ખારાં ઝરણ/3

From Ekatra Wiki
Jump to navigation Jump to search


1

કેવળ રહી છે યાદો,
તકદીરનો તકાદો.

સમજણ વધારવાનો,
રસ્તો બતાવ સાદો.

જ્યાં ત્યાં મને મળે છે,
શું છે હજી ઈરાદો?

સદ્ સામે સદ્ લડે છે,
ત્યાં શું કરે લવાદો?

ભવભવ વિરહમાં વીત્યા,
પૂરી કરો સૌ ખાદો.

શ્વાસોનો થાક નાહક,
મારા ઉપર ન લાદો.

મૃત્યુને છેટું રાખે –
‘ઈર્શાદ’ છે ને દાદો?

૧૯-૫-૨૦૦૯




2

પહોંચવાનું ગેબી અણસારા સુધી,
આવવું સહેલું નથી મારા સુધી.

શોધવો છે એ તો નક્કી વાત છે,
હાથ લંબાવીશ અંધારાં સુધી.

મોરની બોલાશ ક્યાં પહોંચી ગઈ?
વીજળીના એક ઝબકારા સુધી?

તુચ્છ છે, કેવળ તણખલું છે સમજ,
તું ધસી ક્યાં જાય અંગારા સુધી?

આંખ સામે કૈંક રસ્તાઓ હતા,
એક રસ્તો જાય છે તારા સુધી.

૧૦-૮-૨૦૦૭



3

જોઈએ, વહેલી પરોઢે એક તારો જોઈશે,
દૂરનો તો દૂરનો તારો સહારો જોઈશે.

સાંકડું ને સાંકડું ઘર થાય છે વરસોવરસ,
વૃદ્ધ બનતા શ્વાસને લાંબો પટારો જોઈશે.

સાવ કોરી આંખની એક જ હતી બસ માંગણી,
છો થવાનું થાય; પણ અશ્રુ વધારો જોઈશે.

ચાલવા ને ચાલવામાં માર્ગ લંબાતો ગયો,
આર્તસ્વરમાં હુંય કહેતો કે ઉતારો જોઈશે.

સાંજ ટાણે હાટડી જો ખોલશો ‘ઈર્શાદ’ તો,
આપ પાસે સ્વપ્નના વિધવિધ પ્રકારો જોઈશે.

૧૪-૯-૨૦૦૭



4

હાથે ચડી ગયું છે રિમોટનું રમકડું,
એ જણ મનુષ્યમાંથી ઈશ્વર બની ગયું છે.

જેને કહો છો મિથ્યા એ તો જગત છે મિત્રો,
કેવી રીતે કહું કે નશ્વર બની ગયું છે?

આંસુનો મારો વાગ્યો અમને રહીરહીને,
પાણી હતું તે આજે પથ્થર બની ગયું છે.

વરસો જૂની હવેલી ક્યારેક તો પડત, પણ,
તારે લીધે બધુંયે સત્વર બની ગયું છે.

‘ઈર્શાદ’ કેમ લાંબું જીવી જશે ખબર છે?
તારું સ્મરણ પધારી બખ્તર બની ગયું છે.

૨૩-૫-૨૦૦૯



5

એવી કેવી વાત છે,
કે મિશ્ર પ્રત્યાઘાત છે?

છે પ્રબળ જિજીવિષા,
મોત પણ ઉદ્દાત્ત છે.

જીવ માટે દેહ એ,
પારકી પંચાત છે.

હાથ ઊંચા કર નહીં,
આભ બહુ કમજાત છે.

હંસનાં વાહન મળ્યાં,
(ને) કાગડાની નાત છે.

જે નજરની બહાર છે,
એય ક્યાં બાકાત છે.

જે નથી ‘ઈર્શાદ’ તે,
ચોતરફ સાક્ષાત છે.

૨૭-૫-૨૦૦૯



6

સૌ સમસ્યા જેવી છે એવી જ છે,
એ કદી ક્યાં કોઈના જેવી જ છે?

વ્યર્થ ખેતી જાય એ ચાલે નહીં,
આંખની બધી નીપજ લેવી જ છે.

વેદના એમ જ નથી મોટી થઇ,
મેં જનેતા જેમ એ સેવી જ છે.

શ્વાસ જેવા દીકરે ભેગી કરી,
માલમિલકત વારસે દેવી જ છે.

શું મરણની બાદ દુનિયા હોય છે?
હોય છે, તો બોલને, કેવી જ છે?

૨૯-૫-૨૦૦૯



7

ઊંઘમાંથી જાગ, બાળક,
મુઠ્ઠી વાળી ભાગ, બાળક.

બંધ આંખો ખોલ ઝટપટ,
ચોતરફ છે આગ, બાળક.

પૂછશે આવી વિધાત્રી :
‘રાગ કે વૈરાગ, બાળક?’

જળકમળ જો છાંડવાં છે,
પ્રાપ્ત પળ પણ ત્યાગ, બાળક?

ખૂબ ઊંચે ઊડવું છે?
ખૂબ ઊંડું તાગ, બાળક.

એમને છટકી જવું છે,
શ્વાસ શોધે લાગ, બાળક.

મોત મોભારે જણાતું,
શું ઉડાડે કાગ, બાળક?

