.

તારી ખાતર નહિ – મારા જીવની ખાતર પણ નહિ! એ તું નથી જાણતી એવું નથી, જાણે છે.

મારી વિનંતી માત્ર એટલી જ છે તને કે તારા મનને ઠગવાના પ્રયત્નો છોડી દે, અને મારી લાચારી સ્વીકારી લે!

“પાણી,” હું કહું છું. “ડૉક્ટરની સૂચના ઉપરાંત મેં માત્ર અરધો ગ્લાસ પાણીનો માગ્યો છે!”

“ખરું, પણ હું કેમ કરીને તમને સમજાવી શકું કે હજી તો અરધો દિવસ અને આખી રાત બાકી છે!”

અને તું ઓચિંતાનો તારા ચહેરા પરથી પેલો રુદન અને ગ્લાનિનો ભાવ હટાવી લે છે. ઓહ! ઓ જલિમ! આ પળે કે જ્યારે હું મારી હાર કબૂલ કરું છું, હું નિ:સત્ત્વ અને નિર્બળ છું એવું જાહેર કરું છું, હું મારી જાતને ફિટકારીને તને વશ થાઉં છું, ત્યારે એ જરૂરી છે કે, તારી શક્તિકક તારા કાબૂમાં છે એવું તું મને ભાન કરાવે?

હું છેવટનું બોલી રહું છું.

“હા – એ ખરું છે!”

સામેના છાપરા પર બેઠેલી પાંચસાત કાબરની હરોળને હું જોઉં છું – દૂરથી ધસી આવતા ધૂળના વંટોળને હું જોઉં છું, તારા ચહેરા પર આવી બેસતા સ્વસ્થ ભાવને હું જોઈ લઉ છું.

હું ખામોશ છું!