ખારાં ઝરણ/એક એવો પણ સમય ક્યારેક હોવો જોઈએ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
એક એવો પણ સમય ક્યારેક હોવો જોઈએ

એક એવો પણ સમય ક્યારેક હોવો જોઈએ,
જે ક્ષણોનો માત્ર તું માલેક હોવો જોઈએ.

ઢીંક મારીને મને આગળ નીકળતો હોય છે,
એ છિંકોટા મારતો ઉદ્રેક હોવો જોઈએ.

ભાર પીંછાનો વધ્યો જો હોય તો ખંખેરને,
આપણી મિલકતમાં ટહુકો એક હોવો જોઈએ.

વેગથી વહેતી હવા, હોડી થવાનો ડર હતો,
અંત વખતે પાણીનો અભિષેક હોવો જોઈએ.

માત્ર મારી સારપોથી કૈં જ વળવાનું નથી,
દોસ્ત ! તારો પણ ઇરાદો નેક હોવો જોઈએ.

૨૬-૧૦-૨૦૦૭