ખારાં ઝરણ/ખૂબ ઊડયા, તો બળીને ખાક છે

From Ekatra Foundation
Jump to navigation Jump to search
ખૂબ ઊડ્યા, તો બળીને ખાક છે


ખૂબ ઊડ્યા, તો બળીને ખાક છે,
વ્યોમમાં એવી તો કોની ધાક છે?

જાગીને જોશો પછીથી લાગશે,
ઊંઘમાં ચાલ્યાનો કેવો થાક છે.

ચંદ્રની દાનત ન ચોખ્ખી લાગતી,
આપનો પણ ક્યાં ઇરાદો પાક છે?

રંગ, કોમળતા, સુગંધી, તાજગી,
પુષ્પને ક્યાં કૈં કશાનો છાક છે.

એ કહે છે : ‘હું અહીં છું, છું અહીં’,
ને બધા લોકોને કાને ધાક છે.
૨૧-૧૧-૨૦૦૭