ખારાં ઝરણ/શ્વાસ થાક્યા દોડીને હદ બહારનું

From Ekatra Wiki
Jump to navigation Jump to search
શ્વાસ થાક્યા દોડીને હદ બહારનું

શ્વાસ થાક્યા દોડીને હદ બહારનું,
શોધ સરનામું હવે અંધારનું.

આંખ શું મસળી રહ્યો છે, આંધળા?
રૂપ અપરંપાર મારા યારનું.

રૂ-બ-રૂ મળવાની મારી જિદ્દ છે,
એ જ કારણ આપણી તકરારનું.

ચાડિયા ઊભા કરો છો ખેતરે?
કૈં વિચાર્યું પંખીના ધબકારનું?

હોય હિંમત, થા પ્રગટ ‘ઇર્શાદ’માં-
ને પછી જો દૃશ્ય આ સંસારનું.

૧૫-૮-૨૦૦૯