ગંધમંજૂષા/વર્ણલીલા

From Ekatra Wiki
Jump to navigation Jump to search

વર્ણલીલા


દિગંત પ્રાંતર આળોટતું
ક્ષિતિજનેય વળોટતું લીલું ઘાસ.
ઉપર આકાશ ઉન્મુક્ત નીલ –
ગોકર્ણના ફૂલ જેવું.
ઘાસના હરિત ફેનિલ સમુદ્રમાં
ધીમેધીમે કોઈ રાજવી નૌકાની જેમ
સરતો જતો સૂર્ય લાલ –
તિતિઘોડાના હૃદયમાં પતંગિયું થવાની ઇચ્છા જેવો.
પાછલા પ્રહરના સ્વપ્ન જેવા -
જાંબલી પીળાં પતંગિયાંઓની
ઊડાઊડ ચોતરફ
પેલા નાના અમથા છોડ પ૨ ગુલાબી ઐશ્વર્ય !
અઢળક અઢળક
ઘાસમાં ગૂંથાતા જતા
અગન ચંડોળના ટહુકાઓ
રંગીન વેલબુટ્ટાઓની જેમ
એક પછી એક
અરે ! અરે !
ગણીને ગાંઠે બાંધેલી
મારી કજળેલી કાળી વેદના ક્યાં ઊડી અચાનક
– કોઈ દુર્દાત પક્ષીની જેમ
અને
એટલે જ તો અત્યારે
અવર્ણ હું.