ખારાં ઝરણ/નિવેદન

From Ekatra Wiki
Jump to navigation Jump to search


નિવેદન

ઘણીવાર થાય -
નરસિંહરાવ દિવેટિયા સાચા હતા?
એમણે પોતાની છબી નીચે લખેલું;
‘આ વાદ્યને કરુણ ગાન વિશેષ ભાવે.’

માત્ર નરસિંહરાવને જ આ પંક્તિ ઓછી
લાગુ પડે છે?
કવિમાત્રને
કરુણ ગાન ફાવ્યું છે.

ગઝલની મઝા એ છે કે
એ બે પંક્તિમાં કરુણને ઘૂંટે છે
અને પછીની તરત બે પંક્તિમાં
એ કરુણને વધુ તીવ્ર બનાવે
એમ હાસ્યાદિ રસને પ્રયોજે છે.
સૌ રસ માણે
એ જ કવિતા વાંચી-લખી-જાણે.

મારી ગઝલોમાં વિચ્છેદની
વ્યથા છે -
તો આવનાર નિર્ણિત મૃત્યુ સાથેની
બાથ ભીડવાની
અનેકવિધ સંવેદનકથા છે-
હું સમયના શાસન સામે
કંઈ વરસોથી તલવાર તાણીને
ઊભો છું-
મને જાણ છે-
મારો હાથ,
સમય ઓગાળી નાંખશે
અને એટલે
नास्ति मूलो
कृत शाखा?
હાથ જ નહીં
તો હાથમાં પકડેલી
ચકચકિત ધારદાર
તલવારનો શો મહિમા?

મને મૃત્યુએ
જીવતેજીવત ઓછું દુઃખ નથી દીધું.
અહીં જેમને આ સંચય
અર્પણ થયો છે -
એ મારાં દ્વિતીય હૃદયને
બાદ કરતાં પણ
એકાધિક સ્વજનના મૃત્યુએ મને હતાશ કર્યો છે.

પણ, એથી હાથ નહીં ઓગળે ત્યાં સુધી
તલવાર મ્યાન કરવાનો નથી.
૮-૫-૨૦૧૦
-ચિનુ મોદી