૨૦-૬-૨૦૦૯



8

હાશ, અંતે જીવને ઝોબો ચડ્યો,
બાપડો આ દેહ ઠેકાણે પડ્યો.

શહેર, શેરી, ઘર તો ઓળંગી ગયા,
પણ, મને આ એક પડછાયો નડ્યો.

કોઈ સાંભળતું નથી મારી બૂમો :
‘ભીંત પર લટકાવવા ફોટો જડ્યો?’

સ્વસ્થ મનથી તું વિચારી જો ફરી,
છેક છેલ્લી વાર તું ક્યારે રડ્યો?

એમ લાગે છે મને ‘ઈર્શાદ’ કે,
કોઈએ કાચો મુસદ્દો છે ઘડ્યો.

૨૭-૬-૨૦૦૯



9

‘આવું’, ‘આવું’ કહી ના આવે,
ખોરંભે એ કામ ચડાવે.

લગાતાર ઈચ્છા જન્માવે,
જીવતેજીવત મન ચણાવે.

જોઈ તપાસી શ્વાસો લો,
એ ખોટા સિક્કા પધરાવે.

સામે પાર મને મોકલવા,
અણજાણ્યાને કાર ભળાવે.

જાત ઉપર નિર્ભર ‘ઈર્શાદ’,
ખોદી કબર ને પગ લંબાવે.

૧૬-૭-૨૦૦૯



10

હતો ત્યારે હતો આજે હવે એ દબદબો ક્યાં છે?
હવે ખુશબો નથી એનો ફૂલોને વસવસો ક્યાં છે?

સમયસર બોલવું પડશે, નહીં ચાલે મૂંગા રહેવું,
ગગનને હોય છે એવી; ધરા! તારે તકો ક્યાં છે?

બધો વૈભવ ત્યજીને આવશું તારે ઘરે, કિંતુ,
મરણના દેવ! શ્વાસોનો નિકટવર્તી સગો ક્યાં છે?

ટપાલી જેમ રખડ્યો છું તને હું શોધવા માટે,
મળે તું નામ સરનામે મને, એ અવસરો ક્યાં છે?

ઘણીયે વાર પૂછું છું મને ‘ઈર્શાદ’ સાંજકના,
તમારા દુશ્મનો ક્યાં છે ને એની ખટપટો છે?

૨૧-૭-૨૦૦૯



11

ભોંયે પડેલું પાંદડું મોઢું બગાડતું,
‘આ જીર્ણ ઝાડ આજ પણ પંખી ઉગાડતું’.

કેવું બિચારું બાપડું જૂનું જગત હતું?
મારા ગુનાઓનું જૂનું વાજું વગાડતું.

મારા મરણનાં કારણો શોધ્યાં નહીં જડે,
પાણી ઊંઘાડતું અને પાણી જગાડતું.

ખૂબ જ નિરાંતે દેહમાં બેઠેલ જીવને,
ગાંડું થયેલું શ્વાસનું ટોળું ભગાડતું.

આ કેવી અવસ્થાએ મન પહોંચી ગયું હતું?
‘ઈર્શાદ’ વાતે વાતે એ ખોટું લગાડતું.

૨-૮-૨૦૦૯



12

ઝીણી ઝાણી છાંટ છે વરસાદની,
વ્હાલની આ રીત છે ઈર્શાદની.

જન્મ લીધો ત્યારથી જીવ માંગતો,
જીવ લેશે જિદ્દ આ જલ્લાદની.

હું ગઝલમાં વાત મન સાથે કરું,
ક્યાં જરૂરી મારે તારી દાદની?

પાંપણો પર બોજ વધતો જાય છે,
કમ કરો વાતો પુરાણી યાદની.

કમ કરો વાતો પુરાણી યાદની,
વ્હાલની આ રીત છે ‘ઈર્શાદ’ની.

૪-૮-૨૦૦૯



13

શ્વાસ થાક્યા દોડીને હદ બહારનું,
શોધ સરનામું હવે અંધારનું.

આંખ શું મસળી રહ્યો છે, આંધળા?
રૂપ અપરંપાર મારા યારનું.

રૂ-બ-રૂ મળવાની મારી જિદ્દ છે,
એ જ કારણ આપણી તકરારનું.

ચાડિયા ઊભા કરો છો ખેતરે?
કૈં વિચાર્યું પંખીના ધબકારનું?

હોય હિંમત, થા પ્રગટ ‘ઈર્શાદ’માં-
ને પછી જો દ્રશ્ય આ સંસારનું.

૧૫-૮-૨૦૦૯



14

છે ધધખતું પણ ઉપરથી શાંત, હોં,
વૃદ્ધ બનતાં પ્રાપ્ત આ એકાંત, હોં.

કૈંક એ જોઈ ગયો છે ત્યારથી,
ચિત્ત-ચક્ષુ બેય સરખાં શાંત, હોં.

જેમ જળમાં અન્નનો દાણો ફૂલે,
વૃત્તિનું આવું હતું વૃતાંત, હોં.

માપસરની વેદના ખપતી નથી,
એ વધે અનહદ તો છે વેદાંત, હોં.

કેટલાં કીધાં જતન ‘ઈર્શાદ’ તેં?
છેક છેલ્લે તોય છે, દેહાંત, હોં.

૧૮-૮-૨૦૦૯